35 - ચિચિયારી – ગઝલ / નયન દેસાઈ


પાટા નીચે છૂંદાઈ ગયેલો અશ્વ ટ્રેનની ચિચિયારી છે,
અબરખિયા ચહેરાવાળા મુડદાલ શબ્દની બલિહારી છે.

કોલાહલના કાંઠા વચ્ચે કેદ ફીણને ફોડી નાંખો,
જળ ભરતીની ભીંત ચિરંજીવ પરપોટાની ફિશિયારી છે.

પગરવને વીંટળાઈ વળેલી ભીંતો આકુળ વ્યાકુળ કમરો,
નહીં ઊઘડેલી એક બારીની પ્રસવકાળની તૈયારી છે.

શ્વેત લચી પડતી એકલતા ભાષાહીન દિશા ચિત્કારો,
લાક્ષાગૃહના હર દરવાજે મશાલધારી પ્રતિહારી છે.

અબલખ-મબલખ આભ, આભમાં ખાંગો સૂરજ હફડફ ઢળતો,
ઝાંખી પાંખી સાંજને જાણે કોઈ કવિતાએ પડકારી છે.0 comments


Leave comment