36 - વન્સમોર – ગઝલ / નયન દેસાઈ


ઊઠે-હશે, ધસે અને તફડે છે વન્સમોર,
ખંજવાળ ખારપાટમાં ગબડે છે વન્સમોર.

બોલે બીકાળવું બબડતી બદનસીબ ક્ષણ,
ઝંઝા, થપાટ, ફેફસાં ખખડે છે વન્સમોર.

ચૂનો ને ચરચરાટ ને નેપથ્ય ઘંટડી,
ખેંચાય દોર ને ફરી ઊઘડે છે વન્સમોર.

સંવાદ હાર્મોનિયમ ઘૂંઘરું થરકતું છમ્,
પડછાયે મોત હાંફતું લબડે છે વન્સમોર.

ગળફાની લાલ ઝાંય ને તાળીનો ગડગડાટ,
છાતીમાં છેલ્લો શ્વાસ પણ બબડે છે વન્સમોર.0 comments


Leave comment