10 - કડવું – ૧૦ – / મામેરું / પ્રેમાનંદ ભટ્ટ


કડવું ૧૦મું. - રાગ સામેરી.

મહેતે ગાઇ પ્રસાદની થાળી, આરોગાવ્યા શ્રીવનમાળી;
લીધો પ્રસાદ પૂરાણ પ્રીતે, પછે શું થયું રજની વીતે.

ઢાળ

વીતી રજની કીર્તન કરતાં, થયો પ્રાતઃકાળરે;
કુંવરબાઇ આવ્યાં પિતા પાસે, હવે મોસાળાંની કરો ચાલ રે.

મહેતાજી કહે પુત્રી મારી, જઇ ન્યાતને તેડાં કરો;
વિશ્વાસ આણી મંડપમાંહી, એક છાબ ઠાલી જઇ ધરો.

જ્ઞાતિ સગાં સહિત પધરાવો, સર્વકુટુંબ પરિવારજી;
છે વાર જ્ઞાતિ મળ્યાતણી, નથી મોસાળાની વારજી.

કુંવબાઇ કહે તાતજી મને, કેમ આવે વિશ્વાસ રે;
ઠાલી છાબ હું કેમ ધરું, થાય લોક્માં ઉપહાસ રે.

મહેતોજી કહે પુત્રી મારી, છો વૈષ્ણવની દીકરી;
તારે મારે ચિંતા શાની, મોસાળું કરશે શ્રીહરી.

મર્મ વચન સુણી તાતનું, સાસુ કને આવી વહુ;
મારો પિતા મોસાળું કરે છે, સગાં મિત્ર તેડો સહુ.

ખોખલે પંડ્યે તેડાં કીધાં, મેળવ્યું બધું ગામ;
વહેવાઇ વરગ એણીપેરે બોલે, મહેતો મૂકીને જાશે મામ.

મંડપમાં મહેતોજી આવ્યા, હાથ ગ્રહી છે તાળરે;
નાગર સઉ ઉભા થઇ, કહે પ્રેમે જેગોપાળરે.

મંગાવી એક છાબ ઠાલી, તેં ચોકમાં આણી ધારી;
મહેતાજીએ શંખ પૂર્યો, વિનતિ શ્રીહરિની કરી.


0 comments


Leave comment