36 - ગુરુકૃપાની જરૂર / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      આ સાધના એની અમુક ચોક્કસ નીતિ-રીતિ પ્રમાણે ગુરુની આજ્ઞા મુજબ પ્રાપ્ત કરી લેવાથી બધીયે સમસ્યાઓ દૂર થઈ જાય છે એમ દાસી જીવણ માને છે. માનવીનું ચિત્ત પોતાની બહુર્મુખી વૃત્તિઓના જુદા જુદા અનેક રંગો વડે રંગાયેલું છે. મેઘ ધનુષ્યના સપ્તરંગી પટ્ટાઓ જેવા વિવિધરંગી ચિત્તતંત્રમાં ક્ષણે ક્ષણે રંગો બદલતા રહે છે, ને જુદા જુદાં વિષયોમાં એ ચિત્ત બધે સ્થળે વિહરતું રહે છે. એ ધજાની પૂંછડી માફક ફરફરતા ચિત્તને એક ઠેકાણે યોગ સિવાય કોણ બાંધી શકે ? ચિત્તવૃત્તિનો નિરોધ કરીને સદગુરુની કૃપાથી એ વિકટ કાર્ય પાર પાડી શકાય છે. અને એટલે જ યોગમાર્ગમાં ગુરુનું મહત્વ ઓછું અંકાયું નથી. શબ્દના બાણથી જ્યારે ગુરુ પોતાના શિષ્યના અંતરમાં રહેલી ‘દુબધ્યા’ને (દુર્બુદ્ધિ)ને વીંધે છે ત્યારે જ અંતરમાં અજવાળું થાય છે....

      યોગમાર્ગના જાણકારોએ શરીરમાં ત્રણ બાબતોને પરમ શક્તિ માની છે, ૧. બિંદુ અથવા શુક્ર, ૨.વાયુ અથવા પવન, ૩. મન અથવા ચિત્ત.

      અત્યંત ચંચળ હોવાને કારણે આ શક્તિઓ ઉપર માનવી પોતાનો અધિકાર સહેજે પ્રાપ્ત કરી શકતો નથી. હઠયોગીઓનો સિદ્ધાંત છે કે આ ત્રણ શક્તિઓમાંથી કોઈપણ એક શક્તિને વશ કરી લેવામાં આવે તો બાકીની બે શક્તિઓ સ્વયં આપોઆપ વશમાં આવી જાય છે. ને એટલે જ યોગી સાધક સાધના અને અભ્યાસ દ્વારા બિંદુને ઉર્ધ્વમુખી બનાવે છે. એનાથી મન અને પ્રાણની ચંચળતા ઘટે છે, પ્રાણાયામ અને બ્રહ્મચર્ય એમાં સહાયકર્તા બને છે. સાધના દ્વારા કુંડલિની શક્તિનો ઉદય થાય છે, અને જે સ્ફોટ એ સમયે થાય છે તેણે નાદ કહેવામાં આવે છે. નાદથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રકાશનું આ વ્યક્તરૂપ મહાબિંદુ છે. અહીં પ્રાણ સ્થિર થાય છે. અને સાધક સંત નિરંતર અનહદનાદ સાંભળતાં અમૃતરસનું પાન કરતો રહે છે.


0 comments


Leave comment