6.2 - અષાઢી સાંજના અંબર ગાજે / સંવાદ / જ્વલંત છાયા


ઇન્દ્ર તણી નભધેનુ સરખી,
જળભર વાદળીઓ શિલ ઝૂકી.
શીતળ ભીનો પવન સરૂકયો
વાદળદળમાં વીજ ઝબૂકી.
ક્ષિતિજમાં અંબર ગગડ્યો,
ઘન ગગન અષાઢી ઘોર ચડ્યો.

       ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નામના કવિનું અષાઢી મેઘ નામનું આ કાવ્ય એમ તો ખાસ્સું મોટું છે. વાદળીના વૃંદ નીલાંબર ધારીને ફરે અને સૂરજ પકડાઈને પુરાઈ જાય તેવા કંઇક પ્રતીકો, કલ્પનો આ કવિતામાં ગાજે અને વરસે છે. ઈશ્વર અવતારમાં કૃષ્ણ અને ઋતુઓમાં વર્ષા-સર્જનમાં કદાચ સૌથી વધારે સ્પર્શાયેલી આ બાબતો હશે તેવું કહી શકાય. વરસાદની વાત કવિતા વગર ન થાય ? રિવાજ થઇ ગયો છે કે વરસાદ માટે નિબંધ લખવો હો, છાપાંના સમાચાર લખવા હોય કે પછી ફોટોકેપ્શન લખવું હોય, કાવ્યપંક્તિ અનીવાય. એવું જરાય જરૂરી નથી અને ચોમાસું જામવા દ્યો આપણે કવિતાપંક્તિ વગરનો વરસાદ સંવાદમાં વરસાવીશું. પરંતુ અષાઢની વાત આવે ત્યારે કવિતાઓને એટલા માટે અળગી ન કરી શકાય કે આ માસની શરૂઆત સાથે, તેના પ્રથમ જ દિવસ સાથે આપણા મહાન શૃંગારિક કવિ કાલિદાસનું પ્રચલિત કાવ્ય જોડાયેલું છે. જ્યારે ફેસબુક, ૩-જી, ૪-જી ટેકનોલોજી પ્રાપ્ય નહોતી, એમએમએસ, એમએમએસ નહોતાં અને ઈ-મેઈલ નહોતા થતાં ત્યારે કાલિદાસે તેમના નાયક યક્ષને કેન્દ્રમાં રાખીને લખ્યું, 'અષાઢસ્ય પ્રથમ દિવસે...' અષાઢનો પ્રથમ દિવસ, આકાશમાં મેઘઘટા અને ચટ્ટાન પર ઊભેલા એ હીરોને પ્રિયા યાદ આવી. તેથી જ અષાઢ શરુ થાય કે તરત અનેક વ્રતો અને મહત્વના દિવસો સાથે કાવ્યો યાદ આવે. એક કાલિદાસનું મેઘદૂતમ અને બીજું ટાગોરનું નવવર્ષા બે એવી કવિતા છે જે આપણને કોરા રહેવા દેતી નથી.

       અષાઢ માસના પ્રથમ દિવસે યક્ષ અને મેઘદૂતમનું સ્મરણ થાય તો બીજો દિવસ એટલે 'કચ્છી માડુ જે નયે વરેં જી વધાઈયું.' નવી જનરેશન કચ્છને જેઠાલાલ ચંપકલાલ ગડાનાં વતન તરીકે ઓળખે છે બાકી આ મૂલકની વાત જ નોખી છે. અને આ અષાઢીબીજ એટલે કચ્છ અને હાલારનું નવું વર્ષ. અને આ જ અષાઢમાં વળી ભડલીનોમ પણ આવે, હા એ જ પેલા ભડલી વાક્યો, વરસાદનો તળપદી વર્તારો. અનેક મહાનુભાવોને ખ્યાલ નથી ભડલી હતો કે હતી ? વરસાદ વિશે આગાહી કરનાર આ ભડલીનો જન્મ અષાઢ સુધ નોમે થયો હતો. અને દેવપોઢી અગિયારસનું મહાત્મ્ય હવેલીમાં ન જતાં હોય તેમણે પણ ખ્યાલ જ હોય. અષાઢનું સૌથી મોટું મહત્વ તેની પૂનમ. ગુરુપૂર્ણિમા અષાઢનું પર્વ છે.

       દિવસો પર્વોથી છે અષાઢ. આ જ મહિનામાં ગૌરીવ્રત આવે, કન્યાઓ સારા કુમારને પામવા વ્રત કરે, પત્નીઓ પતિના સુખ અને આયુષ્ય માટે વ્રત કરે. એવું બધું આ મહિનામાં ચાલે. દીવાસાનું જાગરણ અને તેની સાથેની વાયકાઓ. હિંદુઓમાં વ્રત-ઉપવાસ તો જૈનોનાં ચાતુર્માસ અને ઉપવાસ આપણે ધર્મના પોટલાંમાં ઋતુઓ-રિવાજોને બાંધી દીધા છે, એક્ચ્યુલી આમાં સાયન્સ છે. આ સંક્રાંતિકાલ છે. વળી કેમ યુવતીઓએ જ ઉપવાસ કરવાના ? વ્રત રાખવાના ? શરીરશાસ્ત્ર કહે છે, 'પુરુષ કરતા સ્ત્રીઓ પોતાના શરીરનું ધ્યાન વધારે રાખવું જોઈએ. તેના શરીરમાંથી ભવિષ્યમાં એક નવું શરીર, એક નવી ચેતના પ્રગટે છે. તેનું શરીર બંધારણ એ રીતે ઘણું અગત્યનું છે, તેને સ્થૂળતા શોભતી નથી.' તેનું કારણ આ પણ છે. પહેલાં કદાચ જીમ નહીં હોય, શું, કેટલું, ક્યારે ખાવું તેનીસલાહ માટે ડાયેટીશ્યન નહીં હોય તેથી આપણે શાસ્ત્રોને હેલ્થકન્સલ્ટન્ટ બનાવી દીધા. વરસાદી ઋતુમાં ભજિયાં ઝાપટી જનારા રાજકોટનાં નાગરીકો જેવા અનેક લોકોને ખ્યાલ નથી કે આ ઋતુમાં પચવામાં વાર લાગે છે. બને તેટલું હળવું ખવાય ! તેથી જ તો અષાઢ અને શ્રાવણ વ્રત - ઉપવાસના માસ છે, બાકી રામ પોતાના બર્થ-ડે પર શીખંડ ખાવાની છૂટ આપે તો કૃષ્ણ થોડા ભક્તોને ભૂખ્યા રાખે ?

       આ બધી વાતો કરતાંય અષાઢ માસનું મહત્વ એટલા માટે છે કે વરસાદની સત્તાવાર શરૂઆત થાય છે. સર્વત્ર એક પરિવર્તન-નિસર્ગનું નર્તન દેખાય છે. મૌસમ મિજાજ બદલે છે, ઋતુ મેઘધનુષી રંગ ધારણ કરે છે. રવીન્દ્રનાથે વરસાવેલી અને ઝવેરચંદ મેઘાણીએ ઝીલેલી કવિતા રોમ રોમ વર્ષામય કરી દે છે. 'ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ કરે,ગુમરી ગુમરી ગરજાટ કરે, નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે, નવ દીન કપોતની પાંખ ખૂલે, મધરા મધરા મલકાઈને મેંડક મેહસુ નેહસુ બાત કરે મારો પ્રાણ કરી પુલકાટ થયો પથરાઈ સારી વનરાઈ પરે.....' આ તો આખી વર્ષાનું વર્ણન છે અને અષાઢ-શ્રાવણ દરમિયાન આ દૃશ્યો ક્યારેય પણ સર્જાઈ શકે, પરંતુ મેઘાણીદાદાએ તો પર્ટીક્યુલર અષાઢનું જ ગીત લખ્યું છે. સર-મેડમ ગેરેંટી છે આ અષાઢ માસ દરમિયાન સંધ્યા ટાણે તે સાંભળજો, જ્યાં હશો ત્યાં નાચવાનું મન થશે - મન હશે તો. ફક્ત મગજ - શરીરવાળાને મોજ છે ! - ગીત, અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે... ગીત કવિ ભાસ્કર વ્હોરાની રચના અષાઢી બીજ્પ્ત ચંદને લક્ષમાં રાખી શિવનો મહિમા કરે છે. 'હિમાલયના ઉત્તુંગ શિખરે, લયબદ્ધ તેજ-ન્ય કરતાં કરતાં ચંદ ચૂક્યો લય ને ચગદાઈ ગયો, અનંત હિમશીલા વચ્ચે.'

       ફિલ્મી ગીતોમાં સાવન-ભાદો છે, અષાઢ ઓછો દેખાય છે. મોહન રાકેશનું એક નાટક છે, 'અષાઢ કાં એક દિન'. અષાઢ વરસાદનાં પગલાનો મહિનો છે, વ્રતનો, ધર્મનો મહિનો છે અને તેને એમ તો વિરહનો માસ માનવામાં આવે છે. મેઘદૂતના યક્ષથી લઈ જ્યાં જ્યાં અષાઢ છે ત્યાં વિયોગનો વિષાદ છે. આદરણીય નિરંજન ભગત લખે, 'આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !આપણે રે પ્રિય સામસામે તીર ક્યારેય નહીં મિલાપ ગાશે જીવન જમુનાના નીર વિરહનો જ વિલાપ' અષાઢ એક બહાર હોય છે અને તે વર્ષમાં એકવાર આવે છે. ઘણા લોકો મનમાં આજીવન અષાઢ લઈને જીવતા હોય છે અને તેનો માઢ ક્યારેક કોઈ ન દેખે ત્યારે નેણના નીરમાં ગવાય છે. એક અષાઢ મનમાં હોય છે જ્યાં સ્મરણોની વીજ ઝબૂકે છે, જ્યાં વિતેલો સમય વાદળોની જેમ ગરજે છે. જ્યાં વિટંબણાના વાદળો સતત ઘેરાય છે, ગરજે છે.

       શિવરાજ આકાશનું ગીત પણ એવી જ અભિવ્યક્તિ કરે છે, 'હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં. હેજી એવા મેહુલિયા વરસે ને હૈયાં કોરાં હો જી, હે તમે દૂર દેશાવર, નથી કાંઈ ઓરા હો જી....' નયનેશ જાનીનું આ ગીત તેઓ પોતે ગાય ત્યારે હૈયું છલકાય અને ગાર્ગી વ્હોરા ગાય ત્યારે સાંભળનારની આંખ છલકાઈ જાય છે. એવી તો સંખ્યાબંધ રચનાઓ આપણને મળે છે.

       આ એક મુકર્રર કરેલો મૂડ છે અષાઢનો બાકી આ માસ એમ ઉદાસ રહેવા માટે નથી. ગુણવંત શાહના એક નિબંધનું શિર્ષક હતું, વિયોગ એટલે વિશિષ્ટ યોગ. હું આ અષાઢને વિયોગ નહીં પરંતુ સ્મરણનાં વિશિષ્ટયોગનો માસ માનું છું. અરે કરોડોની આ દુનિયામાં આપણે કોઈકને નિરાંતે યાદ કરી શકીએ એ શું સારો યોગ નથી ? વિરહ શું વળી ? અરે આ તો સ્મરણની ઋતુ છે. જે દૂર છે તેને વાદળોના માધ્યમથી મળવાની ઋતુ છે, કારણ કે જે વાદળ આપણા પર વરસે છે તે જ આકાશ ક્યાંક બીજે પણ વરસતું હશે. આવું ઐક્ય હોય ને આપણે વિરહની વાતો કરવાની ? 'દૂરતા તો સ્થળનું કેવળ છળ સખી, પુરો થતાં તો ખુદ મળું છું...' રાજેન્દ્ર શુક્લની કવિતાની ખૂબી એ છે કે બ્રહ્માંડની કોઈ પણ તત્વમાં તે લાગુ થઇ શકે, આ જોવો અત્યારે અષાઢી નેવાંની જેમ ટપક્યોને શેર !

       અષાઢ, શ્રાવણ અરે વરસાદની ઋતુ છે, અવસાદ ઝીરવવા આખી જિંદગી છે જ, આ મૌસમ થોડો વરસાદ ઝીલવાની છે. સૂર્યભાનુ ગુપ્તની આ છટા જોવો, 'ખેલ મૌસમ ભઈ ખૂન કરતા હૈ, છીંટે આતે હૈ મેરે અંદર ટક, મેરે બાહર મેરે બરસતા હૈ...' અરે આ તો રોમાન્સની ઋતુ છે, કાલિદાસ ઋતુસંહારમાં લખે તેનો ધીરુ પરીખે કરેલો અનુવાદ કંઈક આવો છે, 'સજ્યાં સુગંધી કુસુમે નિતમ્બ પે ઢળેલ કેશે, વળી હારશોભિતા સ્તનો અને મધ્યભર્યા મુખો થાકી જગાડતી પ્રીતમ - કામ શી સ્ત્રીઓ...'

       અલબત્ત આ તો વરસાદ છે અને 'વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી' (ર.પા) એટલે અષાઢ જેમ માણી શકાય તેમ માણવાની મૌસમ છે. નવા વર્ષની વધામણી આપો કે કોઈને સંદેશો મોકલો કે પછી વ્રત કરો કે જાગરણ કાંઈ પણ. આખરે આ વરસાદનાં આગમનની છડી છે અને કવિ હર્ષદ ચંદારાણા સૌ જીવને ભીનું ઇજન આપે છે, 'ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું તાણું છે વર્ષા કે વાદળ નામના કોઈ કવિએ લખેલું ગાણું છે વર્ષા અને ઈશ્વરને બહાનું બનાવીને કોણ જાણે કોને ય કહે છે, 'આ વરસતું પાણી બીજું કૈં નથી, તું જ વરસે છે અહીં વરસાદમાં.;


0 comments


Leave comment