9 - શિરચ્છેદ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      રતનબાઈ આવીને હંમેશની જગ્યા પર બેસી ગઈ.
      નવેમ્બરની ગુલાબી ઠંડીને માણતા શહેરીજનો હજી સળવળતા ન હતા. કોઈ વહેલાં કામે જનારા કે પછી સૌથી વહેલા પહોંચી જઈ સારું સારું વીણી લેવાના શોખીનો દેખાતા હતા. બાકી તો એની એ જ ઘોડાગાડીઓ, જીપો, ટેમ્પા, દલાલો, મજૂરો વગેરેના અવાજોથી માર્કેટ ગાજતી હતી. રતનબાઈની બેસવાની જગ્યા વર્ષોથી મુકરર થયેલી હતી.

      આનાં કારણો હતાં. એક તો ગ્રાહકો લગભગ એ રસ્તેથી જ આવતા. વળી બપોર સુધી છાંયડો રહેતો અને ત્રીજું કે હોટલ સાવ પડખે જ. રતનબાઈને એ જગ્યા ઘરના આંગણા જેટલી જ વહાલી હતી. એ હંમેશાં ભળભાંખળું થયે માર્કેટમાં પહોંચી આવતી. માલની બોલાતી બોલીમાં ઊંચા ભાવવાળું શાક ખરીદી લેતી. પછી પોતાની નિયત જગ્યા પર સિમેન્ટની થેલીઓમાંથી બનાવેલો મોટો પાલ પાથરી તેના પર બધું વ્યવસ્થિત ગોઠવી જરા નિરાંતનો શ્વાસ લઇ ચાવાળાને હાકોટો મારતી.
- અર્ધી ચાલશે.
      ચાવાળો  પણ આજુબાજુ બેસનાર બધાના અવાજને બરોબર ઓળખતો હતો. તેમાંય રતનબાઈના લહેકાને તો એ સો સ્ત્રીઓના અવાજ વચ્ચે પણ પારખી જાય તેમ હતો. એટલે ક્યારેય રતનબાઈને આ માટે બે વાર કહેવું પડતું નહીં. રતનબાઈ નિરાંતે ચા પી લીધા પછી ગ્રાહકોની ભીડ જામે કે તરત તીણા અવાજે :
- આવો બોન, લઇ જાવ રીંગણાં તાજાં... સાહેબ કચ્છનો મેવો લઇ જાવ. અસ્સલ ધ્રબની ખારેક સે.... લ્યો લ્યો ચાખી તો જુઓ.
      આજુબાજુથી પસાર થઇ જતા ગ્રાહકોનું ધ્યાન ગયા વગર રહેતું નહીં. વળી રતનબાઈનો સ્વભાવ પણ તેના ગળા જેટલો જ મીઠો હતો. તે વિવેકી પણ હતી જ. રતનબાઈને કારણે તે બેસતી તે વિસ્તાર ભર્યો ભર્યો લાગતો.

      પણ વર્ષોથી ચાલ્યો આવતો આ ક્રમ હવે તૂટવા લાગ્યો હતો.રતનબાઈ હવે ક્યારેક ક્યારેક ગેરહાજર રહેવા લાગી હતી. રતનબાઈની જગ્યા પરથી – ‘ભાઈ ચા દેજે’ આવું સંભળાય કે ચાવાળો સમજી જતો કે આજે રતનબાઈ નથી.
- અર્ધી આલજે....
      ચાવાળો સમજી ગયો કે આ રતનબાઈ !
      રતનબાઈ પલાંઠી વાળી રાજાની અદામાં બેઠી હતી. આજુબાજુ સૌ પોતપોતાની પ્રવૃત્તિઓમાં મગ્ન હતાં. વિચારોમાં રત રતનબાઈ સામેની ભીંત પર ગઈ ચુંટણીની જાહેરાતના અક્ષરો એક એક કરીને વાંચવા મથતી હતી. ત્યાં એની ‘અર્ધી ચા’ આવી ગઈ.

      ચા લઇ આવનાર જુવાન અડધી ચા અને પાણીનો કળશિયો રતનબાઈ સામે ધરી ઊભો રહ્યો એટલી વારમાં એક ગાયે ચોળાની શીંગોના ઢગલામાં મોઢું નાખ્યું.
- હેંડ હેંડ કરતી રતનબાઈએ લાકડી ઉપાડી. ગાય સમજી ગઈ. રતનબાઈ ચા લઇ આવનાર સામે જોતાં બબડી.
- આ મૂંઆ ઢોરાંના ધણી ઈને બાંધી રાખતા હોય તો. અમુ માલ વેસીએ કે ગાયોનું ધ્યાન રાખીએ. આવા રખડતા ઢોરાંને ડાબે પૂરી નાખવા જોવે. મુનીસપાલ્ટીએ કાંક કરવું જોવે.
     ચા લઇ આવનાર મલકતાં બોલ્યો :
- તમારું રાજ છે તો પકડાવોને.
      રતનબાઈનો ચહેરો ગંભીર થઇ ગયો. ચાની છેલ્લી ચૂસકી ભરતાં બોલી :
- થાશે ભૈ થાશે. ખમો તો ખરા. બધુંય થાશે.
      તે ચાના પૈસા આપી બેઠી બેઠી મનોમન કશીક ગણતરી માંડી.
- અવે તો એક જ મંઇનો સે પસી તો લીલાલે’ર.
- ચોળા કેમ દીધા ?
- આઠ રૂપિયા સાયેબ.
- આઠ રૂપિયા હોય ? તમારા ભાવ બહુ ઊંચા બેન.
- લેવા હોય તો લ્યો નંઈ તો કાંય નંઈ.
      ખરીદનાર હાલતો થયો. રતનબાઈ એની પીઠ પાછળ જોતાં મનમાં જ બોલી.
- ઈ તો ઊંચા જ વોય ને. આ રતનબાઈના ભાવ સે. એક મંઇના પસી આવજે.ક્યાંય ઊંચા હશે. ભાવ ઊંચા સે તાણે તો અટાણથી જ પેલા આંટા મારે સે. નંઈ તો ઈ લોકો દાતણિયા વાસમાં આવે ઈમ ? ઈ જાણે સે કે એક મંઇના પસી રતનબાઇ પરમુખ હશે પરમુખ.
- કેમ રતનબાઈ ઓળખો કે નંઈ ?
      રતનબાઈ ગ્રાહકના ચહેરા સામે જોઈ રહી. પછી અચાનક ઓળખાણ પડી હોય તેમ મલકી પડી.
- ઓળખીએ કેમ નંઈ જોનેલ સાએબ જ ને ?
- હા, પણ જોનેલ નહીં. ઝોનલ બોલો. હવે તમે સરખું બોલતા શીખો. નહીંતર વહીવટ કેમ ચાલશે ?
- ઈ તો બધ્ધુંય આવડી જાય. તમતમારે જોજોને આ રતનબાઈમાં કેટલું પાણી સે.
- રતનબાઈ આ સરકારે સારું કર્યું હોં. દર વરસે નવો પ્રમુખ. બધાયને તક મળે, પણ તમે બહુ લક્કી છો. તમારા પક્ષમાં તમારી જાતિનો  તમારા સિવાય કોઈ નથી. એટલે આ વર્ષે તમારો વારો અને તમે બહુ તૈયાર છો.
      એ ચબરાક અધિકારીએ રતનબાઈના ચહેરા પર હળવું પીંછું ફેરવી લીધું. શાક લઇ લીધા પછી ખિસ્સામાં હાથ નાખતાં એ બોલ્યો :
- રતનબાઈ કેટલાં દઉં ?
- રે’વા દયો સાએબ. બીજી વાર વાત. તમેય અમને કામ આવશો કો’ક દી.
- ભલે ભલે, તમતમારે વહીવટ ચલાવજો બરાબર.
- ઈ તો સાહેબ જોજોને. પાલ્ટીવાળાએ કાંક દેખ્યું હશે તાણે ટિકટ દીધી હશે ને રૂપાળી તો મારી ન્યાતમાં એયને ઘણીયે દાતણ વેચે સે !
      ઝોનલસાહેબ રતનબાઈને અનેરી સૃષ્ટિમાં વિહરતી મૂકી ચાલ્યા ગયા.
      રતનબાઈ સુખદ ક્ષણોમાં સરકી પડી.
- આ નવુમ્બર પૂરો થ્યો જ હમજો. આવતા મંઇને નવા પરમુખની ચૂંટણી થાશે. મું તો નક્કી જ સું. સોળવલા સોના જેવી. પક્સ પાહે બીજો તો ઉમીદવાર જ ક્યાં સે ? ઊભો રયો’તો ઈ હારી ગ્યો એટલે અવે મું જ પરમુખ થાવાની.
      રતનબાઈને ગત વરસની પ્રમુખ વરણી યાદ આવી.
- આ... હા. સુ ઈ દી હતો. પેલ્લી વાર બધાંય ચૂંટાયેલા ભેગા થ્યા’તા. પક્સના નેતા ચંદુભૈએ ભાસણ કર્યું. પછે પ્રેમજીભૈ પરમુખ બન્યા. બધ્ધાએ ફૂલોના હાર તૈયાર જ રાખ્યા હતાં ને વળી પ્રેમજીભૈ બહાર આયા તાણે તો પક્સના માણસોએ શું ગુલાલ ઉડાડ્યો. શું ગુલાલ ઉડાડ્યો. પ્રેમજીભૈ તો પાળિયો બની ગ્યા’તા.
      બસ હવે ઈ થોડા દી’ના મેં’માં છે. પાસે તો ઈ જ માનપાન આપણે ભાગે.

      રતનબાઈ જાણે સિત્તેર એમ.એ.ની કોઈ ફિલ્મ જોતી હતી.
- સાંજના ચાર વાગશે કે ફરી પાસો મુનીસપાલ્ટીનો ઈ મોટો ઓયડો ખચ્ચોખચ્ચ ભરાઈ જાસે. ને હળવે હળવે બધું કામકાજ ચાલુ થાસે. બધાની આંખ્યું મને જ જોતી હસે. થોડાક ભાસણ થાસે પછી પક્સના નેતા ચંદુભૈ નામ બોલસે :
      - રતનબાઈ જીવા દાતણિયા.

      તે ભેગો જ ઓયડો આખો તાળીઓના અવાજથી ધરુજી જાસે. મું તો કાંય બોલી પણ નંઈ સકું. પણ બધ્ધાં સામે હાથ જોડીસ. કેટલાક તો વળી હાથ મિલાવવા દોડી આવસે. પેલો સાતમાં વોડમાંથી જીતેલો જીંથરા જેવા વાળવાળો લાલિયો તો જરૂર હાથ મિલાવશે જ. મૂઓ છે જરા ઇસ્કી. મતગણતરી વેળાએ મું જીતી ત્યારે મૂઆએ હાથ મિલાવતી વખતે ખાસ્સો એવો દબાવેલો પણ. મું પણ ડર્યા વના હાથ મિલાવીશ. ને ઈ સાંજથી જ મુનીસપાલ્ટીની ગાડી આપણી.

      ઈ જ સાંજે ગાડી ઘરે મૂકવા આવશે તાણે તો વાસ આખો કાં તો ભેગો જ થઇ જાશે. આંગણું-ઘર બધ્ધું માણસોથી ભરાઈ જાસે. ઈ સાંજે તો ઠીક, પણ પસે તો રજા વના કોઈને આવવા નંઈ દઉં. જેને મલવું વોય ઈ જીવલા પાસે નામ લખાવી જાય. જીવલા માટે પણ બે-ચાર સારા માયલા લૂગડા સીવડાવવા પડસે. ઘરમાં ખુડસી કે એવું કાંય નથી. શે’ર ના સારાસારા માણસો આવતા થાસે તેને બેસાડવા કાંક તો ખપસે ને. મું મારા હારું એક ગાદીવારી ખુડસી બનાવરાવી લઈશ. ઘરમાં નાનાં છોરાં તો નથી, પણ વાસના ગંદાગોબરાં છોરાં આવીને બધ્ધું બગાડે નંઈ ઈ જોવું પડસે. જીવલાને બધ્ધું સમજાવી દઈશ. તેમાંય પેલા મનુડાનાં છોરાંને તો ટાંટિયોય ઘરમાં મૂકવા ન દેવો. આયો તો મોટો મારી સામે પડકાર કરવા. સામેના પક્સની ટિકટ પર ચૂંટણી લડીને પરમુખ બનવાના સોણા જોતો’તો. ચૂંટણી પે’લા તો ઈ કેતો’તો.
- રતનબાઈ, અમારી પાલ્ટી જીતસે તો હું આપણી નાતનો પેલ્લો માણસ હોઈશ જે નગરપાલિકાનો પરમુખ બન્યો હોય. રતનબાઈ, તમારો પક્સ હારી જવા ઊભો છે. પરમુખની ખુડસી મારી વાટ જોવે છે.

      હવે ભલે ને વાટ જોતો મનુડો વરસો  લગી. પરમુખની ખુડસી એય ને લટકે લેમડાની ડાળે. એનો પક્સ હારી ગ્યો તાણે કેવો કાળોમેસ દેખાતો હતો ને હવે મું પરમુખ બનવાની સું ઈ જાણી ઇના પેટમાં અધમણ તેલ રેડાય છે. હમણાં હમણાં મારાથી દૂર હાલતો ફરે છે. ઈને ઈમ કે પરમુખ બન્યા પસે રતનબાઈ મારી પાસે કાંક સલ્લા લેવા આવસે. લાત મારું ઈની સલ્લાને. મને સલ્લા દેવાવારા ઘણા પડ્યા છે. બાકી મુંય કાંય જેવીતેવી નથી. શીખી લૈસ બધ્ધું. પેલ્લા તો ફોન કરતા પણ ક્યાં આવડતો’તો. પછી પેલા ફોનવારા પાસે જઈને થોડા દી’માં જ સીખી લીધું.

      પસે તો ઘરમાંય ફોન અસે. કેવા ને કેવા ફોન આવશે રોજેરોજ. પાણી નથી આવતું, લાઈટ બંધ સે, કચરો ભેગો થૈ ગ્યો સે.
મું બધ્ધુંય સમજુ સું. બધો વાંક માણસુંનો જ છે. ઈ બધા ખૂટલ માણસુંને સીખવવું પડસે કે પરજાની સેવા અમારા ભેગી તમારે પણ કરવાની સે ને પરજાને પણ લાગે કે બાઈ સે તો તીયાર ! ઈ તો જંડો ચડાવવાનો દી’ હશે ત્યારે મું ભાસણમાં બધ્ધું કૈઇસ. સારાં ભણેલા પાસે લખાવી લેવું પડસે. ઈ તો પેલો પાણીના બીલ લેવાવારો મા’રાજ સે ઈને બધ્ધુંય લખતા આવડે સે. મું ભાસણ કરીસ ત્યારે લોકોને લાગે કે આ પક્સને જિતાડીને અમે ભૂલ નથી કરી....

      રતનબાઈ તો હજી ક્યાંય પહોંચી જાત... પણ...
 - એય ! બાઈ ચીકુ કેમ આપ્યા ?
      રતનબાઈ પાછી શાકના ઢગલા સામે આવી ગઈ, છતાં અડધીપડધી તો હજી ક્યાંક જ હતી. તેણે જવાબ આપી દીધો – પાંચ રૂપિયા.
- કિલોના કે.... ?
- કિલોના. તમતમારે લેવા ઓય તો ઝટ કરો. ગ્રાહક ચીકુ વીણવા લાગ્યો. રતનબાઈની નજર સામેની ભીંત પર ચોંટી રહી હતી. તેણે કંઈક મોજથી ચાવાળાને હાકલ મારી.
      રતનબાઈ રોજ સવારે શાકના ઢગલા કરતી અને બપોરે તો બધું સાફ થઇ જતું. ચાવાળો પણ બેચાર વાર ચા દઈ જતો. પણ હમણાં હમણાં રતનબાઈનું રોજનું ચાવાળાને બોલાવવાનું અનિયમિત થઇ ગયું હતી. છેલ્લે તો રતનબાઈ પંદર દિવસ લગી ન આવી. ચાવાળાએ કંઈક વિચારેલું તો ખરું, પણ અચાનક.
- અર્ધો આલજે.
      ચાવાળો રતનબાઈનો સાદ ઓળખી ગયો.
      રતનબાઈ ઘણા દિવસે રોજની જેમ શાક પાથરી બેઠી બેઠી ચોમેર જોયા કરતી હતી. ક્યાંય કશો ફેર પડ્યો ન હતો. એ જ ગોકીરો, દોડાદોડી, એ જ માણસો હંમેશની જેમ જ આંટા મારતા હતાં. કશું જ બદલાયું ન હતું. ફક્ત સામેની દીવાલને કાળા રંગથી રંગી નાખવામાં આવી હતી કશીક નવી જાહેરાત લખવા માટે. રતનબાઈ કાળા રંગને એકધારું જોઈ રહી હતી.
- કેમ રતનબાઈ ઘણા દિવસે ?
- કાંય નંઈ સાએબ, બોલો શું આપું ?
       રતનબાઈનો સુક્કો અને મૂરઝાયેલો અવાજ સાંભળી ઝોનલસાહેબ જરા ખંચકાઈ ગયા. શાક લઇ લીધા પછી રતનબાઈ સામે જોતાં બોલ્યા :
- કેટલા થ્યા રતનબાઈ ?
- સોળ થ્યા સાહેબ. ફરી એ જ સુક્કો અવાજ.
- સોળ ? બાર ન થયા ?
      જાણે કોઈએ પોતાના કબ્જાની કસ ખેંચી હોય તેમ રતનબાઈ છેડાઈ પડી.
- લેવું હોય તો લ્યો. નંઈ તો થેલી ઠાલવી દયો. સેતરવા માટે મું જ મળી તમુંને ?
      તેજ ચાકુથી તરબૂચ ચીરાય તેમ સાહેબની સાયબી ચીરાઈ ગઈ. તેમણે તરત સોળ રૂપિયા ગણી આપ્યા. તેમને રતનબાઈનું વર્તન ન સમજાયું.
બે દિવસ પછી છાપામાં મનજી આથા દાતણિયા પક્ષપલટો કરી પ્રમુખ બન્યા તેના સમાચાર છપાયા.

      ઝોનલસાહેબને બે દિવસ પહેલાનું રતનબાઈનું વર્તન છાપું વાંચી સમજાઈ ગયું.
[શબ્દવેધ, જાન્યુઆરી – ૧૯૯૭]


0 comments


Leave comment