10 - વખત / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      કાનજીએ ધીમેથી આંખો ખોલી. ઉજાગરા અને થાકથી શરીર તૂટતું હતું. ઊંઘ તો હતી જ ક્યાં ? છેક પરોઢના સહેજ ઝોકું આવ્યું, પણ અશાંતિના ચક્રાવે ચડેલું મન શરીરને જંપવા દે તેમ હતું નહીં. તેણે પડખું ફેરવ્યું. ઝોળ ખાઈ ગયેલું જૂની કાથીનું વાણ જ્યાંત્યાંથી તૂટવા માંડેલું હતું. પાછલી રાતે વળેલી ભીનાશને કારણે ગોદડામાં ઠંડક વર્તાતી હતી. કશુંય વિચાર્યા વગર ખાટલામાં પડ્યા રહેવાનું મન થતું હતું. પણ વિચારો કેડો મૂકતા ન હતા. હજી ક્યાંય કશો સંચાર ન હતો. દિવસભરની મહેનત કર્યા પછી ચાલી રહેલા કાળઝાળ દુકાળને ભૂલી ગામ પરોઢની મીઠી નીંદર માણતું હતું.

       બેય હથેળીઓમાં ચહેરો લઈ કાનજી ખાટલામાં બેસી રહ્યો.
       તેની આંખો પોતાના ઘરના બારણાને તાકી રહી. સહેજ આડા દેવાયેલા કમાડ હજી જેમના તેમ જ હતા. કાનજીના શરીરમાંથી ક્ષણેક લખલખું પસાર થઈ ગયું. હવે શું ? આ પ્રશ્ન તેને પહેલી વાર થયો એવું ન હતું છતાં તેની હિંમત ક્યાંક ઝોળ ખાવા લાગી હતી. તે મનને કાઠું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો છતાં વિસ્ફોટક ક્ષણ તો થોડી વાર પછી હતી જ !


       આખેઆખો પ્રસંગ તેના પર ચડી બેઠો. તેણે લગભગ મૂળથી જ વિચારવા માંડ્યું. છતાં તીર નીકળી ચૂક્યું છે તે હકીકત જ હતી એટલે તેને થયું.
-પડશે તેવા દેવાશે ને હવે વળી વિચારવું કેવું ? કેટલુંય વિચાર્યું અને આખરે નક્કી જ કરી લીધું કે આ પાર કે ઓ પાર !
       તેણે બન્ને હથેળીઓથી આંખો ચોળી નાખી. ખાટલા પરથી ઊતરી થોડી વાર આમતેમ જોયા કર્યું. એનું ઘર છેવાડાનું હતું. ઘરથી થોડે દૂર એક સડક પસાર થતી હતી અને સડક પાર કર્યા પછી સીમ જ શરૂ થઈ જતી હતી. જોકે કાનજી જે તરફ તાકી રહ્યો હતો તે સીમના નામે ફક્ત ઠૂંઠાં બચ્યાં હતાં. દુષ્કાળે લીલપના નામે કશું બાકી રહેવા દીધું ન હતું.

       કાનજી દૂર દૂર જઈ રહેલી સડકને જોઈ રહ્યો. અનાયાસે એનાથી નિસાસો નખાઈ ગયો. ચહેરા પર થીજી ગયેલી મજબૂરીને હટાવવા જાણે તેણે માથું ધુણાવ્યું. ક્યાંક રડી ઊઠેલા કૂતરાના અવાજે કાનજીને કંઈક ઉદાસ બનાવી દીધો. તેને થયું.
-હિરુ, કેમ આજે અટાણ લગી સૂતી છે ? નંઈતર તો ફળિયામાં સૌથી પેલ્લા ઈ જ ઊઠી જાય. કોઈકને ત્યાં હજી ચાય બનતી હોય ત્યાં તો એણે ખાણેત્રે જવાની બધી તૈયારીય કરી લીધી હોય, પણ આજે કેમ એને ઊંઘ ચડી છે ?
       કાનજીના વિચારો અહીં આવીને સહેજ લથડ્યા. થોડીક નવતર કલ્પનાઓ ડગમગાવી ગઈ, છતાં તેણે મનની પણછ તાણી દાતણ ઉપાડ્યું. નપાણિયા કાળના દાતણે દાઢમાં સબાકો બોલાવી દીધો. કાનજીને સાવ નવો જ વિચાર આવી ગયો.
-ભેણ્યા આટલી ઉંમર થઈ ગઈ ? દાતણેય હવે તો...
       એના ઘરના કમાડ ખૂલવાનો અવાજ આવ્યો કે એની ભીતર નાની એવી ફાળ પડી. તે સંતાતો હોય તેમ પડખેના વાડામાં નાહવાની છીપર પર બેસી ગયો.
      કાનજીના કાન ઘરના બારણે ચોંટી ગયા.
       ઘરની અંદર હિરુનું હલચલન, વાસણોની ઉપાડ-મૂકનો અવાજ, ચૂલો પેટાવવાની તૈયારી વગેરે અવાજ કાનજી બેઠો બેઠો માપતો રહ્યો.

       હિરુએ એનાથી થોડે દૂર ઊભા રહીને ઊંઘભર્યા અવાજે પૂછ્યું :
-મંજુ બા’રે ગઈ છે ?
       મોંમાં ભરાયેલો દાતણનો કચરો થૂંકતા તેણે હિરુ તરફ જોયા વગર જ કહી દીધું :
-ખબર નથી, ગઈ હશે.
       હિરુ સહેજ ખંચકાઈને થોડી વાર ઊભી રહી, પણ બીજો કોઈ પ્રશ્ન કર્યા વગર જતી રહી. કાનજીએ સહેજ પાછળ જોઈ લીધું. અંધારું હજી ગામને ઘેરી ઊભું હતું. તે ધીમે ધીમે દાતણ ચાવતો રહ્યો.

       થોડો સમય માંડ માંડ વીત્યો, હિરુએ લગભગ દોડતાં આવી તેને હલબલાવી મૂક્યો.
-એય ! ઊભા થાવ તો. મંજુ ઘરમાં નથી. ડબલુંય એય ટીંગાય થાંભલીમાં. હજી તો કોઈ જાગ્યુંય નથી તો પછી...
-એમાં એવડી ઊંચીનીચી શીદને થાશ. ગઈ હશે ક્યાંક. તું ચાય મૂક.
       હિરુ નવાઈથી કાનજીને જોઈ રહી.
‘અરે ! તમે તો માણસ છો કે શું ? કાંઈ સમજો છો કે ના ? હું કઉં છું મંજુ ઘરમાં નથી.
       કાનજી ધીમેથી ઊભો થયો. તે દાતણની ચીરી કરવા જતો હતો, પણ હિરુએ દાતણ ઝૂંટવી ઘા કરી દીધું. તેના અવાજમાં ભયમિશ્રિત ગુસ્સો ઊછળી આવ્યો.
-બાપ છો કે વેરી ? ઘરમાં જુવાન દીકરીનો પત્તો નથી ને દાતણ ચાવવાનું સૂઝે છે. કઉં છું, ઝટ કરો. ગામ હજી જાગ્યું નથી ત્યાં સુધીમાં દોડો આમતેમ.
       કાનજીએ હિરુ સામે જોયા વગર કહ્યું :
-શું ગોકીરો માંડી દીધો છે ? આવડું અમથું ગામ છે. ઈ નાની તો છે નંઈ ? ને હું ગોતીશ તો ક્યાં ગોતીશ ?
       હિરુની આંખોમાં પાણી તગતગી ગયા.
-એય કાયર ! વિચારતા નથી. સવાર પડતાં જ ગામમાં આબરૂનો ઘંટ વાગી જાશે. માટીપગા ટેશને તો આંટો મારી આવો. બસું બેય હજી નથી આવી.
       હિરુનાં અંગો કંઈક ભયથી અને કંઈક અકળામણથી ધ્રૂજતાં હતાં. કાનજી આ જોઈ ઘડીક હલબલી ગયો. તેણે પડખે પડેલો લોટો ઉપાડી જેમતેમ કોગળા કર્યા. માથે બાંધેલી પછેડીથી જ ચહેરો સાફ કરતાં એ બબડ્યો :
-ચડાવો હજી માથે ચડાવો. સવારના પો’રમાં મોકાણ માંડી, ક્યાં ભટક્યા કરું હું એની પાછળ ? ઘરમાં બીજાય છે ને એનેય પેટ છે.
       કાનજીએ પગ ઉપડ્યા. આકાશ સહેજ ખૂલવા માંડ્યું હતું. અપરાધભાવ જેવી એકાદ રેખા ચહેરા પર અંકાઈ ગઈ હતી. છતાં તેને વિચાર આવ્યો.
-હિરુ કેવું બોલી ગઈ ? હિરુ મને ‘કાયર’ કે’ ખરી ? એને ખબર છે કે હું કાયર નો’તો તાણે તો ઈ આજ મારા ઘરમાં છે. નંઈતર દસ દસ હાથોએ ઉપડેલી ડાંગો વચ્ચેથી હિરુને લઈ આવવી એ કાંઈ ખાવાના ખેલ નો’તા.
       ક્ષણેક કાનજીની આંખો આગળ પોતાની જુવાની રણઝણી ગઈ.
       હિરુ તો ગમી જ ગયેલી. ને નક્કી કર્યું કે પૈણવું તો હિરુને જ. આમ તો નાતજાત એક જ હતા. ક્યાંય વાંધો પડે તેમ નો’તું. પણ એક અંગારિયાએ ઉંબાડિયું કર્યું ને વાત વણસી ગઈ. હિરુને પણ ક્યાં બીજે જાવું’તું. ! બસ આટલી જાણ થયા પછી તો શું ચિંતા હતી. ઉપાડી આવ્યો ફળિયા વચ્ચેથી. હિરુ પણ જુવાનીનો એ ખેલ ભૂલી નથી, પણ આજે તો તેણે...
-કાં કાનજી અટાણમાં આ બાજુ ?
       સામે દાતણ ચાવતા નાથુજીને જવાબ દેતા કાનજી જરા તતફફ થઈ ગયો. તેણે ઉડાઉ જવાબ આપી વાત વાળી દીધી. તે સ્ટેશન તરફ ચક્કર મારી ઢીલા પગે ઘેર આવ્યો.

      હિરુ તો આંગણામાં જ ઊભી હતી, પાણી બહાર કાઢેલી માછલી જેવી હાલતમાં.
-કાંઈ ભાળ મળી ?
       કાનજી ઘરની ચાલીમાં બેસી પડ્યો. હિરુની આંખો છલકાઈ ગઈ. તે કાનજીને પડખે ફસડાઈ પડી.
      હવે શું કરીશું ?
       હિરુની આંખો છળી ઊઠી હતી.
-કાંય નથી કરવું. તું તારે ચાય મૂક. આટલું કહી તે આડુંઅવળું જોવા લાગ્યો.
       હિરુની નજરમાં તિરસ્કાર તરી આવ્યો. તે રડવું દબાવતાં બોલી :
-ઘરની આબરૂ છાપરે ચડી છે ને તમારું પેટનું પાણીય નથી હાલતું ? ચિત્તભ્રમ તો નથી થઈ ગ્યું ને ?
-કાંય નથી થઈ ગ્યું ? જાનારની સો વાટ હોય. ગોતનારની એક સમજી ? આવવાની હશે તો આવી જશે પોતમેળે. નંઈતર આમેય...
       કાનજીનો અવાજ દબાઈ ગયો.
       હિરુએ રડતાં રડતાં ચાય મૂકી. કાનજી ચાલીમાં બેઠો બેઠો આગળપાછળનું નવેસરથી જોવા લાગ્યો.
-વા’રે કુદરત ! મારી પાસે શું ન’તું ? આ મંજુલા ! જેના માટે રતનિયાએ એના સાળા પચાણના દીકરા સારું થઈ મારા આંગણાની ધૂળ ભેગી કરી લીધી’તી. સગાઈ થઈ તે વખતે તો પચાણેય કેવું કે’તો તો.
-કાનજી મંજુલા ખાઈ એ તારી ને વધે ઈ મારું. તારા આંગણાની ધૂળેય મારા માટે કરમ બરાબર.
       તે વખતે તો ગજગજ છાતી ફુલાઈ ગઈ’તી. વાડી વજીફાના ઘણી પચાણે એના દીકરા માટે મારું ઘર ગોત્યું’તું. મંજુલા તો તે વખતે માંડ પંદરે’ક વરસની હતી, પણ વખત જતા વાર લાગે છે ?

      કાનજીના હૈયામાંથી ઊની વરાળ નીકળી ગઈ.
-આજે મારો વખત બદલાયો ને તે સાથે બધુંય બદલાઈ ગયું. બાપાની બીમારીએ ગાબડું પાડ્યું ને ઓછું હતું તે હિરુને પેટમાં ગાંઠ થઈ ને ભગવાનેય હાથ ધોઈ પાછળ પડ્યો તે ઉપરાઉપરી બે બે દુકાળ. બાકી બચ્યું બાવાની મઢી જેવું ઘર ! તેમાંય આ દુકાળે તો કમ્મર જ ભાંગી નાખી. કપરા કાળમાં છ છ જણનું પેટ ભરવું. કે’વાય છે કે દુકાળમાં તો ભૂખેય બમણી થઈ જાતી હોય છે. તેમાં વળી મંજુલાની ચિંતા. એ તો વારતાની કુંવારીની જેમ વધતી હતી. દિવસરાત જોયા વગર...
       બે વરસ પેલા સામે ચાલીને પચાણ પાસે ગ્યો’તો. પણ ઈ તો ઉધાર માગવા આવેલાં કોઈ ફતન દેવળિયાને જોતો હોય તેમ જોઈ રહ્યો’તો. એને વેવાઈ સંબંધ તો ઠીક મારી અવદશાનો પણ વિચાર ન આવ્યો. એણે માગણી મૂકી એટલું તો હું ક્યાંથી કરી શકવાનો હતો ને ઈ ખૂટલ ખરા ટાણે જ ફરી બેઠો. ધરાર સગાઈ તોડી સમાજમાં નીચાજોણું કરાવ્યું.

       થાય પણ શું લોકોને તો જાણે એટલું જ ખપતું’તું.
       રૂપાળી માની દીકરી પણ રૂપાળી જ હોય ને. એક તો રૂપ ને વળી ગરીબ. તેમાંય જીવની. અણદેખ્યુંય કેટલુક કરવું ? ખાણેત્રા પર રોજ જાતજાતની ઠઠ્ઠા મશ્કરીઓ થયા કરતી. ક્યારેક તો ત્રિકમ ઉપાડી લેવાનું મન થાતું, પણ લાચારી બેસાડી દેતી.

       અરજણે એક દિવસ મોઢામોઢ કીધેલું.
-કાનજી સંભાળજે હોં. તારી છોરી માસ્તર જોડે ક્યાંક ભાગી ન જાય !
       લો’ઈ ઊકળી ઊઠ્યું’તું. ગળચી દબાવી દેવાનું મન થઈ ગ્યું’તું, પણ હકીકત તો એય હતી કે જુવાનીની ગાંડી નદીને રોકવી કઈ રીતે ? ઘણાંય આંખ આડા કાન કર્યા. મંજુલા પર આમ તો પૂરેપૂરો ભરોસો છતાં જુવાની ઈ જુવાની.
-લ્યો પીઓ. પીઓ મારું લોઈ પીઓ. મારો જીવ જાય છે ને તમે...
       હિરુએ રકાબી અને કળશિયો પછાડીને મૂક્યા. તે થોડી ક્ષણ અટકીને બોલી :
-કાંઈ નંઈ તો થાણે તો જાશો કે નંઈ ?
       કાનજી કળશિયાની ધાર ચપટીમાં પકડતાં નીચું જોઈને જ બોલ્યો.
-થાણે મારો કોઈ સગલો છે ? બે અઠવાડિયાં થ્યા ચુકાવૉય નથી થ્યો. થાણે એમ ને એમ નથી જવાતું સમજી ?
       તે રકાબીમાં ચા રેડવા લાગ્યો.
       હિરુ કાનજીની લગોલગ ઊભડક પગે બેસી ગઈ. તેની આંખોમાં દેખાતી અપાર પીડાને કાનજી અણએખી કરવા આમતેમ જોવા લાગ્યો.
-જુઓ તમને તો ખબર છે. હું અંઈ આવી ત્યારની એક વસ્તુ મેં જીવની જેમ જાળવી છે. હું માવતરેથી પે’રીને આવી તે સોનાની બાં પટ્ટી એમ ને એમ પડી છે. તમે એનું ગમે તે કરો પણ એની ભાળ કાઢો. આમેય સમાજમાં નાક તો કપાયું છે. હવે મોં બતાવવા જેવા નંઈ રઈયે. મેં તો બાંપટ્ટી ઈ રાંડ કજાત માટે જ રાખી’તી, પણ આજ એના સારુ આમ કાઢવી પડે છે.
       હિરુનો અવાજ પછડાટ ખાઈ ગયો.
       પટ્ટી ! બાં પટ્ટી !
       કાનજીની આંખો આગળ કાજળઘેરી રાત ફરી વળી.
       ઘણા દિવસ જોયે રાખ્યું. કોઈની સામે ક્યારેય કશું બોલ્યો નંઈ. ઘણુંય વિચાર્યું, પણ પછી થ્યું કે ભલે ને થઈ જાતા એક ઘા ને બે કટકા. આમેય માણસો ખાણેત્રા પર માટી ભેગું બીજું કેટલુંય ખોદ્યા કરતાં’તા.

       કાનજીની આંખો આગળથી થોડાં કલાકો પહેલાનાં દ્રશ્યો પસાર થઈ રહ્યાં.
-મંજુલાને વાત કરી ત્યારે ઈ તો બાઘી થઈને જોવા લાગી’તી. એને તો વિશ્વાસેય નો’તો. ઘણુંય કહ્યું ત્યારે એનો અંદરનો રાજીપો બહાર આવ્યો. આખરે ઈ દીકરી તો હિરુની ને !
       રાતે સૂમસામ રેલટેશને છૂટા પડ્યાં ત્યારે મંજુલાને રડતી જોઈ ડગમગી જવાયું હતું. આ જોઈ માસ્તરેય રડી પડેલો. પણ મરદનો બચ્ચો ! ઈ કે’કે મને મંજુલા સિવાય કાંય ન ખપે.

       પરાણે લીધેલી બાં પટ્ટી નંઈ નંઈ તોય ત્રણેક હજારની તો હશે. ઈ જ મારું કન્યાદાન બીજું શું ? હવે નિશાળો ખૂલશે દોઢ મંઈને. ત્યાં લગી તો બધુંય ઠરી ગયું હશે ને માસ્તરેય ક્યાં પરનાતનો હતો ?

       ઘરની અંદર હિરુની ફેંદાફેંદ અને બબડાટ ચાલું હતી. પૂર્વમાં રતાશ ફૂટતી હતી. કાનજીએ ચાની ચૂસકીઓ ભરતાં ભરતાં સામે દેખતાં ત્રિકમ-પાવડાને જોયા કર્યું. જાણે કોઈ ફૂલોને જોતો હોય તેમ જોઈ રહ્યો હતો ત્રિકમ-પાવડાને.

[કચ્છમિત્ર, દીપોત્સવી - ૧૯૯૮]


0 comments


Leave comment