9 - કડવું – ૯ – / મામેરું / પ્રેમાનંદ ભટ્ટ


કડવું ૯ મું - રાગ સોરઠ મલાર.

મહેતાજી બેઠા બાજઠેં, સમર્યા શ્રીગોપાલ;
મલાર ગાયો પ્રીતમશું, મેઘ ગર્જ્યો વજાડી તાળ. મહેતાજી.

ઉપહાસ થાય તારા દાસનો, શ્યામલા કરો સહાય;
નાંખ્યું ઉષ્ણોદક અતિ ઉકળ્યું, શ્રીફળ ફાટી જાય. મહેતાજી.

જેમ કઢા ઉકાળી તેલની, કોપ્યો હંસધ્વજરાય;
તારી કૃપાએ ટાઢું થયું, ઉગાર્યો સુધન્વાય. મહેતાજી.

હુંડી શીકારી તેં શ્યામળા, આપ્યા રૂપૈયા સેં સાત;
તે વિશ્વાસે ગલગી રહ્યો, વિઠ્ઠલ મોકલજો વરસાદ. મહેતાજી.

સમોવણ નહિ આપો શ્યામળા, કરશો મામેરું ક્યમ;
વિનતિ નરસૈંયાની સાંભળી, પ્રેર્યો ધન પરિબ્રહ્મ. મહેતાજી.

પળમાંહિ આભે ઘટા થઇ, ચોદશ ચઢ્યો અંધકાર;
ગગન વિષે ધન ગડગડે, થાય વીજતણા ચમકાર. મહેતાજી.

ઉડે કોરણ બહુ કાંકરા, વરસે મૂશળધાર;
વહેવાઇના ઘરમાં જળ ધશ્યું, કરે લોક પોકાર. મહેતાજી.

સર્વ નાગરીઓ પાયે પડે, ક્ષમા કરો અપરાધ;
અમો અજ્ઞાને ન ઓળખ્યા, તમે શિરોમણી સાધ; મહેતાજી.

શ્રીરંગ મહેતો સ્તુતિ કરે, વહેવાણો માગે માન;
વરસાદ વિસર્જન થયો, કીધું મહેતાજીએ સ્નાન. મહેતાજી.

ઠગ નાગર કહે થયું માવઠું, એમ થાય છે બહુવાર;
પ્રતીત ન પ્રત્યક્ષ પારખે, કલિજુગનો પ્રકાર. મહેતાજી.

વલણ.

મહેતોજી ભોજને બેઠા, કરમાં લીધી તાળરે;
ટોળું વેરાગી તણું, તેણે ગાવા માંડી થાળરે.


0 comments


Leave comment