11 - તાપણું / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      ઘણાનો જીવ હેઠો બેઠો તો ઘણાનો ઉચાટ વધી પડ્યો.
       ચાર-પાંચ દિવસથી જાણે સુક્કા લાંપમાં સળગતી દીવાસળી પડી હોય તેમ, આખા ગામમાં એક જ ચર્ચા ખૂણેખાંચરે ફેલાઈ ગઈ હતી. આમ તો શિયાળો ચાલતો હતો, પણ આવત જ એવી ગરમીવાળી હતી કે લોકો મોડી રાત સુધી એ વાત પર તાપ્યા કરતા હતા. મોટા ભાગનાં તો એમ જ માનતા હતા કે - બસ હવે માસ્તર ગ્યા જ સમજો. તો વળી કેટલાક એવું વિચારતા હતા કે - કાંતિયો ઠીક ભેખડે ભરાણો છે. હવે જોઈએ એની સરપંચવાળી કેટલીક હાલે છે તે. બહુ ફાટ્યો'તો. તો વળી કેટલાક એવાય હતા જે બેય પક્ષના ઘરની રકાબીઓ એંઠી કરી પોતાને ઘેર જઈ મોઢું લૂછતાં.

      પણ આ તો સળગતા ચૂલા માથે જ ભરેલું માટલું ફૂટ્યું. ઊડતા પતંગની ડોર કોઈકે કાપી અને બધુંય વિંટાઈ ગયું. સાવ અચાનક અને એકી ઝાટકે. નવાઈ તો બધાયને લાગતી હતી, પણ ઘણા તો દુઃખી દુઃખી થઇ ગયા. થયું એવું જાને ફિલ્મ બરાબર જામી ત્યારે જ લાઈટ ગઈ.

      છતાં એ વાતની ગડ કોઈનેય બેસતી નહોતી કે આ બધું એકાએક કેમ થઇ ગયું. ધૂંવાપૂંવા થતો કાંતિયો કેમ સાવ પાણીમાં બેસી ગયો. એટલું જ નહીં છેક વાસમાં જઈ પોતાની જ ભૂલ છે એવું સ્વીકારી માફિય માગી લીધી.

      બસ, આ વાતની તો નવાઈ લાગતી હતી બધાને. અટકળો તો ઘણીય થયા કરતી હતી.
       કોઈ કહેતું કે, આ તો કાંતિયાની ચાલ છે. આગળ જઈ જરૂર એક દિવસ માસ્તરને ફસાવશે. કોઈ કહેતું કે, કાંતિયો સમજી ગયો કે, માસ્તરને એની જાતની ગાળો દઈને મોટી ભૂલ કરી નાખી છે એટલે શાનમાં સમજી ગયો. તો કોઈક વળી એમ પણ કહેતું હતું કે, કાંતિયાને જરૂર કોઈ ધમકી મળી હોવી જોઈએ. નહીંતર એના જેવો ભારાડી માણસ તે વળી માફી માગતો હશે ?

       ગામમાં અટકળોનો પાર ન હતો.
       ચટપટી તો અમનેય ઘણી હતી. ત્રણ-ચાર દિવસથી આખા વાસનું વાતાવરણ ઉશ્કેરાયેલું હતું. ગોવિંદ માસ્તરને અમે પૂછી જોયું. તેમણે પણ નવાઈ પામી કહી દીધું.
- શી ખબર ભાઈ ! સમજણ તો મનેય નથી પડતી. હા, છેલ્લે ખમુબાપા સમજાવવા ગયા હતા કાંતિલાલને.
- ખમુબાપા !
       અમને નવાઈ લાગી. ખમુબાપા ફળિયાના બુઝર્ગ માણસ ખરા, પણ કાંતિયો એમનું માને એ જરા વધુ પડતું કહેવાય, પણ ખમુબાપાને ગોતવા ક્યાં ?

       ખમુબાપા અમારા ફળિયાના એક દિલચશ્પ માણસ. વાતોનો ભંડાર. તેમનો દેખાવ પણ એવો કે માણસ થોડો શેહમાં આવી જાય ખરો. એક તો પૂરા કદનું શરીર. પોતે ખેડું છતાં કપડાં હંમેશાં ધોયેલાં જ પહેરે. હાથમાં બંકોડો તો હોય જ. ગામમાં વાર્તા કહેનાર તરીકે પ્રખ્યાત. એમની પાસે વાર્તા અને વાર્તાઓનો ખજાનો. ગામમાં નાનાથી મોટા સહુ સાથે એમનું બને. વળી નાતમાં સગાઇ સંતરા ગોઠવી દેવાના એક્કા ! અડધું વરસ તો ગામની બહાર જ હોય.

       વાતના સગડ ન મળે ત્યાં સુધી અમનેય જંપ થાય તેમ ન હતું. કારણ કે જ્યારથી કાંતિયાએ ગોવિંદ માસ્તરને ગાળાગાળી કરી ત્યારથી અમારાં લોહી ઊછળી રહ્યાં હતાં. બધાયનો સૂર એવો હતો કે ધાક બેસી જાય તેવું કરી બતાવવું.

       આમ તો અમારું ગામ શાંત અને મહેનતુ. બધા પોતપોતાની રીતે જીવનારા. પણ સરપંચની છેલ્લી ચૂંટણી પછી ગામમાં કેટલીક અદૃશ્ય દીવાલો આપોઆપ ઊભી થઇ ગઈ હતી.

       અને આ વાતના મૂળમાં પણ ચૂંટણીનો ઘૂંઘવાટ જ હતો.
       કાંતિલાલ ઉર્ફે કાંતિયો એ અમારા ગામનો સરપંચ. ખાધેપીધે સુખી માણસ. એના બાપે મુંબઈમાં સારું કમાવ્યું હતું. ગામમાં સારી એવી ખેતી. કાંતિયો પોતે વટ્ટનો કટકો પણ અથરોય એવો જ. ભલભલાને શીશામાં ઉતારી દે એવો ભારાડી. બે વરસ પહેલાં સરપંચની ચૂંટણી આવી ત્યારે ગામમાં કાંતિયો મુખ્ય ઉમેદવાર અને એને પણ એમ જ કે પોતે બિનહરીફ જ ચૂંટાશે, પણ ગામના કેટલાક ડાહ્યા માણસો. કાંતિયો સરપંચ થાય તે તો વાંદરાને તલવાર આપ્યા જેવું માનતા. તેમણે ગોવિંદ માસ્તરના મોટા ભાઈને ઊભો રાખી દીધો કાંતિયા સામે. ગોવિંદ માસ્તરના મોટા ભાઈ સરળ અને માયાળુ માણસ. ગામની દરેક વ્યક્તિ સાથે એમનો સ્નેહનો નાતો.

       પણ આ તો ચૂંટણી !
       અહીં તો નેતા બનવાની વાત હતી. મત માગવા એ તો ઉધાર રૂપિયા લેવા કરતાંય અઘરું કામ. ગોવિંદ માસ્તરનાં ભાઈને જાત આડી આવી. કંઈક કાંતિયાએ પ્રચાર પણ એવો કર્યો કે હરિજનને વળી સરપંચ બનાવાતો હશે ? અને આખરે ગોવિંદ માસ્તરના ભાઈ હારી ગયા.

       કાંતિયો જીતી તો ગયો પણ સમસમીને.
       ગોવિંદ માસ્તર તો સીધા માણસ. આવી વાતો યાદ ન રાખે, પણ કાંતિયો પોતાના હરીફને ભૂલી શક્યો ન હતો અને આ વાત ગોવિંદ માસ્તર સાવ જ ભૂલી ગયા. કશાક કારણસર નિશાળમાં કાંતિયાની છોકરીને લપડાક લગાવી દીધી.

       બસ, કાંતિયાને તો એટલું જ જોઈતું હતું. તેણે વતેસર કરી નાખ્યું આખી વાતનું.
       જાણે લીલું લાકડું ચૂલામાં પડ્યું અને એવું તો ધુમાયું કે ધુમાડો ગામની શેરીએ શેરીએ થઇ ઘર ઘરની અંદર પહોંચી ગયો.

       કાંતિયો તો આમેય લીધી વાત છોડે તેવો ન હતો. તેમાંય આ તો વળી દુશ્મન ઘર ભૂલ્યો હતો. તેણે ગોવિંદ માસ્તરને ભરબજારે ગાળાગાળી કરી નાખી એટલું જ નહીં, આખા વાસ વિશે હલકું બોલી ગયો. ગામનું વાતાવરણ તંગ થઈ ગયું.

       અમે સૌ લડી લેવા તૈયાર થઇ ગયા. શાળાના શિક્ષકોય સહકાર આપવા તૈયાર હતા, પણ કોણ જાણે શું થયું તે અચાનક કાંતિયો અને એની મા ગોવિંદ માસ્તરને ઘેર જઈ માફી માગી લીધી. સાવ ચુપચાપ !
       અચાનક સઘળું ટાઢુંબોળ.

       ઘણાને તો માન્યામાં આવતું જ ન હતું, પણ હકીકત તો હતી જ કે, કાંતિયાએ માફી માગી હતી તેય વાસમાં આવીને.

       અમને થતું હતું કે ખમુબાપાએ એવું તે શું કર્યું હશે ?
       વાસની પછવાડે સીમમાં જતા રસ્તાની કિનારે આવેલી સતીની દેરીએ બેસી રાત ખુટાડવી એ અમારું કામ. વાર્તા સાંભળવાને બહાને ક્યારેક ખમુબાપાને ખેંચી આવીએ. ખમુબાપા એ રીતે આવેય ખરાં.

       આમેય ખમુબાપા રાતકઢા માણસ. આવ્યા.
       તાપણું સળગતું હતું. અમે સૌ તાપણાને ફરતે ગોઠવાઈને બેઠા હતા. ખમુબાપા તો નિરાંતે બેઠા હતા. હંમેશની અદામાં. ઢીંચણ અને કમર ફરતે શાલ વીંટાળીને. અમારામાં નારણ ભારે ઉતાવળો.
- બાપા આજે કોઈ મજા પડી જાય તેવી વાર્તા માંડો અને ભેગાભેગું એય કે'જો કે કાંતિયાને કઈ ગોળી ખવડાવી તે સાવ મૂતરી જ પડ્યો. અમે તો કાલથી ઊંચાનીચા થઈએ છીએ.
       ખમુબાપાએ લાકડાનું એક છોડિયું તાપણામાં નાખ્યું અને બધાના ચહેરા પર નજર ફેરવી સહેજ મલકીને બોલ્યા :
- હું વાર્તા કઈશ. બાકી કાંતિયાની મને કાંઈ જ ખબર નથી. હા, મેં એને સમજાવ્યો'તો ખરો.
- પણ બાપા સમજાવવા તો કેટલાય ગયા હતા, પણ તમે એવું શું કર્યું કે તેણે માફી માગી લીધી.
      જુઓ તમે ચડતું લોઈ છો. બાકી ઘરડાં ગાડાં વાળે છે અમથું નથી કીધું.
- પણ બાપા તમને કે'વામાં કાંઈ નડતર છે. કાનજી સાવ ઊભડક પગે થઇ ગયો.
- ઈ વાત જાવ દયો. હું તમને એક વાર્તા કઉં. મજા આવી જાશે તમને. બાકી મને કાંઈ ખબર નો' પડે.
       અમારામાં ઘણાના ચહેરા પર સહેજ ઉચાટ દેખાઈ ગયો.
       ખમુબાપાએ હળવો ખોંખારો ખાધો.

      - એક લીલુંછમ્મ ગામ. ગામમાં એક ખેડુ રે'. ખેડુ એટલે સાચો ખેડુ. ખેતી ધમધોકાર. આખું વરસ ખેતરમાં ઢસરડા કરે. ઈ ખેડુનો એક છોરો. પણ ઈ જરા નમાલો. બાપો ખેતી કરે, પણ છોરાનો જીવ જરા પણ ખેતીમાં નંઈ. ઈ તો થોડો કાંડાબળે આવ્યો કે હાલ્યો 'ગ્યો કમાવવા મુંબઈ જેવા શેરમાં.

       શેરમાં ઈ છોરાએ નાનો નાનો ધંધો શરુ કર્યો. ધીમે ધીમે એની કિસ્મત ખૂલી તે ધંધો સારો એવો જામ્યો. ઈ ખેડુનો જીવ એના છોરામાં. એને એમ કે છોરો પોતાની પાસે રે'. તેને થયું કે છોરાના લગન કરી દઉં એટલે આફુડો રે'શે અંઈ ગામમાં. ખેડુએ તો કન્યા ગોતી લીધી ને ધામધૂમથી પરણાવીય દીધો છોરાને.

       છોરાનીય કાંઈ કિસ્મત હતી ? એની વઉ જુઓ તો જાણે હૈયાની જાત. ગોરો ગોરો વાન ને છોરાથી એક આંગળ ઊંચી. છોરો તો ઈની આગળ પોમલો જ લાગે. લગન પત્યા કે છોરાએ તો શે'રમાં જાવાની તૈયારી કરી શરુ. એના બાપાએ બઉ સમજાવ્યો, પણ છેવટે છોરો એની ઘરવાળીને મા-બાપની સેવામાં રાખી હાલ્યો 'ગ્યો શે'રમાં.

       હવે ઘરમાં રયા ત્રણ જણ. ડોસો-ડોશી ને એમની જુવાન વઉ. એવામાં ચોમાસું આવ્યું. ચિક્કાર મે વરસ્યો. ખેડુનો જીવ તે ઝાલ્ય રે ખરો ? ઈ ખેડુએ તો વાવી દીધા બધા ખેતર. બધુંય કામ એનાથી તો થાય નહીં. ઘરડું શરીર. તેણે એક સાથી રાખી લીધો. સાથી હતો કામઢો ને પૂરો પાંચ હાથનો સેંઠો જુવાન. કામ વધુ ને બોલે ઓછું તેવો. ખેડુ તો રાજી પડ્યો'તો સાથી પર.

       સાથી રોજ ખેડુના ઘેર વહેલો વહેલો આવી સાંતીડાં લઈ ખેતરે થાય હાલતો, પણ બપોરે રોટલા દેવા તો જાવું પડે ને ? ખેડુ હરખનો માર્યો રોજ ખેતરે જાય, પણ આ તો ચોમાસાનો તાપ, માથું ફાટી પડે. તે એક દિવસ બીમાર પડ્યો ને રોટલા દેવા જવાનું કામ આવ્યું ઈ ખેડુના છોરાની વઉને માથે. ઈ તો હોંશિલી બાઈ ! આમેય ઘરમાં બેસી બેસી કંટાળી તો ગઈ'તી. બપ્પોર થાય ઈ પેલ્લા તો રોજ મલપતી મલપતી નીકળી પડે સીમમાં.

       ચોમાસું બરોબરનું જામ્યું હતું. મોલ હિલ્લોળા લેતા હતા. સીમની તળાવડીઉં છલકતી હતી. બાઈ આમેય મજાની હતી. તે તો લે'રાતી સીમને જોઈ ભારે હરખાય, પણ ઈ હરખ બતાવે કોને ? એને કાંક અડવું અડવું લાગ્યા કરે. ખેતરે જઈ સાથી હારે વાતો કરવા માંડે, પણ સાથી અડબંગ માણસ તે આંખ માંડીને વાત ન કરે.

       પણ આ તો રોજનું થ્યું ! એક તો ચોમાસાની સીમ ને તેમાં વળી જુવાન માણસું.
       સાથી તો ખેડુના છોરાની વઉ જે કાંઈ આપે તે ચુપચાપ ઝાપટી લે. માંડ બે-ચાર વાતું કરે ન કરે ને પોતાને રસ્તે, પણ બાઈનું મન ન માને. ગામમાં તો સાસુ-સસરાની હાજરીમાં કોઈ સાથે કશી વાત થાય નંઈ. તે ચુપચાપ સાથીને કામ કરતો જોયા કરે ને માંય ને માંય મૂંઝાયા કરે. અસ્ત્રીનો અવતાર ખુલ્લા પડવું તો ગમે નંઈ.

       બાઈનો માંયલો મૂંઝાવા લાગ્યો. તે કાંક વિચારે ને તરત સાથીની બાથમાં ન માય તેવી કાયા યાદ આવી જાય. તેણે મનને ઘણું વાર્યું. પોતાનો ને સાથીની જાતનોય વિચાર કરી જોયો. બાઈનો દિવસ તો જેમતેમ નીકળી જતો, પણ રાત વેરણ થઈ જાતી. રાત પડ્યે તે ક્યાંય દૂર બેઠેલા નમાલા ધણીને યાદ કરે ને તરત સાથીની પાડાની કાંધ જેવી કાયા દેખાઈ જાય.

       પણ આવું બઉ ન ચાલ્યું. એક દી' બાઈ બધુંય ભૂલીને સાથી આગળ પાકા ફળની માફક પડી. થોડી વાર તો સાથીય ગડભાંજમાં પડ્યો, પણ આખરે ઈય જુવાન માણસ હતો. જનમ ધરીને તેણે વિચારેય નો'તો કર્યો કે આવી રૂપાળી બાઈ જોડે આવું કાંઈ બનશે. એણે જોયું તો બાઈ પાણી બારે કાઢેલી પાપલેટ માછલીની જેમ તરફડતી'તી. તેણે થોડાઘણા આગળપાછળના વિચાર કર્યા, પણ આ તો લાડુ લીધો થાળીમાં આવી પડ્યો'તો.
- ને માથોડાઢાંક બાજરામાં પેલી બાઈએ પેલ્લી વાર મરદ માણસનો સંગાથ માણ્યો.
- પાછું શું થ્યું બાપા ? નારણથી બોલાઈ ગયું.
       બધા ય હસી પડ્યા.
       પછી તો એવું થ્યું કે ઈ જ ટેમમાં ઓચિંતો ઈ બાઈનો ધણી ગામમાં આવ્યો ને મા-બાપને સમજાવી પોતાની ઘરવાળીને તેડી હાલ્યો ગ્યો શે'રમાં. બાઈએ પણ સંતોષથી શે'રમાં છોકરાને જનમ આપ્યો.
 - હેં ! બે-ત્રણ જણ બોલી પડ્યા.
      કાળનું કરવું છે કે આ બાજુ પોતાના છોરાને યાદ કરતો કરતો ઈ ખેડુ માંદો પડ્યો ને મારી ગ્યો ને શે'રમાં કાંક મોટા ડખા થ્યા તો ખેડુના છોરાએ ધંધો વીંટી ગામની વાટ પકડી. પણ ગામમાં આવ્યા કેડે બે-ત્રણ વરસ થ્યા ન થ્યાને ઈ બાઈ રંડાઈ.

       બાઈ તો આમેય જીગરવાળી હતી. તેણે ખેતી સંભાળી લીધી. ખેતર ફરી બરાબરના વવાતા થ્યા. ધીમે ધીમે એનો છોરોય મોટો થતો ગ્યો.
- પણ બાપા પેલા સાથીનું શું થયું ? નારને પૂછ્યું.
       ખમુબાપા એકદમ હસી પડ્યા.
- સાથીનું શું થાવાનું હતું. ઈય પૈણી ગ્યો. એનાય છોકરા થ્યા. હા પેલી બાઈ સાથીને જોઈ આંખ ઠારતી ને માંય ને માંય રાજી થાતી. બસ આમ ને આમ બધાને ઉંમર આંબતી ગઈ. બધા પોતપોતાની રીતે જીવતાં હતાં. આવું છે બધું !
- પછી ?
- પછી શું વાત પૂરી. ખમુબાપા સહેજ મલક્યા.
- પણ બાપા પેલી કાંતિયાની કાંક વાત કરો ને.
       ખમુબાપાએ કમરેથી શાલ છોડી નાખી. સહેજ આળસ મરડી બધા સામે જોતાં બોલ્યા :
- દરદની રગ પકડો તો ઉપાય થાય. પારકા ભેદ પેટમાં રાખીએ તો ક્યારેક કામ આવે.
- પણ બાપા કાંતિયાને તમે શું કીધું ઈ કઈ દયોને ફોડીફાડીને. ખેડુની વાર્તા ભેગી કાંતિયાનીય વાર્તા કઈ નાખો ને !
- તે અટાણ લગી તમે શું સાંભળ્યું. ભેણ્યા સાવ ડોબા જ છો બધાય.
       અમારી આંખો ફાટી રહી. શું વ્યક્ત કરવું તે સૂઝતું ન હતું. ખમુબાપા તો કપડાં ખંખેરી ઊભા થઈ ચાલવા જ લાગ્યા.

       અમે બાઘા થઈ જોઈ રહ્યા. અમારી સામે ગોવિંદ માસ્તર અને કાંતિયાનો ચહેરો ભેળસેળ થવા લાગ્યો.
       તાપણું ઠારવા આવ્યું હતું.
[હયાતી, માર્ચ ૧૯૯૯]


0 comments


Leave comment