12 - સ્વપ્નભંગ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      બસ ડામર રોડ ઊતરીને ગામ તરફ વળી તે સાથે જ ઘૂળની ડમરી ખસતી અંદર આવી ચડી. જયશ્રીએ બારીનો કાચ એક તરફ સેરવ્યો. થોડે દૂર જઈ બસ આંચકા સાથે ઊભી રહી. જયશ્રી આસપાસનો પરિસર જોઈ રહી. બસ સ્ટેશન પાસેની શાળાના કંપાઉન્ડમાં પીપળીનાં ખરેલાં પાન, નળના સ્ટેન્ડ પર એક નળમાંથી ટપકતું પાણી પીવા મથતી ચકલી, બસ સ્ટેશનની આસપાસ વ્યાપેલી સુસ્તતા. તેણે સૂકા હોઠ પર જીભ ફેરવી. બસમાં ધૂળ હજી શમી ન હતી. તડકો બરાબર તપ્યો હતો. વાતાવરણમાં વિચિત્ર અકળામણ હતી. છતાં જયશ્રીના મનમાં કશેક આનંદ રમતો હતો. અર્ધા ખોળામાં અને અર્ધા સીટ પર સૂતેલા પીન્ટુનાં ભૂરિયાં ઝૂલફાંમાં આંગળી સેરવી તેણે ધૂળ ખંખેરી નાખી. આગલી સીટ પર બેઠેલો અજય પાછળ માથું ઢાળીને સૂઈ ગયો હતો. જયશ્રીને અજયના વાળમાં આંગળાં ફેરવી લેવાની ઇચ્છા થઈ આવી. બસમાં ચડ-ઊતરની પ્રક્રિયા પૂરી થઈ. કંડકટર કોઈ રબારી રત્રી સાથે બસની અંદર પોટલાં મૂકવા અંગે રકઝક કરી રહ્યો હતો. તેણે સહેજ પાછળ જોયું. કંડક્ટરે ઘંટડી વગાડી. બસ મંથર ગતિએ આગળ ચાલી.

      જયશ્રીને હાશ થઈ. તેણે સામે નજર માંડી. બસના આગળનાં કાચમાંથી દૂર એક ગામ દેખાતું હતું. તે હવે પછીનો રસ્તો યાદ કરવા લાગી. હવે આ દેઢિયા ગામ છોડ્યા પછી સાભરાઈ. એ રાજાશાહી ઢબનું ગામ, ઊંચી ઊંચી તળાવની પાળ. સાંકડા સાંકડા રસ્તા પસાર કરી બસ ગામ બહાર નીકળશે કે સામે હાલાપર દેખાશે. હાલાપર અને સાભરાઈં વચ્ચે ફક્ત એક નદી. પહોળી પહોળી નદી. જયશ્રીને રોમાંચ થતો હતો.

      બસ ખાડાટેકરાવાળા ઊબડખાબડ રસ્તે આંચકા ખાતી ખાતી ચાલતી હતી. જયશ્રી સહેજ ટટ્ટાર થઇ સામે દેખાતાં ગામ અને તેની આસપાસના પરિસરને જોઈ રહી. ઉનાળાની બપોરી લૂને કારણે સામેનું દશ્ય જાણે પાણીમાં તરતું હતું. એકધારું જોઈ રહ્યાથી આંખોમાં સહેજે ભીનાશ તરવરી ગઈ, છતાં એ જોઈ રહી હતી. વિચારતી હતી કે –
કેટલાં વર્ષે એ પાછી અહીં આવી હતી. પૂરાં તેર વર્ષ વીતી ગયાં. કેવું હશે અત્યારે હાલાપર ? અજય તો ઘણી વાર કહેતો કે જઈએ, પણ એ તરત નનેયો ભણી દેતી. ના. હાલાપર નથી જવું. ત્યાં જઈને ઘર જોઈને જીવ બળે છે. મારી મા યાદ આવે છે અને અજય માની જતો. હાલાપર છોડતી વખતે નક્કી જ કર્યુ હતું કે બસ હવે કદી નથી આવવું. પણ આટલાં વર્ષે જાણે કોઈ રોગે ઊથલો માર્યો હોય તેમ રહી રહીને મન હાલાપરની ઘૂળભરી ગલીઓમાં દોડી જતું હતું. મુંબઈનો દરિયો જોઈને ગામની નદીમાં આવતું પૂર, પૂરને જોવા ઊમટતા માણસો અને કૈંકેટલુંય રહી રહીને ઉછાળા મારતું મન સાથે બધાંયે સમાધાનો થઈ ગયેલાં. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ન જાણે વર્ષો પછી અંદર ધરબાયેલું બહાર આવવા મથતું હતું. ઘણા બધા વિચાર કરી જોયા, દબાવી જોઈ લાગણીઓને પણ તેથી તો બમણા વેગથી ઊછળી ઊછળીને બહાર ફેંકાવા લાગ્યું. આખરે હારી જવાયું અને જે થાય તે પણ એક વાર જઈ જ આવવું. અજયને તો વાત કરતાં તરત તેયાર થઈ ગયો. જેમ તેમ કરીને ટિકિટોય મેળવી લીધી. ટિકિટ આવી ત્યારેય વિચાર તો આવતા હતા કે, શા માટે હવે રહી રહીને બધું ઉખેળવું ? શું મેળવવા ? ત્યાં જઈને ફકત જીવ જ બાળવોને ! પણ તરત અંદરથી પ્રચંડ વેગે કશુંક બહાર આવી બધા વિચારોને હટાવી દેતું, જાણે વહી ગયેલી ક્ષણો ખેંચતી હતી. દૂર દૂરથી બોલાવતી હતી. મક્કમતા તો ઘણીયે કેળવી છે છતાં પક્કડ ઢીલી પડી જાય ને હાથમાંથી બધું સરી જાય તેમ બધું સરી જાય છે. મન પાછલાં વર્ષોમાં જઈને ઊભું રહી જાય છે અને આ હૈયું ! શું કરવું એનું ! આમ તો કયાં કશી કમી છે. કોઈ પણ જાતનો ખાસ્સો એવો સમય વીતી ગયો. બધું ઘરબાઈ ગયું અજય નીચે છતાં ટિકિટ આવી ત્યારે તેના પર છવાયેલો ગાંધીધામ શબ્દ વાંચીને રોમાંચ થઈ ગયો હતો.
      આમ તો હવે ત્યાં હતું પણ કોણ ? જનમ ધરીને પરિવારમાં તો એક માને જોયેલી. તે પણ દીકરી વળાવવાની વાટ જોતી હોય તેમ લગન પછી તરત ચાલી ગઈ પરલોકે. ઘર હતું તે ભચીબાઈને સંભાળવા આપી દીઘેલું. અજયે તો ભચીબાઈનેં પત્ર લખી દીઘેલો અને તે વખતે પણ છેક છેલ્લી ઘડીએ અંદરથી એમ થયેલું કે, ના શા માટે હવે બધું નવેસરથી જોવું-વિચારવું એના કરતાં જે બન્યું તે મનની બંધ કિતાબમાં જ ભલે પડ્યું રહેતું. પણ અજયે રીતસર તૈયાર જ કરી. કેટકેટલી સમજાવી, નીકળતી વખતે પણ ખૂબ પ્રેમથી સધિયારો આપ્યો. ઉત્સાહથી બધું પેક કર્યુ. આખરે –

      જયશ્રીને જોરદાર છીંક આવી. તેણે પાછળ જોવું. એક સ્ત્રી છીંકણીની ચપટી ભરી ડબી બંધ કરી રહી હતી. જયશ્રીની નજર પેલી સ્ત્રીએ ઓઢેલી ઓઢણી ૫૨ ચોંટી રહી. જાણે અસ્સલ કેસૂડાનો રંગ અને કેસૂડાં યાદ આવતાં ફરી ઠાંસી ઠાંસીને ભરેલી થેલી ઊંઘી કરતાં બધું વેરાઈ જાય તેમ મનમાં વેરાઈ ગયું. આંખો સામે મહોરી ઊઠયાં કેસૂડાંનાં ઝાડ. એની સુંવાળી સુંવાળી કૂંપળો. ફાગણમાં કેસરિયો થઈ જતો નદીનો પટ. લગભગ સુક્કીભઠ્ઠ રહેતી એ નદીમાં ઊભેલાં ખાખરાનાં મોટાં મોટાં ઝાડ અને એ બધાની વચ્ચે વિખરાવેલી જીવંત ક્ષણો...
- ચાલો હાલાપરવાળા... કંડક્ટર વ્યવસાયગત ભાવહીન અવાજે બોલ્યો, જયશ્રીએ ઝટપટ બેય બાજુઓની બારીમાંથી જોઈ લીધું. મનમાં ન સમજાય તેવા ભાવ ઊમટ્યા. હૈયું જરા જોરથી ધબકવા લાગ્યું. બસ મેદાનમાં મોટો વળાંક લઈ ઊભી રહી.
      તેણે તેર વર્ષે ગામમાં પગ મૂકયો. જયશ્રીને જોઈ ભચીબાઈને હેલ દૂધ છાતીએ આવ્યું હોય તેમ તે જયશ્રીને વળગી પડી. જયશ્રી ભીની આંખે ઘડીક આસપાસ જોઈ રહી. એને ઓળખનાર સૌ પેડામ્ પેડામ્ કહેતા હાથ જોડતા હતા. ભચીબાઈએ સ્યુટકેઈસ ઉપાડી. અજય પીન્ટુની આંગળી ઝાલી ભચીબાઈ સાથે ચાલવા લાગ્યો. જયશ્રી પગ ખોડાઈ જતા હોય તેમ સહેજ અટકી અટકીને ચાલતી રહી. મન પર અદૃશ્ય ભાર ચુપચાપ આવીને બેસી ગયો. ગામમાં ખાસ્સા એવા ફેરફાર થઈ ગયા હતા; છતાં જયશ્રીને લાગતું હતું જાણે તે ગઈ કાલે જ અહીંથી ગઈ છે. બસ સ્ટેન્ડ નજીક કોઈ બાંધકામ થઈ ગયું હોવાથી નદીનો પટ પૂરેપૂરો દેખાતો ન હતો. એણે ખભે ઍરબૅગનું વજન અનુભવવા માંડ્યું. ગામનો ધૂળિયો રસ્તો, રસ્તા પર પડતાં બારણાં, પછીતો, સામે મળતાં મેલાંધેલાં કપડાંવાળા માણસો એ જાણે અસ્સલ સ્થિતિમાં પાછી ફરતી હતી. રસ્તાનો વળાંક આવ્યો.

      મોટા ચોકમાં ઊભેલું ઠાકર મંદિર હજી એવી ને એવી હાલતમાં ઊભું હતું. મંદિરના ઊંચા ઓટલા, ઓટલા પરની છીપરો વચ્ચેની તિરાડો, એ તિરાડોપાં ભરાયેલી ધૂળ, પગથિયાં આગળ જમાં થયેલો કચરો, મંદિરની પછવાડે મોટું લીમડાનું ઝાડ. ઓટલાની ભીંતો પર કોલસાથી લખેલ સ્પષ્ટ, અસ્પષ્ટ અક્ષરો બધું યથાવત્ હતું. એ ચોકને જોઈ રહી.
- જાણે ઓટલા પર કેશવગર અને તેનો છોકરો હારમોનિયમ, તબલા વગાડે છે. બાજુમાં કરશન ગઢવીનો બુલંદ અવાજ રેલાઈ રહ્યો છે. નવરાત્રિના ચંદરવા નીચે નાટક ભજવાઈ રહ્યું છે. ચોકમાં બેઠેલાં માણસો હિપ્નોટીઝમની અસર નીચે હોય તેમ ચુપચાપ જોઈ રહ્યા છે. એ પણ હર્ષા, દમયંતિ, ઝવેર સાથે દૂર એક ખૂણામાં બેઠી છે. કાળા ચણિયા પર લાંબી બાંયનું મરુન ખમીસ બબ્બે પેટ્રોમેક્સના રેલાતા પ્રકાશમાં ચમકી રહ્યું છે. ઊભા ઓળેલા વાળનો લાંબો ચોટલો આગળ આવી ઘડકતી છાતીના ઘબકાર સાંભળી રહ્યો છે. બુલંદ અવાજ સાથે એક પાત્રનો પ્રવેશ થાય છે. હર્ષા પડખામાં કોણી મારે છે – એય, જો વિજાણંદ આવ્યો.
      આહ ! અજયે ચમકીને પાછળ જોયું. જયશ્રીને ઠેસ વાગતાં તે પડતાં પડતાં બચી ગઈ. તેણે ઍરબૅગ ડાબા-જમણે કરી. હું ઉપાડું ? એવો પ્રશ્ન અજયની આંખમાં ડોકાયો. એ માંદલું હસી અને ત્વરાથી બધાં સાથે થઈ ગઈ.

      ડેલીની સાંકળ ખૂલતાં જ જયશ્રીની સામે કેટલુંય ધસી આવ્યું. તે અકળવકળ આંખે આમતેમ જોતી ઘરમાં પ્રવેશી. ભચીબાઈએ ઘરને વાળીઝૂડીને બરાબર સાફ તો કરાવ્યું હતું, છતાં નિર્જનતાની છાની વાસ અકબંધ રહી હતી.

     પીન્ટુ અને અજયે જરાતરા ખાધું. અજય ટ્રેનમાં આખી રાત જાગ્યો હોવાથી પીન્ટુ સાથે સૂઈ ગયો. જયશ્રીના મનમાં ઉચાટ, આનંદ, કલ્પાંત ઘણુંબઘુ ભેગું થઈ આંખોમાં ડોકાઈ જતું હતું. તેની આંખો આમતેમ ફરતી સતત કશુંક શોઘ્યા કરતી હતી.
- મને ભૂખ નથી, કહી તે મેડીએ આવી. જૂનાપુરાણા લાકડાનાં દાદરા પર પગ મૂકતાં જ દાદરાનો એ ખટ્ ખટ્ અવાજ સાંભળી ભીતરથી બધું આળસ મરડી બેઠું થયું, મેડીનીં ભીંતો, નાના નાના ગોખલા, વળાવંઝીઓ બઘાંને કાળની ઝાપટ વાગી હતી. ભચીબાઈએ મેડી ઉપર ખાટલો ઢાળી એના પર સ્વચ્છ ચાદર પાથરી રાખી હતી જયશ્રી ખાટલાને જોઈ રહી.

      પહેલાં પણ આમ જ ખાટલા પર સૂઈ જતી, પણ કશુંય પાથર્યા વગર. કાથીનો કરકરો સ્પર્શ ગમતો. ઊંધા સૂઈને વાંચવાની ટેવ છોડાવવા માએ કેટલાય પ્રયત્નો કર્યા હતા. વાંચતા વાંચતાં ઊંઘી જવું કે પછી ઊંઘનો ડોળ કરી પડ્યાં રહેવું. મા નીચેથી રાડો પાડયાં કરે તે સાંભળી હસ્યા કરવું કંઈ કેટલુંય...

     નાનકડી એવી મેડીની ઓરડીમાંથી પડઘાતું રહ્યું. જયશ્રી ઊભી ઊભી જોતી રહી. એને લાગ્યું બધું ત્યાનું ત્યાં જ જેમનું તેમ અકબંધ છે. ફકત પોતે અહીં ગેરહાજર છે. એ ધીમે પગલે ઊતરાદી બારીએ આવી. વર્ષોથી બંધ રહેલી બારીના નકુચાચ જામ થઈ ગયા હતા. કોઈક સમયે એના ખૂદના હાથે દેવાયેલો રંગ સુક્કોભઠ્ઠ થઈ ખરી પડ્યો હતો બારીના કમાડમાં તિરાડો પડી ગઈ હતી. એણે આંચકા સાથે બારી ખોલી તે સાથે જ ધસી આવેલા પવને મોઢા પર છાલક મારી. એ બારીમાંથી દેખાતા રાયધણજરના બોડા ડુંગરાની પથરાયેલી હારને જોઈ રહી. એને યાદ આવ્યું કે પહેલાં નૉવેલ વાંચતા વાંચતાં અચાનક ચોપડી બંધ કરી દૂર દૂર સુધી ફેલાયેલા ડુંગરા જોયા કરવાનું ગમતું. આ મેડીમાં જ કેટલીય નૉવેલો વાંચી નાખી હતી. બાજુના ગામે હાઈસ્કૂલમાં જતી વિમળા નીતનવી નૉવેલો લાવતી. વાંચતા વાંચતા અજબ સૃષ્ટિમાં પહોંચી જવાતું. કેટલીય ચોપડીઓ કશુંય પાથર્યા વિનાના ખાટલા પર સૂઈને હાંફતી છાતીએ વાંચેલ. તેમાંયે પેલા વિઠ્ઠલ પંડ્યાની નૉવેલો તો... ઘણી વખત નદીના પટમાં એની રાહ જોવામાં ખાખરાનાં વૃક્ષો વચ્ચે બબ્બે-ત્રણ ત્રણ પ્રકરણ વંચાઈ જતા. એ આવતો ત્યારે ખાખરાનાં એ બરછટ વૃક્ષો લીલાંછમ્મ થઈ ઊઠતાં. ક્યારેક હું વાંચતી એ સાંભળતો આંખો બંધ કરીને. એની સામે જોતાં તે વખતે ગળું સુકાઈ જતું. અચાનક ઊથલપાથલ મચી જતી શરીરમાં અને મનમાં. પણ એ તો બસ મરક્યા કરતો સ્થિર બેસીને. એનું એ ગંભીર હાસ્ય.

      જયશ્રીએ બારી બંધ કરી દીધી. એણે ધીમેથી ખાટલા પર લંબાવ્યું. ચત્તીપાટ સૂતી સૂતી વંઝીવળાને જોઈ રહી. વળાવંઝીઓમાં ભમરીઓએ માળા કર્યા હતા. તેને વિચાર આવ્યો.
- અજયને વાંચવાની કેટલો શોખ છે. મોંઘી મોંઘી ચોપડીઓ લઈ આવે. વાંચવાનો આગ્રહ કરે. પણ ન જાણે વાંચવાની ઇચ્છા જ નથી થતી. થોડું વાંચ્યા પછી કંટાળો ચડે કાં તો ઊંઘ...
      જયશ્રી ઊઠી ત્યારે સાડા પાંચ થઈ ગયા હતા. બપોરે ડોળા કાઢતો સૂરજ કૂણો પડ્યો હતો. ભચીબાઈ કયારનીયે રાહ જોઈ રહી હતી. બાઈ તું તો બહુ સૂતી. ગમે તેમ તોય બાપનું ઘર ઊંઘતો આવે ને ! જમાઈ અને પીન્ટુને પેલા શાંતિલાલ એના ઘેર તેડી ગયા છે.

      ભચીબાઈ વાતો કરતી રહી. એ તૈયાર થઈને નીકળી. પહેલાં કયાં જવું ? મણ જેવડો પ્રશ્ન સામે આવ્યો. એને થયું અજય સાથે હોત તો સારું રહેત. વળી જુદો જ વિચાર આવ્યો કે અજય નથી જ તો ત્યાં જ જઈ આવું. ક્ષણેક લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું. તેણે કંઈક વિચારીને મન કાઠું કર્યું. ઠાકર મંદિર પાસે આવતાં કરી પગ અટકી ગયા. વળી એ જ દૃશ્ય...
 - એય જયશ્રી તું કયારે આવી ? મૂઈ તને તો હાલાપર યાદ જ નથી આવતું કે શું ? મુંબઈનું પાણી લાગ્યું છે ને કંઈ!
      માથે અડાયાંનું ધમેલું ઉપાડી ચાલી ગયેલી દેવલ સાથે શું શું વાત કરી તેનું જયશ્રીને ભાન રહ્યું નહીં. એના કાન દૂર ક્યાંકથી આવતા રાજદૂત મોટરસાઇકલનો અવાજ સાંભળવા રોકાઈ રહ્યા. એ બસ સ્ટેન્ડ પાસે પહોંચી ત્યારે અવાજ સાવ નજીક આવી ગયો હતો. એના હૃદયની ઘડકનો તેજ થતી જતી હતી. મોટરસાઈકલનું 'ફાયરિંગ’ જાણે એની છાતીમાં થતું હતું. અવાજ નજીક આવ્યે જતો હતો.
- ગામમાં પહેલવહેલી મોટરસાઇકલ એ લઈ આવ્યો હતો. એને મોટરસાઈકલ પર બેઠેલો જોઈ દોડીને પાછળ બેસી જવાની ઇચ્છા પ્રબળ બની જતી.
     અને એક વાર જીદ જ કરી કે ગમે તે થાય પાછળ બેસવું જ છે. પણ ગામમાં બેસવું કઈ રીતે ? બસ થોડા દિવસોમાં જ પ્લાન બની ગયો. હર્ષા, ઝવેર જોડે માંડવી ફરવા જવું છે તેમ કહી માંડવી જતી બસમાં બેસી લાયજા ઊતરી પુલ પાસે ઊભા રહેવું અને તેમ જ થયું.

      જિંદગીમાં પહેલી વાર મોટરસાઇકલ ૫૨ બેસવાનો એ આનંદ હતો. થોડી વાર તો ભયનું લખલખું શરીરમાં ઉપરનીચે દોડવા લાગેલું. પણ પછી એના પવનમાં ફરફરતા વાળ, ફટ ફટ થતા કૉલર, ખમીસમાં ભરાતો પવન અને પીઠનો માંસલ સ્પર્શ. બધો ભય નીકળી ગયો. પગ નીચેથી જાણે કાળું પાણી ધસમસતું જતું હતું. પછી તો માંડવીની સાંકડી સાંકડી શેરીઓ, ડબલરોટી, રગડો, તાજ આઈરક્રીમ, કાશીવિશ્વનાથનો રેતાળ દરિયો. દિવસ કયાં ગયો તેની સરત ન રહી અને એમાં ને એમાં સાંજે બસ ચુકાઈ ગઈ. પછી બસને આંબવા પૂરઝડપે એણે ભગાવેલું રાજદૂત. ખરેખર ડર લાગેલો. પણ એનો કાબૂ ! લાયજાથી ત્રણ કિલોમીટર આગળ જ બસને ઓવરટેઇક કરી પુલ પાસે ઉતારી ત્યારે સામે ઝીંકાતા પવનથી આંખોમાં પાણી રેલાતુ હતું. મોટરસાઇકલ ઊભી રાખીને બસ – હવે ખુશ ને ! એવું કહ્યું ત્યારે સ્થળકાળ ભૂલી વિંટળાઈ જવાની ઇચ્છા થઈ આવેલી, પણ એનો હાથ દાબીને જ સંતોષ વ્યક્ત કરેલો તે વખતે. ડૂબતા સૂરજનું એ ઝલમલટાણું, સડકની એકધારે નમાવીને સ્ટેન્ડ કરેલું રાજદૂત. આંગળીથી વાળ સરખા કરતાં કરતાં જોઈ રહેલી આંખો. એને જાણે એકલો છોડી ચાલ્યા ગયાનો ભાર હૃદય પર આવી પડેલો. લાયજાથી બસમાં ચડતી જોઈ ત્યારે હર્ષા અને ઝવેરના પડીકે બંધાયેલા જીવ હેઠે બેઠેલા.
      અને વર્ષો પછીયે રાજદૂતનો એ અવાજ કાનમાંથી નીકળ્યો નહીં. અજયે સુઝૂકી લીધું ત્યારે પૂછ્યું હતું. કેવી છે આ બાઈક ? ત્યારે અનાયાસે બોલાઈ જવાયું - રાજદૂત પણ સરસ આવે છે નહી ? અજયે એકદમ હસી પડતાં કહેલું – ગાંડી રાજદૂત અહીં ન ચાલે. એ તો ગામડાની ગાડી. જેને ખેતર-વાડી જેવા ઊબડખાબડ રસ્તે ચાલવાનું હોય એના માટે. બાકી આ તો તારા જેવી જ છે. નાજુક અને નમણી.

      પછી અવારનવાર બાઈક પર ફરવાનું થતું.
      પહેલી વાર ખંડાલાથી વળતા હતા ત્યારે અજયે પૂછ્યું હતું – ડર લાગતો હોય તો ધીમેથી ચલાવું. અજયની પીઠ પર ઢળતાં બોલાઇ જવાયું. ડર તો ક્યારનોય નીકળી ગયો છે. બાઈક ખંડાલા ઘાટના વાકાચૂંકા રસ્તા ઊતરતી રહી. ખાપોલી આવ્યું. કૅન્ટીન પર થમ્સ અપ પીતાં પીતાં અજય સામે આંખ મીંચકારેલી.
- વધુમાં વઘુ કેટલી ઝડપે દોડાવી શકો ?
- હસતો અજય તીરછી નજરે જોઈ રહ્યો. તેણે કીક મારી, લીવર વાયર ખેંચાય તે પહેલાં – હાં હાં, એક મિનિટ. કહી અજયના શર્ટનું ઉપલુ બટન કાઢી નાખેલું. મને ફટ ફટ થતા કોલરનો અવાજ સાંભળવો ગમે છે. પછી બંદૂકની ગોળીની જેમ બાઈક ભાગવા માંડેલી. આંખો મીંચાઈ ગઈ. કાનમાં માંડવીંથી લાયજા સુધી એકઘારી ઝડપે ભાગતાં રાજદૂતનો અવાજ પડઘાઈ રહેલો. અજયના કોલરનો ફટ ફટ અવાજ કાન વાટે હૈયામાં ઊતરતો હતો. કમરે વીટળાયેલા સુખદ સ્પર્શથી અજય ખુશ હતો. છેક પનવેલ આવ્યું ત્યાં સુધી બંધ આંખો કયાંયથી કયાંય જઈ આવી.
      થોડે દૂરથી પસાર થઈ ગયેલા રાજદૂત હાંકતા કોઈ ગઢવીને જોઈ એને આનંદ થયો કે નિરાશા તે જયશ્રી નક્કી ન કરી શકી. એ બસ સ્ટેશનની પાછળ જઈ દૂર જોઈ રહી.

      નદીના વિશાળ પટમાં ગાંડા બાવળનાં ઝૂંડ ઊગી નીકળ્યાં હતાં. ભીમનાથ મહાદેવના મંદિર પર ઘાટા મરુન રંગની ધજા ફગફગતી હતી. નદીની સામે પાર ભૂખરી ટેકરી પર પીળચટ્ટો નડકો પથરાઈ પડ્યો હતો. ટેકરીની પછવાડે નીચાણપાં વિસ્તરેલી વાડી મનમાં આકાર લેવા લાગી. એ વાડી, વાડીની આસપાસ પસાર થઈ ગયેલો સમય હવામાં ફેલાઈને ક્યાંક દૂર દૂર પહોંચી ગયેલા એ સંવાદો, પ્રસંગો, ચેષ્ઠાઓ...

      અચાનક એને વિચાર આવ્યો.
      અત્યારે વાડીએ હશે ? હવે એકલો હશે ? અને અચાનક કોઈ કાળે બોલાઈ ગયેલો એ બળૂકા શબ્દો એના કર્ણપટ નજીક ધસી આવ્યા. ભયનું લખલખું પસાર થઈ ગયું. અપરાધભાવ સપાટી પર આવી ગયો. જયશ્રી ક્ષિતિજમાં જોઈ રહી.
- એ દુબઈ ગયો એની આગલી એ સાંજ. સંઘ્યાકાળનો સમય. કૂવા, ક્યારા, નીકો. બધું એના માટે રડતું હતું. રડી રડીને લાલ થઈ ગયેલી આંખો જોઈને એ પણ રડી પડેલો. એની આંખોમાં પાણી જોઈ શુંનું શું થઈ ગયેલું. એણે પીઠ પાછળ હાથ પસવાર્યો કે તરત જાણે જિંદગીભર છૂટાં ન પડવું હોય તેમ વળગી પડાયું હતું એના હોઠ પણ આધાર શોધતા હતા. બરછટ હાથથી આંસુ લૂછતાં બોલેલો. આટલું શીદ રડશ ? હું કંઈ કાયમ માટે થોડો જાઉં છું ! અને પછીના એ શબ્દો હજી પણ કાનમાં ગુંજયા કરે છે. એના એ શબ્દોમાં રહેલી સચ્ચાઈ, નિર્ભેળ પ્રેમ અને ખડક જેવી મક્કમતા... જાણે મને સમાધાન કરી લીધું. હળવા થઈ જવાયું હતું. પણ તે પછી...?
      જયશ્રી ઓજપાઈ ગઈ. મનને કશુંક ડંખી ગયું. એને થયું કે શું પોતે ઘાર્યુ હોત તો કશું ન કરી શકી હોત ! પણ હવે એ પૂછશે તો... ? શું હું કહી શકીશ કે દોઢ વરસ ગયો... બે વરસ ગયાં પછી મા અને મામા આગળ શું ખુલાસો કરવો ? અને બધું...

      બુદ્ધિ જયશ્રીની મદદે આવી. કશુંક આશ્વાસન મળ્યું.
- ના, ના. એ તો બધું સાંભળે સ્વીકારે એવો છે. મારી વાતને હમેશાં સાચી જ માની છે. એણે કયારેય કશું માગ્યું હતું ? હમેશાં પોતાની સીમાઓ સાચવીને વર્તતો. પહેલી વાર વાડીમાં જયારે મળેલાં ત્યારે બાવળની અણીદાર શૂળ સ્લીપર આરપાર જઈ બરાબર પગની વચ્ચોવચ ઘૂસીને તૂટી ગઈ. પાણીની ફૂંડી પર બેસી, પોતાનાં ઢીંચણ પર પગ રાખીને શૂળ કાઢતાં કાઢતાં અચાનક –તારો ચણિયો સરખો કર. બોલ્યો. અને ત્યારે એનાં ટેરવાં સાથળમાં ક્યાંક અડી ગયાં હોય એમ શરમથી બેવડું વળી જવાયું હતું. એને તો કશું જ નહીં.

- પહેલાં કાંટો નીકળી જવા દે પછી શરમાયા કરજે. એના એ શબ્દો, એ સ્વસ્થ વર્તન ! પહેલાં સહેજ નવાઈ લાગેલી, પણ પછી હંમેશાં મારા કરતાં એક આંગળ ઊંચો જ લાગ્યો હતો. બધો જ ભય નીકળી ગયો. એની ગર્વીલી મર્દાઈને પડખે પડખે ચાલવાની અદમ્પ ઇચ્છાઓનાં અંકુર ફૂટવા લાગ્યાં હતા. ક્યારેક ક્યારેક ઇચ્છાઓ શરીરમાં ઘૂસી જતી અને અડપલાંની શરૂઆત થઈ જતી તો તરત કહી દેતો :

- બહુ ઉતાવળી ન થા. પછી આખી જિંદગી શું કરવાનું છે ? જાણે કેમ બીજા જ દિવસે લગ્ન થવાનાં ન હોય ! ના, ના. મારે એની પાસે જવું જ જોઈએ. એવો પ્રચંડ અવાજ અંદરથી ઊઠ્યો. ફરી થોડી સ્વસ્થ થઈ પણ વળી - ના, ના જઈ જ આવું. કદાચ કરવાની વાતો મનમાં રહી જાય અને આખા ભવની પીડા તેના કરતાં તો જે થાય તે...
      જયશ્રી ઢોળાવ ઊતરી નદીમાં પ્રવેશી. પહેલાંની સ્વચ્છ, રેતાળ નદીનું રૂપ જ બદલી ગયું હતું. નદીના ભાઠાનો સૂનકાર એને ઘેરી વળ્યો. પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા થઈ આવી, છતાં કોઈક બળ ખેંચતું હતું. જેમ જેમ વાડી નજીક આવતી હતી તેમ તેના ધબકારા વધતા જતા હતા. મનમાં અનેક જાતના વિચારો દોડધામ કરતા હતા. આમ અચાનક આવેલી જોઈ શું વિચારશે ? વાત કરશે ? વળગી પડશે કે ગુસ્સે થઈ જશે ? બધી વાતો સ્વીકારશે ? હું શા માટે જઈ રહી છું ? શા માટે છેક તેર તેર વર્ષે અહીં આવી ? કયા આનંદ કે સુખ ખાતર ? અજય સાથે સુખી છું એ બતાવવા કે પછી અજયમાં કંઈક ખૂટે છે ? એના મનમાં નકાર ઊઠ્યો. એના પગ મનથી સ્વતંત્ર હોય એમ ચાલ્યા કરતા કયારે વાડીનો ઝાંપો આવી ગયો ખબર ન પડી.

      પણ વાડીને જોતાં નજરને એક જોરદાર ધક્કો વાગ્યો. બધી કલ્પનાઓ જાંબુની ડાળની જેમ બટકી પડી. વાડી જાણે સર્વનાશ પછી બચેલા ખંડેર જેવી દેખાતી હતી. કોઈ પ્રચંડ વાવાઝોડું જાણે બધું ધરાશયી કરી ગયું હતું, મશીનની ઓરડી પર છાપરું ન હતું. ફૂવાની આસપાસ ઘાસ ઊગીને સુકાઈ ગયું હતું. કૂવાથાળના પથ્થર પણ કોઈ ઉખેડી ગયું હતું. ઝાંખરાં જેવાં વૃક્ષોએ ખેરવેલાં પાંદડાનાં ઢગલા થઈ ગયા હતા. વર્ષોથી કોઈએ પગ ન દીધો હોય તેવાં અવાવરુ ખંડેર જેવી નિર્જન વાડી ભેંકાર ભાસતી હતી. એ રડતી આંખે અને બળતાં હૈયે જોઈ રહી. કૂવાથાળની કૂંડીના અવશેષ પર નજર જતાં – તારો ચણિયો સરખો કર. શબ્દો ભૂતાવળની જેમ દોડી આવ્યા. એ ધ્રૂજી ઊઠી. ગળે ડૂમો ભરાયો. છૂટા મોંએ રડવાની ઇચ્છા થઈ આવી. ઝાંપાનો ટોડલો પકડી ક્યાંય સુધી રતબ્ધશી ઊભી રહી – હવે કયાં જવું ? પહાડ જેવો પ્રશ્ન સામે ઘૂરકી રહ્યો. મેળામાં મા-બાપથી છૂટા પડી ગયેલા બાળક જેવી અસહાયતા ઘેરી વળી. સૂરજ ડૂબવા જઈ રહ્યો હતો. વૃક્ષોના લાંબા લાંબા પડછાયા ઉદાસીને વઘુ ઘેરી વળતા હતા. પગલે પગલે હજારો પ્રશ્ન ઊઠતા હતા.

      ગામ છોડી જતો રહ્યો હશે ? દુબઈ હશે ? ક્યા શોધવો હવે ? કોને કહેવું બધું ? મનમાં હાહાકાર મચી ગયો. એ પણ ભૂલી ગઈ કે તે હવે કોઈકની પત્ની બની અહીં આવી છે. મનમાં એક જ વાત ઘૂંટાતી હતી કે હવે કયાં શોથવો ? કોને પૂછવું ? અને આકાશમાં વીજ ચમકે એમ એક ચહેરો આંખ સામેથી પસાર થઈ ગયો – અભુકાકા.

      અભુકાકા વાડીનો ચોકીદાર. એના લીલાછમ્મ કાળખંડનો મૂકસાક્ષી અને હમરાઝ. જાતે કોળી પણ સાગરપેટો. ઘણીય વાર કહેતોય ખરો કે – દીકરી, સંભાળીને આવતી જા. નાનુંઅમથું ગામ છે. બહુ હિંમત કરવી સારી નહી. એ અભુકાકા પણ હયાત હશે ? આ પ્રશ્ન રહીસહી આશા પર પાણી ફેરવી ગયો. યુગ યુગ જેલી ઘડીઓ માંડ માંડ વીતી.

      બીજા દિવસે જેમતેમ કરીને અભુકાકાને મળવા એકલી પહોંચી ગઈ અને અભુકાકાને જોયા ત્યારે લાગ્યું જાણે તે એને કશુંક કહેવા માટે જ જીવતા રહ્યા છે. ટી.બી.ને કારણે ખવાઈ ગયેલું શરીર. ઊંડી ઊતરી ગયેલી આંખો. ક્ષણે ક્ષણે ચડતી હાંફ.

      અભુકાકાએ ઓલવાવા આવેલી આંખોએ જયશ્રીને જોયા કર્યુ અને જયારે ઓળખાણ પડી ત્યારે એની વૃદ્ધ રગોમાં સહેજ ચેતન આવ્યું. પણ એની કીકીઓમાં પારાવાર વેદના ઊમટી પડી. એ જયશ્રીને એકીટશે જોઈ રહ્યા. અભુકાકાને જોતાં જ જયશ્રીની આંખો ભીની થઈ ગઈ હતી. કોણ પહેલો પ્રશ્ન કરે તેની ગડમથલ બેઉનાં મનમાં ચાલતી હતી.

      આખરે એ વૃદ્ધે જ પૂછી નાખ્યું.
- વાડીએ ગઈ’તી દીકરી ? જયશ્રી માથું હલાવી અભુકાકા સામે જોઈ રહી. અભુકાકાની વૃદ્ધ આંખો જયશ્રીની આંખોમાં ઊમટતા પ્રશ્નોને જોઈ રહી. થોડી ક્ષણો ભારેખમ બની પડી રહી. જયશ્રી અભુકાકા સામે રડમસ આંખે જોઈ રહી.
      અભુકાકાની છાતીનું પીંજરું ઊંચુંનીચું થયું. ઊંડું ઊંડું હાંફતાં જયશ્રીને કહેતા રહ્યા. દમિયલ છાતીમાંથી માંડ માંડ નીકળતા શબ્દો જયશ્રી ફાટી આંખે સાંભળતી રહી.

      અભુકાકા બોલતાં બોલતાં હાંકી ગયા. સખત ઉઘરસ આવી. આંખોમાં રતાશ ધસી આવી. જયશ્રીને રડવાનું પણ ભાન ન રહ્યું.

      જયશ્રીએ ક્ષણેક આસપાસ જોયું. એને લાગ્યું કે જોરદાર ધરતીકંપ થઈ રહ્યો છે. નદીને પેલે પાર અને સામે દેખાતી હરિયાળી, વાડી, કૂવો, કૂંડી, થાળા, વૃક્ષો ગારદ થતાં જાય છે. ધરતી ફાટે છે અને બધું સમાઈ જઈ રહ્યું છે. પોતે બેબાકળીશી જોઈ રહી છે. ગળું ફાડી ચીસો નાખવાની ઇચ્છા થાય છે, પણ ગળાપાંથી અવાજ જ નથી નીકળતો...!

      જયશ્રીની બધી ઈદ્રિયોના સંવેદન કાનમાં આવી ગયા. જાણે ચારે દિશાઓ ગજવતા શબ્દો પડઘાતા હતા. કાન ફાડી નાખતા શબ્દો પ્રચંડ વાવાઝોડાની જેમ ધસ્યે આવતા હતા.
- મારી વાટ જોજે. દુબઈથી બે વર્ષે પાછો આવી જઈશ. આમ મારી આંખોમાં જો, હું તને પરણીશ કાં મોતને... સમજાય છે મારી વાત... ?
       જયશ્રીની ચેતના બધિર થઈ ગઈ હોય તેમ બેસી રહી. અભુકાકાના ખાટલાની ઈસને મજબૂત પકડી રાખીને. શબ્દો કાનના પડદા તોડી ધસી આવતા હતા ચારે બાજુથી.

[મુંબઈ સમાચાર દીપોત્સવી ૧૯૯૭]


0 comments


Leave comment