13 - તસવીરમાં ચહેરો / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      બે દિવસથી ગોરંભાયેલાં વાદળાંએ સૂરજને ઢાંકી દીધો હતો. વાતાવરણમાં ઘેરી ખામોશી છવાયેલી હતી. રહી રહીને ડૂસકાં ભરતાં બાળકની જેમ ક્યારેક ક્યારેક છાંટા વરસી પડતા હતા.

      એડવોકેટ તન્નાએ ધીરેથી બારીનો સ્ટોપર હટાવી, ઉદાસ આંખે બહાર જોયું. બારીમાંથી દેખાતા ટાવરનો ગેરુઓ રંગ ભીંજાવાથી વધુ ઘેરો લાગતો હતો. તેઓ ટાવરને જોઈ રહ્યા. દોડતાં વાદળાંને કારણે ટાવર ખસતો હોય એવું લાગ્યું. અચાનક એક ડરામણો વિચાર તેમને આવી ગયો. આ ટાવર ઘસી પડે તો ? તેઓ સહેજ ધ્રૂજી ગયા. બારીની ગ્રીલને સખ્તાઈથી પકડી લીધી અને ટાવરને નવેસરથી જોઈ રહ્યા. આમ તો તેઓ વર્ષોથી આ ટાવરને જોતા આવ્યા હતા, પણ આજે ટાવરની એક ભીંતમાં પડેલી ઝીણી તિરાડ પહેલી વાર જ દેખાઈ. તેઓ તિરાડ સામે એકધારું જોઈ રહ્યા. તિરાડ જાણે પહોળી થતી જતી હતી, એમની નજર સામે જ.

      ટાવરમાં બારના ડંકાની શરૂઆત થઇ. એડવોકેટ તન્નાએ બળપૂર્વક પોપચાં ભીડી રાખ્યાં. પછી સહેજ માથું ધુણાવી બારીમાંથી દેખાતા સમગ્ર પરિસર પર એક નજર દોડાવી. બાર વાગ્યાનો છેલ્લો ડંકો પડ્યો. બે કાંટા થોડી ક્ષણ ભેગા થઇ છૂટા પડતા હતા.

      એડવોકેટ તન્ના ઓરડામાં ઉચાટભર્યા અને આંટા મારવા માંડ્યા. ઓરડામાં ગોઠવેલી વસ્તુઓ તેમને પહેલી વાર સ્પષ્ટ દેખાઈ હોય તેમ દરેક વસ્તુ સામે તેઓ વારાફરતી જોઈ રહ્યા.

      દક્ષિણ ભીંત સરસી ગોઠવેલી કલાત્મક સેટી અને તેના પર પાથરેલી મોંઘી બેડ-શીટ અને મખમલી તકિયા. એક ખૂણામાં મૂકેલા ટેબલ પર પાથરેલ ટેબલક્લોથ, તેના પર કીમતી ફૂલદાની અને ટેબલલેમ્પ. ટેબલની પડખે શો-કેસમાં વ્યવસ્થિત ગોઠવેલાં કાયદાના મોટાં મોટાં પુસ્તકો. બારણાની બરાબર સામે મોટા કદની છબીમાં વકીલાતની સનદ હાથમાં પકડી સ્મિત કરતો યુવાન ચહેરો.....

      તેઓ થોડી વાર છબી સામે જોઈ રહ્યા. તેમનો હાથ અનાયાસે ચહેરા પર ફર્યો. બે દિવસની દાઢીનો કરકરો સ્પર્શ ખૂંચ્યો. તેઓ કંઈક વિચારી ટેબલ પાસે આવ્યા. ટેબલનું ખાનું ખોલી એક પરબીડિયું ઉપાડ્યું અને અંદરના કાગળની ગડી ખોલી. કાગળ પર લખાયેલી મરોડદાર લીટીઓ સળવળતી હતી. એડવોકેટ તન્નાના હૈયામાં સબાકો બોલી ગયો. કાગળમાંના અક્ષરો સંવાદરૂપે આસપાસ પડઘાઈ ઊઠ્યા. તેમણે કાગળની ગડી વાળી મૂકી દીધો. ફૂલદાનીમાં ચીમળાયેલાં ફૂલોને ક્ષણભર જોઈ ફરી બારી પાસે આવ્યા.

      વરસાદ ગતિ પકડતો હતો. ગોરંભાયેલા વાતાવરણને કારણે રસ્તા પર અવરજવર નહીંવત્ હતી. છત્રી ઓઢી જઈ રહેલી એક યુવાન છોકરીનાં સ્કર્ટ નીચે દેખાતી ખુલ્લી સુડોળ પિંડીઓ વરસાદી માહોલમાં વધુ ગૌર લાગતી હતી. એકવોકેટ તન્ના છોકરીની અર્ધી દેખાતી પીઠને જોઈ રહ્યા. તેમને થયું – કોની હશે આ છોકરી ?

      તેમના હૃદયમાં ફરી પીડા ઊઠી. તેમણે બારી બંધ કરી દીધી. બહાર ધીમી ધારે વરસાદ પડવો શરુ થઈ ગયો હતો. એકવોકેટ તન્ના ઓરડાની વચ્ચોવચ્ચ પૂતળાની જેમ ઊભા રહ્યા. આગળ દિવસથી મનમાં ચાલતા ઘમસાણ યુદ્ધમાં બધા વિચારો જાણે ખપી ગયા હોય તેમ તેઓ શૂન્યમનસ્ક ઊભા રહ્યા, ચારે તરફના શૂન્યાવકાશને જોતાં.

      ઇન્ટરકોમની ઘંટડી વાગી. સ્તબ્ધ ઓરડામાં ક્ષકે ચેતન આવ્યું. એડવોકેટ તન્ના આંખોથી સાંભળતાં હોય તેમ ઇન્ટરકોમની ઘંટડીને જોતાં રહ્યા. પછી માથું નીચું ઢાળી બંને હાથ પેન્ટના ખિસ્સામાં નાખી દાદર તરફ વળ્યા.

      નીચે એ જ વાતાવરણ હતું. સ્તબ્ધ, ખામોશ અને રડતું. સૌ ચુપચાપ બેઠાં હતાં. તેમણે પોતાની પત્ની સામે જોયું. બે દિવસથી રડી રડીને સૂઝી ગયેલી આંખો જોતાં એમની પ્રૌઢ નસોમાં ફરતા લોહીનો વેગ ક્ષણેક તેજ થયો અને તરત ઠરી ગયો. મોટી ખુરશીમાં સંકોચાઈને બેઠેલાં પોતાનાં બા સામે જોઈ એમને થયું – આ બા ? આવા નિરાધાર ? હંમેશની સફેદ સાડી અને ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં તો અત્યારે હતાં. છતાં સામેની વ્યક્તિને આંજી નાખતું અને જરૂર પડ્યે ચૂપ કરી દેતું તેજ દેખાતું ન હતું. ચશ્માં પાછળ દેખાતી જાજવલ્યમાન આંખો પર અચાનક વયઆવીને બેસી ગઈ હતી. તેઓ નીચું જોઈ બેઠા હતા, કશુંક અણદેખ્યું કરવા.

      એકવોકેટ તન્ના જાણે અજાણ્યા માણસો વચ્ચે આવી ચડ્યા હોય તેમ થોડી ક્ષણો ઊભા રહ્યા. કોઈ કશું બોલ્યું નહીં. તેઓ ચુપચાપ એક ખુરશી પર બેસી ગયા. મોટામસ ઓરડામાં ભારેખમ ખામોશી છવાઈ ગઈ. કેટલીક ક્ષણો એમ ને એમ નિર્જીવતાથી પસાર થઇ ગઈ, ચુપકીદીનો ભાર ઉપાડીને. માથા પર સાડી સરખી કરતાં એડવોકેટ તન્નાનાં બાં બોલ્યાં :
- નીરવ હજી આવ્યો નહીં ભાઈ.
      એક ઊંડો શ્વાસ લઈ એડવોકેટ તન્નાએ મા સામે જોયું.
      આ વાક્ય સામે શું બોલવું તે તેમણે સૂઝયું નહીં. તેમણે માત્ર માથું હલાવી હા કહી નિશ્વાસ છોડ્યો. એમનો વિશ્વાસ એમનાં પત્નીની છાતીમાં જઈ અથડાયો હોય તેમ પત્નીના ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. વાતાવરણ વધારે બોઝિલ બની ગયું. આસપાસ બેઠેલાં બાળકો કાચુંપાકું સમજ્યાં હોય એમ ચૂપચાપ એકબીજા સામે જોતાં બેઠાં હતાં. એકવોકેટ તન્નાનાં બા પુત્રવધૂ સામે જોઈ ગંભીર થઈ બોલ્યાં :
- એમ તૂટી પડ્યે કામ નહીં ચાલે મંજરી. અત્યારે તો સંયમથી કામ લેવાનું છે.
      એમના બોલવાથી ઓરડામાં ભારેખમ ખામોશીના પડમાં નાનો એવો છેદ પડ્યો. લગભગ હંમેશાં ચૂપ રહેતો એડવોકેટ તન્નાનો સૌથી નાનો ભાઈ અમિત કંઈક ડરતાં ડરતાં બોલ્યો :
- મોટાભાઈ, આપણે પોલીસને જાણ ન કરી શકીએ ?
- શું ?
      આટલું બોલતાં ઓ એડવોકેટ તન્નાની ભ્રકુટી ખેંચાઈ. એમની છાતીને હંમેશાં ટટ્ટાર રાખતું તત્વ અચાનક બમણા વેગથી ઘૂસી ગયું.

      એમના દ્વારા બોલાયેલા એકાક્ષરી ‘શું’માં શું શું આવી જતું હતું તે અમિત સારી પેઠે સમજતો હતો. શહેરનો પ્રતિષ્ઠિત તન્ના પરિવાર. જિલ્લાભરમાં કાબેલ વડીલ તરીકે પંકાયેલા એડવોકેટ તન્નાનું આ કુટુંબ. વળી રાજ્યના રાજકારણમાં નોંધ લેવાતી હોય તેવો ધારાસભ્ય પણ આ પરિવારનો. જે કુટુંબની મહેમાનગતિ રાજ્યના મુખ્ય પ્રધાન માનતા હોય તેવા તન્ના પરિવારના સભ્યો જઈને પોલીસ થાણે જાય ? જે ઘરનો એંઠવાડ પણ બહાર ન આવતો હોય તેવા ઘરને અંગત એવી બાબત માટે પોલીસ પાસે મદદ માગવી પડે ? મદદનું કારણ જણાવવું પડે ? અને આ જિલ્લાભરમાં પ્રતિષ્ઠિત ઘરનું સરનામું પોલીસના ચોપડે લખાવવું પડે સામે ચાલીને ?

      એડવોકેટ તન્નાની પીઠ ટટ્ટાર થઇ. આવા વાતાવરણ અને સ્થિતિ વચ્ચે પણ તેમના ચહેરા પર બરછટતાની એક રેખા ઉપસી આવી. એમને મનોમન અમિત પર ચીડ પણ ચડી.

      અમિતને તો ઠીક, પણ બાને શું કહેવું તે એમને પછી લાગ્યું બાના બોલ્યાં પછી.
- જો ભાઈ, હું બધુંય સમજુ છું. તારી હાલત અને આપણી સૌની હાલત જાણું છું. છતાં અમિત કહે છે તે સાવ ખોટું નથી. ફરિયાદની રીતે નહીં તો તમારી વગનો ઉપયોગ કરીને પણ....
      એડવોકેટ તન્નાને લાગ્યું કે બા હવે આગળ બોલશે તે પોતાનાથી સાંભળી નહીં શકાય. તે વચ્ચે જ બોલી પડ્યા :
- બા, હું તમારી વાત સમજી શકું છું, પણ તમને એ મારે કહેવું પડશે કે પોલીસને જાણ કરવી એટલે શું? કાલે સવારે જ છાપાં આપણી આબરૂનું લીલામ કરી નાખશે એનો ખ્યાલ છે ? અત્યાર સુધી જળવાઈ રહેલી આ કુટુંબની શાખનાં ચીંથરાં ઊડી જાય અને ઘેર ઘેર ખબર પડે કે તન્ના પરિવારની.....
      પાછળના શબ્દો અધૂરા છોડી એડવોકેટ તન્ના આંખો બંધ કરી બેસી રહ્યા.
- જો ભાઈ, છાપાંમાં નહીં આવે તોય છાનું થોડું રહેવાનું છે ? અને અત્યારેય અડધા શહેરને તો ખબર પડી જ ગઈ હશે.
      એડવોકેટ તન્ના જે વાત સાંભળવા માગતા ન હતા તે વાત જ તેમની સામે આવી. તેઓ વિચલિત થઈ ગયા.
- બા, મને આ વાત જ અકળાવે છે. તમે અત્યારે શાંત રહો. બને તેટલા મૂંગા રહેવામાં અત્યારે ડહાપણ છે.
      બહાર ટેક્સી ઊભી રહી હોય તેવું જણાયું. ટેક્સીનાં બારણાં ઉઘાડ-બંધ થવાનો અવાજ આવ્યો અને થોડી વારે કોલબેલ વાગી. બધાંની આંખો દરવાજા ભણી ખેંચાઈ. ખાદીના ચોળાયેલા લેંઘા-ઝભ્ભામાં ચૂંટણી હારી ગયેલા પ્રતિષ્ઠિત નેતા જેવું નીરવનું મોં જોઈ બધાની નિરાશામાં ઓર વધારો થયો. નિરવે સૌના ચહેરા પર એક નિસ્તેજ નજર ફેરવી અને તે સોફામાં બેસી પડ્યો. એના મોં પર થાક અને ઉદાસી સ્પષ્ટ દેખાતા હતા. એડવોકેટ તન્ના કશું બોલ્યાં વગર શૂન્ય આંખે પોતાના હોનહાર ધારાસભ્ય ભાઈને જોઈ રહ્યા.
- નીરવ બેટા, કશા વાવડ ?
      બા દબાયેલું બોલ્યાં. તેના જવાબમાં નકારમાં માથું ધુણાવી નીરવે સહેજ મોટાભાઈ સામે જોયું અને બા સામે થાકેલી આંખે જોઈ જવાબ આપ્યો. :
- ના બા. કશો પત્તો નથી ખાટો.
      નીરવના અવાજમાંથી વ્યક્ત થતી વ્યથા અને હાર ખમ્યાની પીડા સૌને સ્પર્શી ગઈ.
      ઓરડામાં ક્વાર્ટ્ઝ ઘડિયાળનો બોદો ટક ટક અવાજ ભીંતેથી ખરતો રહ્યો.
- આપણે કશુંક કરવું જોઈએ. નીરવ, કશુંક કરવું જોઈએ. મારાથી હવે સહ્યું જતું નથી.
      એડવોકેટ તન્નાનો અવાજ સહેજ લથડિયું ખાઈ ગયો. તેમનાં પત્ની સહેજ આશ્ચર્યથી જોઈ રહ્યાં. એડવોકેટ તન્ના હજી પણ કશુંક સ્વીકારવા તૈયાર ન હતા.
- મોટાભાઈ, ચિંતા ન કરો. ચોમેર માણસો દોડે જ છે. આપણે ધીરજ તો ધરવી જ પડશે.
- નીરવ બેટા, આવી બાબતમાં ક્યાં સુધી ધીરજ ધરવી ? એક આખી રાત પસાર થઈ ગઈ છે.
      એડવોકેટ તન્નાનાં બાની આંખોમાં અપાર દુઃખ દેખાતું હતું. તેઓ સહેજ નીચે જોઈ ગયા.
- તો શું થયું બા ? બધું સારું થઇ રહેશે.
      નીરવે ભીંજાયેલા વાળ પર હાથ ફેરવ્યો. બાની આંખો પહોળી થઈ ગઈ.
- તો શું થયું ? નીરવ તમે લોકો વિચારો છો કે નહીં કે રાત પસાર થવી એટલે શું ?
      બા અટક્યાં. તેમનો અવાજ સહેજ ધ્રૂજયો.
- જે કરવું હોય તે જલદી કરો દીકરા. જીવ નીકળી ગયા પછી માણસ હાથમાં આવે તોય શું ને ન આવે તોય શું ?
      નીરવે કંઈક ચમકીને મોટાભાઈ સામે જોયું. એડવોકેટ તન્નાની આંખોમાં પણ નવી જ ચિંતાનો ભય ઝબક્યો. બાએ જાણે અચાનક કોઈ આવરણ હટાવી કશુંક ન જોઈ શકાય તેવું ખુલ્લું કરી નાખ્યું. બંને ભાઈઓની નજર સામે કોઈ વરવાં દૃશ્યો દેખાઈ ગયાં. બંનેનાં ચિંતિત ચહેરા મ્લાન બન્યા.

      વરસાદ ધીમે ધીમે વરસતો રહ્યો. ‘તન્ના વિલાસ’ શોકગ્રસ્ત ઊભું હતું. નીરવ ટેક્સી લઈ ક્યાંક ચાલ્યો ગયો. એડવોકેટ તન્ના તેમના અલાયદા રીડિંગરૂમમાં પોતાના હંમેશના ટેબલ પર કોણી ટેકવી એક તસવીરને જોઈ રહ્યા હતા. તસવીરમાં દેખાતો રૂપાળો ચહેરો કયારકે સાવ નાનો થઈ જતો હતો તો વળી મોટો થઈ ફેલાઈ જતો હતો. તેઓ ટેબલલેમ્પ જલાવી તસવીરને એકધારું જોઈ રહ્યા.

      એમને લાગતું હતું જાણે તસવીરમાંથી ચહેરો ગાયબ થઈ જાય છે અને માત્ર સફેદ ધાબા દેખાઈ રહ્યા છે અને ધાબામાંથી પ્રગટે છે ચિત્રવિચિત્ર દૃશ્યો.....

      જાણે આખા શહેરની આંખો ‘તન્ના વિલાસ’ સામે હોઠ વંકાવી જોઈ રહી છે. નીરવની પૂંઠે આંગળી ચીંધી ચીંધી માણસો કશુંક કહી રહ્યા છે. કોર્ટમાં પોતાનાથી જુનિયર વકીલો પણ પોતાને જોઈ કશીક ગુસપુસ કરતા રહે છે સભાઓમાં, મેળાવડાઓમાં. લોકો તન્ના પરિવારને જોઈ છાનું છાનું હસી લે છે. પોતાની રિંકુ, નીરવની સ્વાતિ, અમિતની સ્વીટી ગોખમાં ઊભી ઊભી કશીક પ્રતિક્ષા કરે છે અને આખરે ઉદાસ આંખ પાછી વળે છે.

      એડવોકેટ તન્નાએ લેમ્પ ઓફ કરી તસવીર પર માથું ઢાળી દીધું. તસવીર પર બે બુંદ પડીને સ્થિર થઈ ગયાં. આમે આખી તસવીર ઓગળીને એમના શરીરમાં ઊતરતી જતી હતી. એડવોકેટ તન્નાને લાગ્યું જાણે અંદરના અવયવો બહાર નીકળીને તરફડે છે અને પોતે લાચાર આંખે જોઈ રહે છે.

      ઓચિંતી રૂમમાં ટ્યુબલાઈટ ઝળહળી ઊઠી. એડવોકેટ તન્નાએ અશક્ત વૃદ્ધની જેમ માથું ઊંચું કરી જોયું. સામે પત્ની ઊભી હતી. અવાચક અને સ્તબ્ધ ! એમને પોતાની પત્નીની આંખોમાં આશ્ચર્ય દેખાયું. તેમણે આંખો ઢાળી દીધી. પાંપણ પાછળનું પાણી અંદર જ રહી શક્યું.
- તમે પણ આમ....
      એડવોકેટ તન્નાનાં પત્ની આગળ કશું ન બોલી શક્યા.
- હા, મંજરી હા. જે બન્યું છે તે સ્વીકારી શકાતું નથી.
      એડવોકેટ તન્ના અંદરનાં ડૂમાને ખાળવા મથી રહ્યા.
- બધું થાળે પડી જશે. તમે કાલથી કશું નથી ખાધું. ચાલો, જે ભાવે તે ખાઈ લ્યો.
- નહીં મંજરી, મારાથી ગળે કોળિયો નહીં ઉતારી શકાય. તને તો ખબર છે કે તે મારા એક એક કામની ગતિવિધિથી પરિચિત હતી. મારા રૂમાલથી માંડીને ફાઈલો સુધ્ધાં એના કારણે વ્યવસ્થિત રહેતું અને તું આ રૂમ જો, આ પડદા, આ ટેબલ, આ ટેબલક્લોથ, આ બેડ શીટ્સ બધુંય એની પસંદનું છે. ફૂલદાનીમાં બે દિવસથી પડેલાં વાસી ફૂલો જોઈ મારા અંતરમાં કાંટા ભોંકાય છે. તને તો ખબર છે કે મારા ખાવા-પીવાના સ્વાદ બાબત તારા કરતાં પણ એને....
      એડવોકેટ તન્નાના શબ્દો ગળામાં જ અટકી ગયા. તેમનાં પત્નીએ તેમની પીઠ પર હાથ મૂક્યો.
- હું બધુંય જાણું-સમજુ છું, છતાં આપણે બધાંયે પણ જીવવાનું તો છે જ !
      એડવોકેટ તન્ના બે ક્ષણ પત્નીની આંખોમાં દેખાતા ભાવો જોઈ રહ્યા. મંજરીની આંખોમાં દૃઢતા દેખાતી હોવા છતાં તે માથું હલાવી બોલ્યા.
- નહીં મંજરી, તું જા. લેટ મી અલોન પ્લીઝ.... !
      એડવોકેટ તન્નાનાં પત્ની થોડી વાર ઊભાં રહી પાછા નિશ્વાસ સાથે દાદર ઊતરી ગયાં. એડવોકેટ તન્ના લાઈટની સ્વીચ ઓફ કરી ટેબલ પર માથું ઢાળી ખુરશી પર બેસી રહ્યા.
      ક્ષણ ક્ષણ ખરતી રહી.....
- પપ્પા !
      અંધારાને ચીરતો એક નાજુક સ્વર એડવોકેટ તન્નાના કાને અથડાયો. તેમણે ટેબલલેમ્પની સ્વીચ ઓન કરી. ટેબલ પર પડેલી તસવીર પ્રકાશમાં ચમકી ઊઠી. તેમણે ઓરડામાં ફેલાયેલા આછા અજવાશમાં બારણાં તરફ જોયું. તેમની નાની દીકરી રિંકુ રડમસ ચહેરે ઊભી હતી. વરસી પડવા તૈયાર જલસભર વાદળી જેવી રિંકુની આંખો જોઈ તેમણે અનાયાસે રિંકુ તરફ હાથ લંબાવ્યાં. અર્ધુંપર્ધુ સમજેલી રિંકુ એડવોકેટ તન્નાને ખભે માથું મૂકી હિબકતી હતી.
- પપ્પા, હું તમને છોડી ક્યાંય નહીં જાઉં. હું તમારી પાસે જ રહીશ પપ્પા. હંમેશાં પાસે જ રહીશ. તમે જમી લ્યો પપ્પા જમી લ્યો....
      કોઈ તંગ બાંધેલું કાપડ જાણે ઓચિંતું ચિરાયું.
- તને આ શું સૂઝયું માલા ! મારી દીકરી તું અત્યારે ક્યાં છો? તને ક્યાં ગોતું ?
      એડવોકેટ તન્ના રિંકુની ઉંમરના બની ગયા.
      બંને ખભા ભીંજાતા હતા. ઓરડામાં ઘટ્ટ થઈ ગયેલી ઉદાસી ધીમે ધીમે પીગળતી હતી.

[નવનીત સમર્પણ એપ્રિલ – ૧૯૯૭]


0 comments


Leave comment