5.6 - બસ લગે રહો, વહેતા રહો...../ સંવાદ / જ્વલંત છાયા


     લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં એક ઘરડા ઘરનું નામ હતું સેકન્ડ ઇનિંગ્સ હાઉસ જેમાં જીવનનો ઉત્તરાર્ધ જીવી રહેલા વૃધ્ધો રહેતાં હતાં. ખૂબ જુસ્સા જોમ અને લાગણીથી રહેતાં હતાં. ઉંમરની રીતે સેકન્ડ ઇનિંગ્સ એટલે ૫૦ કે ૫૫ વર્ષ પછીનો ગાળો. પરંતુ ઉંમર તો માણસે જીવનને આપેલું આંકડાનું પાંજરું છે. બાકી આમ જોઈએ તો જિંદગી અત્યંત સળંગ છે અને એમાં નિર્ણાયક વળાંક કે પછી કપરું ચઢાણ અને લપસી પડાય એવો ઢાળ ક્યારે આવી જાય તે નક્કી નથી હોતું. કોઈ એક મોટો ધક્કો કોઈને લાગે, સેટ બેક અનુભવાય તે પછી ફરીથી સક્રિય થવું, જીવવું અને જીવંત રહેવું તે પહેલી ને બીજી ઇનિંગ્સ જેવા વિભાજનથી અલગ તબક્કો છે. ભારતનો ક્રિકેટર યુવરાજસિંઘ કમનસીબે ગંભીર બીમારીમાં સપડાયા પછી સદનસીબે એક એવા તબક્કે આવીને ઊભો હતો જ્યાંથી નવી શરૂઆત તેણે કરી હતી. હતાશ થઇ જવાય, દિશાહીન થઇ જવાય તેવી સ્થિતિમાં પણ લાખો ક્રિકેટ પ્રેમીઓનો માનીતો ક્રિકેટર યુવી હસતા ચહેરે દેશમાં પરત આવ્યો હતો.

      મહત્વનું એ નથી કે યુવીની સેકન્ડ ઇનિંગ્સ કેવી રહી, તેની ગેમ કેવી હતી ? કેમોથેરાપી જેવી ટ્રીટમેન્ટની ગરમીનાં કારણે તેના સેલ્સની સાથે બળતા વાળ તો દેખાય પરંતુ જીવનના અરમાનો બળીને ખાખ થઇ જાય તે દેખાતાં નથી હોતાં અને તેવી સ્થિતિમાં પણ હસતા મુખે એમ કહેવું કે હું જીવીશ કે ટકીશ તે ખરેખર જીવન છે. યુવરાજસિંઘ પ્રતીક છે એવા અનેક લોકોનું જેઓ શારીરિક, માનસિક સંઘર્ષ અને ઘર્ષણમાંથી માર્ગ કાઢીને જીવનની યાત્રા આગળ ધપાવી રહ્યા છે. આખરે શું છે જીવન? ગુલઝારની કવિતામાં કદાચ જવાબ છે, ‘જિંદગી ક્યા હૈ જાનને કે લિયે ઝિંદા રહેના બહુત જરૂરી હૈ’ કોઈ આશાસ્પદ ક્રિકેટર કે કલાકારનાં જીવનમાં જ્યારે આવો સંઘર્ષ આવે અને તેનું કમબેક થાય તે પછીની ઘણી બાબતો પર લોકોનું ધ્યાન હોય છે અને મોટે ભાગે આવા વિરલાઓ જ જીવતાં કે મૃત્યુ પછી દાસ્તાન બની જાય છે.

      ક્રમમાં ન પડીએ તો સ્ટીવ જોબ્સ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં કોઈ સિદ્ધિ કે સફળતા તેના નામે નહોતી. પરંતુ ઉંમરના એક પડાવ બાદ તેણે જે કંઈ કર્મો કર્યા તેનું ફળ આપણને એપલ સ્વરૂપે મળ્યું. આપણે એવું માની લઈએ છીએ, વર્ષોથી રૂઢ પરંપરામાં જીવીએ છીએ કે બીમારી આવે, એક્સિડન્ટ થાય, કોઈ મોટી પછડાટ લાગે એટલે બધું જ પૂરું થઈ ગયું. ક્યારેક એવું બને કે તે જ શરૂઆત પણ હોય છે.

      નેલ્સન મંડેલાની આત્મકથા ‘લોન્ગ વોક ટુ ધ ફ્રિડમ’માં તેણે આફ્રિકાની જેલમાં જે કાળી યાતનાઓ ભોગવી તેનો ચિતાર છે. જે સામાન્ય માણસ કદાચ દસ દિવસ પણ તે રીતે જીવી ન શકે. પરંતુ મંડેલા ૨૭ વર્ષ સુધી કેદમાં રહ્યા. માણસ તન અને મનથી તૂટી જાય, નસો બહાર દેખાઈ આવે અને શ્વાસની ઘૂંટન વધતી જાય તેવી સ્થિતિમાં કેદમાંથી બહાર આવ્યા બાદ નેલ્સન મંડેલા નેશનલને બદલે ઇન્ટરનેશનલ હીરોઝની હરોળમાં મુકાઈ ગયા. તેમનો આદર્શ હતાં ગાંધીજી. યુવરાજે પણ કહ્યું છે કે પોતે સાઇકલિસ્ટ લાન્સ આર્મ્સસ્ટ્રોંગનું જીવન જોઈને જીવવાની પ્રેરણા લઇ રહ્યો છે.

      લાઈફમાં આવું બનતું હોય છે. બીઝનેસ હોય કે પોલિટિક્સ, પ્રોફેશન હોય કે ક્રિએશન, એક તબક્કો પ્રશ્નાર્થોથી ભરેલો નિરાશાથી છલોછલ આવે અને ત્યારે હતાશા આપણને ડૂબાડવા ઘૂઘવતી હોય, પરંતુ જેમ મરીઝ કહે છે કે, ‘ખુશ્બુ હજીયે બાકી છે, સૂંઘો જરી મને; હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.’ એમ આવા જીવન ઘણીવાર ખરતાં પાંદડાં જેવા નથી હોતાં, વીતેલી વસંત જેવાં હોય છે અને વીતેલી કોઈપણ ઋતુ પાછી આવતી હોય છે. યુવરાજનાં કમબેક માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હતાં. ઇન્શાલ્લાહ તે પ્રાર્થનાઓ ફળી કારણ કે આપણે ત્યાં કમબેકનાં કિસ્સા, પુન:શરૂઆતના કિસ્સા ઓછા નથી.

      ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાથી નિરાશ થઇને રાજ કપૂર લાઈટ, સાઉન્ડ, કેમેરા લઈને ઘરમાં નહોતા બેસી ગયા, પરંતુ જોકર કાં તમાશા ખત્મ નહીં હોતાં તે વાતને અનુસરીને તેમણે તે પછી ‘બોબી’ અને ‘સત્યમ શિવમ સુંદરમ’ જેવી ફિલ્મો બનાવી. આ જ બોલીવુડમાં અમિતાભ બચ્ચનની સેકન્ડ ઇનિંગ્સ માથે ઘસવાનાં તેલથી શરુ કરીને ગુજરાત ટૂરિઝમની એડ સુધી વિસ્તરી ગઈ છે અને તેમાં બ્લેક, આંખે, અક્સ, બાગબાન, નિ:શબ્દ, ચીનીકમ સહિતની ફિલ્મોનો પણ સમાવેશ છે.

      ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પણ સોળ વર્ષે ફરી દાવમાં આવ્યા હતાં અને પછી કેવું રમ્યા હતાં તે ગુજરાતનાં રાજકીય ઈતિહાસનું બોલ્ડ ટાઈપમાં છપાયેલું પાનું છે. ઈમરજન્સી પછી ચુંટણીમાં હારી ગયેલાં ઇન્દિરા ગાંધી પુન: ચૂંટાયા પછી ઓપરેશન બ્લ્યૂ સ્ટાર કરાવી શકે તેવી ક્ષમતા આપણે સૌએ જોઈ છે. આવાં સેંકડો ઉદાહરણો મળી શકે. સવાલ એ છે કે કોઈ પણ સ્થિતિમાંથી બહાર આવવાનો અભિગમ જોઈએ. અલબત્ત એવો પણ વિચાર છે કે, કોઈ સ્થિતિનો વિરોધ શા માટે કરવો ? ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરાખરો ફોક કરવો.’ વિકટ પરિસ્થિતિમાંથી મજબૂત બનીને બહાર આવવું તે માણસનો ધર્મ છે. કોઈ પણ સ્થિતિને સ્વીકારીને સમતા ધારણ કરવી તે અધ્યાત્મ છે. બેમાંથી કંઈ ન થઈ શકે તે જીવનની વાસ્તવિકતા છે. આ આખો વિચાર યુવરાજસિંઘનાં પુનરાગમનની આસપાસ ઘૂમ્યો હતો એટલે આ અભિગમની વાતમાં પણ સ્પોર્ટ્સની જ અનાયાસે વાતો આવી રહી છે. જર્મન સ્પોર્ટ્સમેં ફ્રાન્ઝ બેકન બાવરે એક હાર પછી કહ્યું હતું કે, હું ધૂમાડો બનીને અદૃશ્ય તો નહીં જ થઇ જાઉં અને બ્રાઝીલનાં કોચ ઝાગાલો કહે છે ‘જીવનનાં દરેક ક્ષેત્રમાં નસીબ મહત્વનું અંગ છે.’ યુવરાજસિંઘ જેવા હજારો લોકોનાં જીવન કેવાં હોય છે ? પ્રસિદ્ધ ટેનિસ વિરાંગના માર્ટિના નવરાતિલોવાએ કહ્યું હતું, ‘જો તમે કોઈ વસ્તુમાં પૂર્ણ શ્રધ્ધા રાખો છો, જો તમે નક્કી જ કરો છો કે બસ આમ થશે જ તો તે થઈને જ રહે છે.’ અમેરિકાની ફૂટબોલ ટીમના કોચ વિન્સ લોમ્બાર્ડ ગ્રીન બે પેકર્સ નામની ટીમને સંબોધતા કહ્યું હતું કે, ‘જો તમે પરાજયને સ્વીકારતાં જ રહેશો તો ક્યારેય જીતી શકશો નહીં, જો તમે ચાલી શકો છો તો તમે દોડી પણ શકશો અને ત્રીજી વાત, કોઈને ક્યારેય વાગતું નથી. જે વાગે છે તે ફક્ત મનને વાગે છે.’

      કાબિલે ગૌર વાત છે કે ક્યારેય પણ, ક્યાંય પણ, કાંઈ પણ વાગે છે લાગે તે મનને જ હોય છે અને જ્યારે તેની સારવાર ન થાય ત્યારે મુશ્કેલી સર્જાતી હોય છે. બાકી તો ફિનિક્સ પક્ષી વિશે એવું કહેવાય છે કે તે પોતાની જ રાખમાંથી પોતાની કાયાનું પુન:સર્જન કરે છે. એટલે માણસ પણ તૂટેલી જિંદગીનું પુન:સર્જન ફિનિક્સની જેમ કરી શકે અને તેણે તે કરવું જોઈએ. ન જ થઇ શકે તો? નિરાશા ઘેરી વળે તો, બધા યુવી જેવા મહાન ન થઇ શકે તો? હા, ન પણ થાય. આખરે આ તો જિંદગી છે યાર.

      ડૉ. જાતુષ જોશીનો એક સુપર્બ શેર છે જિંદગી વિશે : ‘મેં નદીને જીવવાની રીત પૂછી, તે કશું બોલી નહીં વહેતી રહી ખળખળ....’


0 comments


Leave comment