5.5 - સમય પોતે છે પ્રશ્ન વિરામ, સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ...? / સંવાદ / જ્વલંત છાયા


      એક પ્રચલિત ઉક્તિ છે ' સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન....' ખરેખર અર્જુન જેવું વિરત્વ, કૌશલ્ય હોય છતાં કાબાના હાથે માણસ લૂંટાતો આવ્યો છે. ચડતી-પડતી , સુખ દુઃખ સારું - નરસું, સફળતા , નિષ્ફળતા બધું જ એક રીતે સમયના ખેલ છે,રમત છે 

      ફ્રાન્સિસ બેટન કહે છે કે સમય જ સફળતા કે નિષ્ફળતાનું માપ છે. સફળ-નિષ્ફળ જેવું કંઈ નથી એટલે સમયની સહાય બોલચાલમાં કે જ્યોતિષશાસ્ત્રની ચર્ચા વખતે એવો ઉલ્લેખ થાય છે, આટલો સમય ખરાબ છે, આ પછી સારો સમય છે વગેરે વાસ્તવમાં સમય સારો કે ખરાબ નથી, સંજોગો સારા કે ખરાબ હોઈ શકે, સમય તો બસ સમય છે નિરંતર બધું જ જાણે જોયા કરે છે. સમયના વહેણમાં ક્યાંય ઠહેરાવ નથી , ક્યાંય મુકામ નથી , માણસ ચાલે છે, દોડે છે, પડે છે, આરામ કરે છે, મરી જાય છે પણ સમય તેનું આધિપત્ય ધરાવે છે. સૌન્દર્યવાન ચહેરા પર કરચલી પડતી જાય છે, જિંદગીનો ચહેરો પણ ક્ષણ-દિવસો-વર્ષો જેવી કરચલીઓથી ભરાઇ જાય છે . હજારો લોકોની કતલ કરાવતો હિટલર કે સેંકડોની હત્યા કરનાર ડાયર પણ કાળને નાથી શક્યો નથી અને સ્વયં સમય પણ જેનો આદર કરતો હોય તેવા ગાંધીજી ની છાતીમાં પણ સમય આવ્યે ગોડસે એ ગોળી ધરબી દીધી.

      ટાઈમ, અવધિ, ગાળો જે કાંઈ શબ્દો ઉપયોગમાં લઈએ તે. સારું કે ખરાબ જે લક્ષણ માનીએ. સમય બસ સતત ચાલતો રહે છે. ઘણીવાર જિંદગી એવી વમળાઇ ગઈ હોય અને પ્રશ્નાર્થો સિવાય કંઈ હોય નહીં ત્યારે થોડી પાછલા દિવસો માં નજર કરી લેવી જોઈએ. એમ થશે કે ઓહો આ ઘટનાને 3 વર્ષ થઈ ગયા! આતો હજી હમણાં જ બન્યુ તું! હા, કાલ બનેલી વાત લાગે તેને મહિનાઓ વીતી જાય છે. આજે જે બને છે તેને મહિના વીતી જશે . સમય ક્યારેય અટકે નહીં, અટકી શકે નહિ તેથી જ કદાચ આ પૃથ્વી ટકી રહી છે. કોઈ શ્રદ્ધા, કોઈ આસ્થા જ્યારે ન બચે ત્યારે એક આશ્વાસન છે,સમય છે, ચાલ્યો જશે , જિંદગી ભલે એક દિવસમાં વિતતી હોય પણ એકંદરે ફાસ્ટ હોય છે ! પૃથ્વી રાજ કપૂર જ્યારે બહુ વ્યથિત રહેતા ત્યારે એક વાક્ય બોલતા 'યહ દિન ભી ચલા જાયેગા.' મૂળ તો આ કૃષ્ણમૂર્તિનો વિચાર છે.

      પ્રતિકૂળ સમયનો ઈલાજ પ્રતિકૂળ સમયની દવા શું ? બે જ વસ્તુ આપણને સમય ભુલવામાં મદદરૂપ થાય, આનંદ જે કેન્ઝ્યુમ કરે છે, અને જે શક્તિ આપે છે, હમણા આપણો સમય નથી, કુદરતનો સાથ નથી, નસીબ સારા નથી તેવું કહી હાથ જોડી બેસી રહેનારા ઘણાં છે પણ એ યોગ્ય રીત નથી.યોગ્ય સમય તેની નિશ્ચિત ઘડીએ જ આવશે , આપણા પ્રયાસો ચાલુ રહે તે જરૂરી છે. ઘણી વાર બધું જ વીતી જાય પછી અફસોસ રહે છે.

      થોમસ બોટનું એક સરસ વાક્ય છે કે, 'આપની પાસે જેટલો સમય હોય છે તેનાં કરતાં જરા પણ વધારે સમય હોતો નથી પણ જે હતો તેમાંનો ઘણો સમય આપણો હતો.' ઓશોની એક દ્રષ્ટાંત કથા આજના સંદર્ભે મુકવાનું મન થાય છે, એક માછીમાર દરરોજ દરિયા કિનારે જાય, માછલી પકડે. એક વખત વહેલી પરોઢે પહોચ્યો. અંધારું હતું, તેને રસ્તામાં મોટો ઢગલો પગમાં અથડાયો કપડામાં પથ્થર જેવું કંઈક વીંટેલું હતું, માછીમાર એક એક પથ્થર દરિયામાં ફેંકતો ગયો , સૂર્યોદય થયો, અચાનક ધ્યાન ગયું તો એ પથ્થર નહિ પણ હીરાના ટુકડા હતા. કમનસીબે માછીમારનાં હાથમાં હીરાનો એક જ ટુકડો બચ્યો હતો , બાકી બધું દરિયામાં ગયું! સમય હીરા જેવો જ છે, મૂલ્યવાન અને ચમકતો પણ આપણા હાથમાંથી ક્યારે સરી જાય છે તેની ખબર પડતી નથી અને બેકને કહ્યું છે સમયની પસંદગી કરવી એ પણ સમયનો એક રીતે બચાવ કર્યા બરાબર છે.

      એડવર્ડ યંગ કહે છે, 'આપણે સમય પાસેથી કોઈ શીખ લેતા નથી, તે જતો રહે છે પછી જ કંઈક શીખીએ છીએ !' અને આપણે કહીએ છીએ સમય પસાર થાય છે, સમય જાય છે, ઓસીન ડોબસન કહે છે , 'સમય જાય છે એવું તમે કહો છો? ના સમય સ્થિર છે, આપણે જઈએ છીએ.' આમ તો વાત સાચી છે કાળચક્ર છે, સમય બદલાય છે પણ જાય છે ક્યાં ? દિલ્હીના લાલ કિલ્લામાં દરરોજ સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે, જેમાં ભારતમાં મોગલ શાસનકાળના સૈકાઓ અને છેક આઝાદી સુધીનો ઇતિહાસ આહલાદક રીતે સંભળાવે છે. આ શો જોતા જોતા મારી નજર અચાનક આકાશ તરફ ગઈ હતી. એક સ્ટાર દેખાયો અને વિચાર આવ્યો કે આ તારાએ કે આકાશના અન્ય અવિચળ તારા કે ચંદ્ર એ તો આ યુગ સાચેસાચ પણ જોયો હશે ને ! યુગોની ગૌમુખેથી નીકળતી ગંગાને પર્વતો કેટલાયે સમયથી જોઈ રહ્યા છે .

      સમય સર્પ જેવો છે આગળ ઘસતો જાય છે નિશાન છોડતા જાય છે, આમ જોઈએ તો એ કેવો અખંડ, અભિન્ન, અદ્વૈત છે! હરપ્પા અને મોહન-જો-દરો ના અવશેષો મળ્યા, કોલંબસ અહીં આવવા નીકળ્યો અને પહોંચી ગયો અમેરિકા. એ માહિતી મળી વાસ્કોદગામા અહીં આવી ગયો એ વિગત આવી અને પારસીઓ સંજાણ બંદરે ઉતાર્યા અને મોગલોએ કિલ્લા બાંધ્યાં. કુતુબમીનાર અને તાજમહાલ આપ્યા. રાજસ્થાનમાં રાજાઓએ કિલ્લા મહેલો બંધાવ્યા સમયનું જાણે સ્મારક બનાવવા હોય તેમ અને આવી ઇમારતોમાં આવા સ્થાપત્યોમાં સમય જડાઈ ગયો છતાં જડ નથી.

      આપણે ઇચ્છીએ કે અમુક તબક્કો અમુક મુસીબતો કે માનસિક બોજો, રાજકીય- આર્થિક કટોકટી જલ્દી પસાર થઈ જાય , જીવનના અમુક દિવસો ઝડપથી જાય તો એ બનતું નથી. અને ક્યારેક કોઈ ગમતી પળને સાચવવી હોય, તેની શાશ્વતતા વધારવી હોય તો એ પણ શક્ય નથી. 'દિન જો પંખેરુ હોતે પિંજરે મેં મે રખ લેતા' . પણ સોરી એવું ન બને, સમય છે તેને પસાર થયે જ છૂટકો અને એજ વાત ક્યારેક આશીર્વાદરૂપ હોય છે ને કે કપરી ઘડી પણ ટકતી નથી. ગઈ કાલે કે એ પહેલાં આપણે ચડ્ડી પહેરતા, તોફાન કરતા, રખડતા, શેરી ગાજવતા, દડાથી કોઈની બારીના કાચ ફોડતા - આજે હવે કાચ ફોડનાર બાળકોને કદાચ ધમકાવી એ છીએ, ડહાપણ ઘેરે છે. આપણને હિલસ્ટેશન પર પણ મોબાઈલ ફોન આપણા રણકે છે, ચહેરા પરથી નિર્દોષતા ક્યાંય ચાલી ગઈ છે, મૂછ આવી ગઈ છે ને કાલે સંતાનોના ભણવાની ચિંતા થતી હશે, વાળ સફેદ હશે અથવા હશે જ નહીં અને ત્યારે આપણેય કહેતા હશું, ' હવે બધું બદલાયું અમારા સમય માં તો .....'

      અમારો સમય? સમય ક્યાં ક્યારેય કોઈનો હતો કે છે, સમય પોતે જ છે. અપને એની પાસેથી બધું ઘણું શીખવાનું છે, માત્ર ચોપડીઓની કે ઉપદેશી નહિ. સાચી વાત છે કે મુશ્કેલીમાં, માનસિક તાણમાં આપણે સમગ્ર માનવજાતની નજીક આવીએ છીએ, આપણી ભૂલો આપણી મર્યાદાઓ પર એવે વખતે પ્રકાશ પડે છે. એ સમય એ ક્ષણ વીજળીનો ચમકારો હોય છે અને એમાં મોતી પરોવવાનું હોય છે. સમય ઘણું શીખવે છે. સમય સાચો શિક્ષક છે અને હેક્ટર બર્લિઓઝ કહે છે, 'સમય મહાન શિક્ષક છે, કમનસીબે એના બધા વિદ્યાર્થીને એ મારી નાખે છે.'

      આપણે કાંઈ નહિ કરીએ તોય સમયના વહેણમાં જિંદગી વહેવાની છે, કાળના વિરાટ સાગરમાં આપણે એક બિંદુ બનીને વિલીન થશું. કોઈ જાણશેય નહીં અને એટલે જ આવા વહેણમાં આપણે બિંદુ જન બની રહેતા ક્યાંક છાલક તરીકે, ક્યાંક લહેર તરીકે દેખાઈએ તેવો પ્રયાસ કરવાનો છે . વિશ્વને અનેક વિભૂતિઓ મળી છે અને છીનવાઈ ગઈ છે. પ્રત્યેક ક્ષેત્રે મહાન ઘટના જેવા,લોકો તેમના વિચારો સમય સાથે આવ્યા અને ગયા, કેટલાકને સમયે માર્યા, કેટલાક ગાંધીજી જેવા સમય પર પોતાની છાપ મારતાં ગયા !

      ક્યારેક પ્રશ્નાર્થ કે વિટંબણા બની રહેતો સમય જ તેના આ વહેવાના સ્વભાવને લીધે રાહત આપનારો પણ બની રહે છે. આપણે ત્યાં કહેવત છે, 'દુઃખનું ઓસડ (ઔષધ) દહાડા'. ઓવિડ નામના લેખકે કહ્યું હતું : ટાઈમ ઇઝ ધ બેસ્ટ મેડીસીન, સમય શ્રેષ્ઠ દવા છે ! કોઈપણ દુઃખ, વ્યથા, મુશ્કેલીના આપણે અનેક માર્ગો વિચારીએ છીએ, કાઢીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સમજાવટ અને સમાધાન કરીએ છીએ, ક્યારેક સંઘર્ષ લંબાય તો ભાંગી પડીએ પણ બપોરે સૂર્યાસ્ત થવાની અપેક્ષા ક્યારેય ફળતી નથી, સમય ગયા પછી એ સમસ્યા જ નથી !

      મહાભારત સિરિયલ નો પ્રવક્તા સમય હતો 'મે સમય હું, મેરી આંખો કે સામને કુરુવંશ આયા, યુદ્ધ હુઆ,..... વગેરે વગેરે એ સમય બોલતો માત્ર એક ચક્ર દેખાતું સમય શુ છે? લખ્યું છે'

      'જોગી ચલો ગેબને ગામે સમય પોતે છે પ્રશ્ન વિરામ સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ ?'
      આ સમય છે જેનું ક્યાંય પૂર્ણવિરામ નથી, સવાર સમય છે, બપોરે સમય છે , સાંજ-રાત સમય છે. આપણી આંખો આ બધું જ જોઈ શકે છે છતાં સમય નિરાકાર છે. શુ છે સમય? ઓગસ્ટિન નામના સંતે કહ્યું હતું શુ છે સમય ? મને જ્યાં સુધી કોઈ પૂછતું નથી ત્યાં સુધી મને ખબર છે, પૂછનારને જો સમજાવવા બેસું તો મને જાણ નથી કે સમય શુ છે?


0 comments


Leave comment