5.8 - ગોડ પાર્ટિકલ્સ: કઈંએ હતું નહીં ત્યાં બધું દીધું ઉજાળી / સંવાદ / જ્વલંત છાયા


      'અનંત બ્રહ્માંડોને સહજલીલાથી ઘુમાવતા ને એક અણુના પેટાળમાં પણ પોઢેલા પરમાત્મ-તત્વને પિછાનવું સહેલું નથી, એને પામવા માટે મનુષ્યમાં ત્રણ શક્તિ પડેલી છે, પ્રેમ, ઇચ્છાશક્તિ અને જિજ્ઞાસા. ખુદ અધિકારો માટે લડતી ઇચ્છાશક્તિ જો આત્મજય તરફ્ આગળ વધે તો પરમશક્તિના બારણા સુધી પહોંચે અને સ્થળકાળના સીમાડા ભેદી જો જિજ્ઞાસા આગળ વધે તો જીવનમૃત્યુનું રહસ્ય તેનાથી અછતું ન રહે.’

      મકરંદ દવેના આ અવતરણને આધાર માનીને વાત શરૂ કરીએ તો સંખ્યાબંધ જિજ્ઞાસુઓની પ્રતીક્ષાને એક પડાવ મળ્યો છે. પિટર હગ્સિ નામના વૈજ્ઞાનિકે દાયકાઓથી ચાલતા સંશોધનને એક મુકામ આપ્યો છે અને તેમણે જાહેર કર્યું છે કે એવા કણ મળી આવ્યા છે જેને બ્રહ્માંડની ઉત્પતિ સાથે સંબંધ છે. ગોડ પાર્ટીકલ એવું નામ તેને આપી દેવાયું છે જે કદાચ વહેલું પણ છે. અત્યારે તો તે ફક્ત ભૌતિક કણ છે એટલે ઈશ્વરના અસ્તિત્વ સુધી પહોંચાયું તેમ તો માની ન શકાય પરંતુ વિજ્ઞાન કે રેશનાલઝિમની આ દલીલ સામે આપણું દર્શન એમ કહે છે કે ઈશ્વરને પામવા દૂર જવાની ક્યાં જરૂર જ છે? સર્ન લેબોરેટરીએ શોઘેલા કણ ઈન્શાલ્લાહ ગોડ પાર્ટીકલ હોય તો સુબ્હાન અલ્લાહ! બ્રહ્માંડ રચાયું તેનું પગેરું મળ્યું પરંતુ કદાચ તેમ ન હોય, તો પણ આપણી પાસે વિજ્ઞાનનો નહીં પણ શાસ્ત્રોનો તો આધાર છે જ જે એમ માનવા પ્રેરે છે કે કણ કણમાં ભગવાન છે. જે શોધ થઈ છે તેને ગોડ પાર્ટીકલ કહેવાયા છે. વાસ્તવમાં તે ગ્રામ પાર્ટીકલ્સ છે,પરંતુ આ વિજ્ઞાન અને વિદ્વાનનો વિષય છે.

      ગોડ પાર્ટીકલ નામ જ એવું છે કે આપણને રોમાંચ થાય થાય ને થાય જ! વિજ્ઞાનની આજની શોધને ચેલેન્જ કરવાની કે પેલા ટિપિકલ ‘ઈન્ડિયન ઈગો'ની વાત નથી કે આપણે ત્યાં બધું હતું જ, એ લોકો લઈ ગયાં ! નો, નો,એમ નહીં પણ જે વિચાર યુગો પહેલાં અહીં થયો તે ક્યાંક ને ક્યાંક હતો જ. સૌથી પહેલાં તો એક વાત ચોખ્ખી કરી લઈએ કે આ ‘ગોડ પાર્ટીકલ અને ભારતીય આઘ્યાત્મ’ એ વિષય મહાસાગર જેવો છે અને આપણે જસ્ટ તેના કિનારે પગ બોળવા ઊભા છીએ,ન્હાવા
પણ નહીં… ફક્ત પગ બોળવા.

      કણ કણ માં ભગવાન, ભારતમાં જન્મીને ઉછરેલા માણસના કાને આ શબ્દ સંખ્યાબંધ વાર પડ્યો હશે. આપણા ઉપનિષદોના પાને પાને આ વાત પથરાયેલી પડી છે, જે ઈન્સ્ટીટ્યૂટે આ મહાન શોધ કરી તે સર્નના પટાંઞણમાં નટરાજની વિરાટ પ્રતિમા છે. શિવનું તાંડવ આપણી થિયરી અનુસાર લયનુ પ્રતીક છે. ગોડની આપણી વ્યાખ્યા જનરૅટર(બ્રહ્મા), ઓપરેટર(વિશ્વ) અને ડિસ્ટ્રોયર (વિનાશકારી-વિસર્જન દ્વારા સર્જન)ની છે. આ ત્રણેય દેવ ઉત્પતિ, સ્થિતિ અને લયના દેવ છે. એ જ નટરાજ-સતસ્ષ્ઠિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ:… ત્યાં લેબોરટરીંના દરવાજા પાસે બિરાજે છે તે સાંકેતિક અને સૂચક છે.

      આપણે ત્યાં ઉપનિષદના ઋષિએ યુગો પૂર્વે ઞાયું, 'ઈશાવાસ્ચમ સર્વમઇદમ, યદકિંચના જઞત્યંજઞત, તેન ત્યક્તેન ભૂંજિથા મા ગ્રધ કારયાવિઘ્મનમ'. એટલે કે સમસ્ત જગતમાં જે કાંઈપણ જડ અને ચેતનાત્મક્ છે. તે સઘળુ ઈશ્વરથી વ્યાપી છે એ ઇશ્વરને સાથી રાખી. ત્ચાગીને ભોગવતા રહો. કેન ઉપનિષદના પ્રથમ અઘ્યાયનો આઠમો શ્લોક કહે છે, કર્ણ થકી ના સંભળાય, પણ જેથી કણો બળ પામે તે જ બ્રહ્મ છે, નથી નથી તે સુણવામાં જે કૈં આવે. . .જેને કાનથી નથી સાંભળી શકાતું પરંતુ જેના થકી કાન સાંભળી શકે છે તેને જ બ્રહ્મ જાણ. આ કેનોપનિષદની શરૂઆત જ જિજ્ઞાસા ભર્યા પ્રશ્નથી થાય છે, ‘કેન સ્થિનમ પતતિ પ્રેશીતમ મનઃ.' કઈ શક્તિથી પ્રેરાઈને મન વિષયો તરફ જાય છે, કાબૂ કરે છે કોણ પ્રાણ પર,કોણ શક્તિ દે છે નેત્રોને, કર્ણ શક્તિ ક્યારે પામે છે? અને જવાબરૂપે કહેવાયું છે. જેનું બળ આંખને મળે તે બ્રહ્મ છે. જેનાથી વાણી બળ પાસે તે બળ છે.

      ક્ઠોપનિષદના બીજાં પ્રકરણનોં શ્લોક પણ આ ગોડ પાર્ટીકલની વાત કરે છે. ‘અનોરાનિયન્માહતો...' એટલે કે, જીવમાત્રના હૃદયે રહે છે સૂક્ષ્મ આ પરમાત્મા. ચોથા પ્રકણમાં પણ એ જ સંઘાન છે, ત્રણ કાળ તણો જ્ઞાતા, શાસનકર્તા તે પરમાત્મા અંગૂઠાના માપ જેટલો સૌના હ્યદય મહીં ય રહે.

      ઉપનિષદે જે ક્હ્યુ તે ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને કહેલા ૧૮ અઘ્યાયોમાં પણ અનેક જગ્યાએ છે. ‘અહમ વૈશ્વાનરો ભુત્વા, પ્રાણીનામ દેહમાશ્રિતઃ' અહં સર્વસ્ય પ્રભવો મત્ત:સર્વ પ્રવર્તતે, ઈતિ મત્વા ભજન્તેમાં બુઘા ભાવસમિન્વતા: કૃષ્ણ કહે છે, ‘દોરમાં પરોવાયેલા મોતીઓની જેમ બધું મારામાં પરોવાયેલું છે’   'સુત્રે મણગિણા ઈવ. જળમાં રસ હુ છું, ચંદ્ર-સૂર્યની પ્રભા હુ છું, વેદોમાં ઓમકાર હુ છુ’ આકાશમાં શબ્દ હુ છું, પૃથ્વીમાં ગંદા, અગ્નિમાં તેજ, પ્રાણીઓમાં જીવન હુ, રહસ્યોમાં હુ મૌન છું’ આ જ કૃષ્ણ જયારે બાળક હતા અને માટી ખાધી ત્યારે તેનું મોં ખોલાવ્યુ ને ઓવર ટુ હરીંન્દ દવે, ‘જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ. …’

      આખરે આપણે સૌ ઈશ્વરનો અંશ છીએ. કણ કણમેં ભગવાન, આપણે એમ કહીએ કે જણ જણમેં ભગવાન તો? આત્મા-પરમાત્મા જીવ-શિવની થિયરીઓ છે જ ને? આવું અનેકરંગી આકાશ, આવા તારા, નક્ષત્રો, પુષ્પો, પતંગિયાં એ શું છે? 'તુ ઈસ તરહા સે મેરી જિંદગીમેં શામિલ હૈ, જહાંભી જાઉં યે લગતા હૈં, તેરી મહેફિલ હૈ!' કલાપીની પેલી ગઝલનું ભાષાંતર લાવે છે તે? 'જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, જયાં જયાં ચમન જયાં જયાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની.' 

      ઇશ્વરના આ સર્વવ્યાપકપણાને નરસિંહ મહેતાએ ગાયું, ‘નીરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે. ’ ‘ફૂલને ફળ તે તો વૃક્ષના જાણવાં થડ થકી ડાળ નવ હોય અળગી' ‘વેદ તો એમ વદે શૂચિ, સ્મૃતિ સાખ દે કનક ફૂંડળ વિશે ભેદ તો વે,’ ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે... ’ આ અદ્વૈત એટલે જ કણ કણમાં ઈશ્વર. કબીરે કહ્યું, ‘મો કો કહાં ઢૂંઢે બંદે મૈં તો તેરે પાસ રે, ના મૈ દેવલ ના મૈ મસ્જિદ, ના કાબે કૈલાસ મે’ ઇશ્વર આપણી પાસે, આપણી અંદર જ છે,  તુલસીદાસ કહે, સિયારામ મય સબ જઞજાનિ તેનો અર્થ શું? સમસ્ત વિશ્વ સિયારામમય હોવું એટલે આ જ ઈશ્વરના કણ કણ પથરાયાં છે આ જગમાં! હરિઑમ શરણે ગાયેલું એક ભજન પણ એ જ કહે છે, ‘ના યે તેરા ના યે મેરા મંદિર હે ભગવાન કા, પાની ઉસકા, ભોમી ઉસી કી સબક્રુછ ઉસી મહાન કા...’ અને નૂસરત ફ્તેહ અલી ખાંએ ગાયેલી પ્રસિધ્ધ રચનામાં તેના શાયર નાઝ ખૈલાવી એ જ કહે છે, ‘કભી યહાં તુમ્હે ઢૂંઢા કભી વહાં પાયા હો ભી નહીં ઔર હર જા હો તુમ ઈક ગોરખ ધંધા હો.... હર ઝર્રેમે કિસ શાન સે તુ જલવા નુમા હે, હેરાન હૈ મગર અકલ કે કૈસા હૈં તુ ક્યા હૈ...’

      કદાચ વિજ્ઞાને આ તમામ પ્રશ્નોના જવાબમાં એક પગલું આગળ ભર્યું છે. અત્યાર સુધી જે બાબતો માટે ફકત ધર્મનો પાયો હતો તેને કદાચ હવે વિજ્ઞાનનો આધાર સાંપડયો છે. આ શોધ તો આજે થઈ છે, જે યુગોથી વેદોમાં લખાયું છે તે શું છે? કેમ અત્યાર સુધી આ બધું ફક્ત શાસ્રોમાં જ રહ્યું? વલ્લભ વિઘાનગરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડૉ. કમલનયન જોશીપુરા કહે છે, ‘આપણે એમ ચોક્કસ કહી શકીએ કે શાસ્ત્રોમાં છે તે બધું એક મહાન અને અતિશક્તિશાળી વિચાર રૂપે અસ્તિત્વ ધરાવતું, એ વખતના લોકો, ઋષિઓ કુદરતની વધારે નજીક હતા અને તેથી તેમને મૂળભૂત વિચારો સતત આવતા.’

      આ શોધ ગોડ પાર્ટીકલની જ છે કે નહીં તે તો વૈજ્ઞાનિકો કહેશે, આપણે વધુ એક મહાન ઘટનાના સાક્ષી બન્યા છીએ, ધર્મ કે વિજ્ઞાન આખરે બન્નેને શોધવું છે વિશ્વોત્પતિનું મૂળ ધર્મ અને વિજ્ઞાન બન્ને પોતપોતાના પથ પર આગળ વધે છે. કદાચ બન્ને એકમેક પર ન દેખાય તે રીતે આધારિત કે સમાન સ્તરે હશે! વિજ્ઞાનક્ષેત્રના 'તપસ્વી’ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, ‘જો બ્રહ્માંડમાં કોઈ આંતરિક્ સંવાદિતા ન હોય વિજ્ઞાન સંભવીં શકે નહીં. કુદરતી રચના અદ્ભુત છે અને આપણું કાર્ય કુદરતના એ ગાણિતિક માળખાંને શોધી કાઢવાનું છે. ઈશ્વર બ્રહ્માંડ સાથે જુગાર ખેલતો હોય એમ હું માનતો નથી.’

      આવું બધું વાંચી, સાંભળી, જાણી લીધા પછી ય એ પ્રશ્ન તો થાય છે કે આ દુનિયા છે શું ? તેની રચના કેમ થઈ હશે? કવિ શેલૈન્દે એક સવાલ પૂછ્યો હતો, ફિલ્મ ‘તીસરી કસમ'માં, 'દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ’ રાજેન્દ્ર શુક્લની ‘શ્રેષ્ઠ અંગની ગઝલ' નામની રચનામાં તેનો જવાબ છે,

ઈચ્છાની આપમેળે એણે દડીઉછાળી
બહુ એકલો હતો એ એણે આપવીતી તાળી
મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી
કંઈએ હતું નહીં ત્યાં દીધું બધુ ઉજાળી
ફૂંપણ થઈને કોળ્યો, ઝુલ્યો થઈને ડાળી
ફૂલછોડ થઈને આખર મઘમઘ થયો છે માળી
કરતા અકરતા બંને છે તે નથી કશું યે,
વીંટળાઈ ખુદ વળ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી
અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું
કેવો ગતકડું એનું ખુશ થાય છે નિહાળી!

(જૈન યુવક સંઘ મુંબઈ આયોજીત પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળામાં આપેલું પ્રવચન ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨)


0 comments


Leave comment