33 - રહેશું સ્હેજ અધૂરા / હરિશ્ચન્દ્ર જોશી
રહેશું સ્હેજ અધૂરા, સાંયા,
સુખના ચડે ડચૂરા, સાંયા.
અટકળની આંગળિયે વળગી,
પળિયા પંથ અહુરા, સાંયા;
ઇચ્છા ડાળે ફળ બેઠાં છે,
કાચાં કાચાં તૂરાં, સાંયા;
સંદેશો જળઅક્ષર લખિયો,
વાદળ-કાગળ ભૂરા, સાંયા;
પાંપણને અડક્યું ચોમાસું,
ડૂબ્યા પૂરેપૂરા, સાંયા;
નખલી ભીની શ્વાસે અડકી,
રણઝણ તન તંબૂરા, સાંયા.
0 comments
Leave comment