34 - ફરીથી / હરિશ્ચન્દ્ર જોશી


સ્મરણ વિસ્તરેલાં સજાવું ફરીથી.
ક્ષણનો પારદર્શક મઢાવું ફરીથી.

ઢળી રાત, અંધારની ધાડ પડશે,
સપન આંખને હું ભળાવું ફરીથી;

સમય ઘૂમતો હાથમાં લઈ કટારી,
અજાણી ક્ષિતિજે ન જાવું ફરીથી;

ત્વચાથી મળ્યું વાદ્ય અવનદ્ર છું હું,
ચડાવું, ઉતારું, બજાવું ફરીથી;

છલોછલ રહીને થવું રોજ ખાલી,
હશે શું ટપક્યું, ભરાવું ફરીથી ?

વળાંકે વળાંકે છે અફવાનાં ટોળાં,
મને તારવી કેમ લાવું ફરીથી ?


0 comments


Leave comment