37 - શું કરી શકો / હરિશ્ચન્દ્ર જોશી


અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
બેસે ન સ્વપ્ન આંખમાં તો શું કરી શકો ?

મન શોધતું ફરે છે ઉદાસીનાં કારણો,
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

લાગે કે એકઠું કરી લીધું બધું અને..
નીકળે ન કાંઈ ફાંટમાં તો શું કરી શકો ?

આકાશ તો યુગોથી પ્રતીક્ષા કરે હજી,
સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

લંબાય રાત અંધની આંખો સમી સતત,
અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?

પીળાશ પી રહી છે સફેદીને પત્રની,
શબ્દો ન હોય ટાંકમાં તો શું કરી શકો ?

સૂરોને પહોંચવું હો ભૈરવીની ગોદમાં,
ભૂલા પડે જો મ્હાંડમાં તો શું કરી શકો ?

ચાવી દઈને વાગતાં વાજાં હરીશ, સૌ..
સરકે જો જીવ ખાંચમાં તો શું કરી શકો ?


0 comments


Leave comment