38 - કાયાના પોત વચ્ચે / હરિશ્ચન્દ્ર જોશી
કાયાના પોત વચ્ચે નીકળ્યો નર્યો ખજૂરો.
જીવતરની પાટલીમાં એને જરી ઢબૂરો.
સૂરજનું વૃક્ષ વેડી ચાખ્યાંકરી ક્ષણોને,
કાચા ને તૂરા સ્વાદે ચડતો રહ્યો ડચૂરો;
ઇચ્છાની ફોતરીઓ ઊખડશે ધીમે ધીમે,
આ મનને મૂળમાંથી એવી રીતે વલૂરો;
એક્કેકી ચીજમાં છે મારાપણાની છાપો,
ઘરમાંથી લઈ જતાં જે રસ્તા ઉપર મજૂરો;
દિવસે વિકાસ પામે રહેંસાતો રાતમાં જે,
એવો હરીશ, જીવ કે રહેતો સદા અધૂરો.
0 comments
Leave comment