40 - ઇચ્છાને તળિયે કપાસી / હરિશ્ચન્દ્ર જોશી
પછી મેં ફરીથી પીડાને તપાસી.
હતી એક ઇચ્છાને તળિયે કપાસી.
ઉદાસીનું કારણ જડે ક્યાં તરતમાં ?
ઊંડા ઊતરી લ્યો હૃદયની તલાશી.
અનુક્રમ પ્રમાણે નિરંતર રહે છે,
સજળ સાંજ, સ્મરણો, સડક ને અગાસી;
વસંતે પછી ચાતર્યો માર્ગ એનો,
જુએ વૃક્ષો અન્યોન્ય ચહેરા વકાસી;
ફળ્યું પાછલી રાતનું સ્વપ્ન કોને ?
હરીશેય પોતાની આંખો ચકાસી.
0 comments
Leave comment