37 - યોગસાધનાનું રહસ્ય / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      યોગવિદ્યાના સાધકો માને છે કે માનવીના શરીરમાં મેરુદંડ અથવા કરોડના હાડકામાં જુદી જુદી ગ્રંથિઓના રૂપમાં નીચેથી ઉપર સુધી ક્રમશ: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા નામના છ ચક્રો ગોઠવાયાં હોય છે. જેની બનાવટ જુદી જુદી સંખ્યાની પાંખડીઓવાળા કમળપુષ્પો માફક થાય છે. એ બધા ચક્રોની ઉપર એટલે કે આપણા મસ્તકનાં સર્વોચ્ચ ભાગમાં એક સાતમું ચક્ર પણ ગોઠવાયું છે, જે એની પાંખડીઓની અધિકતાના કારણે સહસ્ત્રાર ચક્ર કહેવાય છે. એ જ રીતે બધાથી નીચેના ચક્ર મૂલાધાર ચક્રની નીચે પણ કરોડરજ્જૂના હાડકાનાં છેડાના ભાગમાં કોઈ સર્પિણી જેવી સાડાત્રણ ફાંટામાં ગૂંચળું વળેલી એક શક્તિ નિવાસ કરે છે, એને 'કુંડલિની' કહેવામાં આવે છે. સાધક જ્યારે જુદા જુદા પ્રકારની સાધના દ્વારા કુંડલિની શક્તિને ઊર્ધ્વમુખ કરીને ઉદ્દીપ્ત કરે છે ત્યારે જાગૃત થયેલી આ શક્તિ મેરુદંડમાં આવેલાં છયે ચક્રોને ક્રમશ: વિંધીને ઉપર તરફ પ્રયાણ કરે છે. અંતમાં સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે. અને તેમાં લીન થઈ જાય છે.

      પ્રાણાયામની સાધના દ્વારા આ રીતે કુંડલિની શક્તિ જાગૃત થાય છે ત્યારે માનવીની બધી જ ઈન્દ્રિયોની શક્તિ એક જ કેન્દ્રમાં પ્રયોજાય છે, માનવીની વિખરાયેલી વૃત્તિઓ સ્થિર બનીને શક્તિઓનું કેન્દ્રીકરણ અને એકીકરણ થઈને કોઈ નવી જ દિવ્ય ચેતના પ્રગટાવે છે, અને સાધકને દિવ્ય અખંડ આનંદનો અનુભવ કરાવે છે.

      કુંડલિની શક્તિ જે માર્ગે થઈને ઉપર તરફ પ્રયાણ કરે છે એ રસ્તાને 'સુષુમ્ણા' નાડી કહેવામાં આવે છે, તેની ડાબી અને જમણી તરફ ઈડા અને પિંગલા નામની બે નાડીઓ પણ તેની સાથે જોડાયેલી હોય છે. આ ત્રણે નાડીઓનું મિલન સ્થાન આજ્ઞાચક્રની પાસે છે, જેને આપણા ભજનિક સંતો 'ત્રિકુટી' કે 'ત્રિવેણી'નાં નામે પોતાના ભજનોમાં ઓળખાવે છે.

      ક્યારેક ક્યારેક કુંડલિની શક્તિ જાગૃત થવાની સ્થિતિનું વર્ણન સૂર્ય અને ચંદ્રના સંયોગથી ઉત્પન્ન થતી કેન્દ્રીય શક્તિઓના બ્રહ્માગ્નિ સાથે સરખાવવામાં આવે છે.

      ઈડા નાડીને સૂર્યનાડી અને પિંગલા નાડીને ચંદ્રનાડી કહેવામાં આવે છે. આ ઈડાનાડી (ચંદ્રનાડી)માંથી અમૃતસ્ત્રાવ થાય છે અને શૂન્યમાં અનાહત ધ્વનિ સંભળાય છે એવા વર્ણનો ભજનોમાં ઘણે ઠેકાણે થયા છે.

      સમગ્ર 'ભજનવાણી'ના પ્રતિનિધિ સમા દાસી જીવણ પોતાના ભજનોમાં કુંડલિની શક્તિની જાગૃત્તિને આ રીતે વર્ણવે છે
:'અબૂધ રણ રણ રણ રણ વાગે રે,
ગગન મંડળ ધર માંઈ રે...જી...
અનભે નાદ અખંડ ધૂન ગાજે,
ઝલમલ જ્યોતિ ઝાંઈ રે...જી...'

***
'નાભિ કમળથી નટવર ચડિયા, પવન પુરુષ પલટાયા રે જી,
વંકનાળકી ખડકી ખોલી, ઉલટા રાહ ચલાયા રે...'
સો ઘર સેજે પાયા....'


      આ રીતે યોગમાં છ ચક્રોના ભેદનનું મહત્વ છે, આ સિદ્ધાંત ઘણું કરીને પ્રાણ નિયમનનાં આધાર ઉપર કલ્પિત છે, પ્રાણાયામની પદ્ધતિ સાથે એનો સંબંધ વિશેષ ગાઢ છે.

      શરીરમાં રહેલી ત્રણ મુખ્ય નાડીઓ જે નીચેથી ભ્રકુટીમાં મધ્યભાગ સુધી ઉપર જાય છે, અને ભ્રકુટી ઉપર જેને સંતો 'ત્રિકુટી' કે 'ત્રિવેણી-તરવેણી' ના નામે ઓળખાવે છે, ત્યાં આ ત્રણેનો સંગમ થાય છે. આમાં પ્રથમ ઈડા-જેને સૂર્યનાડી અથવા 'ગંગા' કહેવામાં આવે છે, બીજી પિંગલા-જેને ચંદ્રનાડી અથવા 'જમુના' કહે છે અને ત્રીજી સુષુમ્ણા-જે અગિનાનાડી અથવા 'સરસ્વતી'ના નામે ઓળખાય છે. એ ત્રણેના મિલન સમયે શિવ અને શક્તિનું, જીવ અને શિવનું, આત્મા અને પરમાત્માનું મિલન શક્ય બને છે એમ આપણા સાધક સંતોએ પોતાની ભજનવાણીમાં ઘણે ઠેકાણે જણાવ્યું છે.

      સામાન્ય રીતે બ્રહ્મવિષયક અનુભૂતિ જ સંતો-ભક્તોને માટે અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ હતી, પોતાના ગૂઢ અનુભવો દ્વારા, પોતાની સહજ સાધના દ્વારા પરબ્રહ્મ પરમાત્માને મેળવવાનું એમનું લક્ષ્ય હતું, આત્મા અને પરમાત્માનું. જીવ અને શિવનું જ્યારે તાદાત્મ્ય સધાઈ જાય ત્યારે એમને જે અલૌકિક દિવ્ય આનંદની પ્રાપ્તિ થતી હતી, તેનું સમ્યક પ્રકાશન એમને માટે એક કઠિન વ્યાપાર બની જાય છે, યોગ અને સમાધિનાં જે ભવ્ય અનુભૂતિ તેમણે માણી છે તેણે પ્રદર્શિત કરવા, પોતાના ભજનોમાં અભિવ્યક્ત કરવા માથે છે એ અલૌકિક અનુભવ લૌકિક વાણીમાં પૂરેપૂરો નથી ઊતરી શકતો ત્યારે વ્યથા અનુભવે છે. એની વાણી ત્યારે વામણી બની જાય છે, ભાવો ક્યારેક પૂર્ણપણે પ્રગટી શકતા નથી, એટલે પરંપરિત-પ્રતીકાત્મક ભાષાનો ઉપયોગ જે પુરોગામી સંતોએ કર્યો છે તેનો આશરો લેવો ફરજીયાત બની જાય છે.

      અખો જેને 'બાવનથી બારો' કહે છે. તેને બાવન અક્ષરોની બાંધેલી મર્યાદામાં કેમ ઉતારી શકાય ? એ મૂંઝવણનો સંતોએ સારો ઉકેલ કાઢ્યો છે. 'દેખંદા કોઈ આ દિલમાંય ઝણણ ઝણણ ઝાલર વાગે....' 'ગગન મંડળમાં ગડગડ અનહદ વાગે...' કે 'આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની....' જેવી પ્રતીકાત્મક ઉક્તિઓ દ્વારા ભજનિક સંતો પોતાના અનુભવો અર્નાવવા મથે છે.

      આમે સંતોની આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરવું ઘણું કપરું હોય છે, સ્થૂળ શબ્દોમાં તો એ આનંદનું વર્ણન ક્યાંથી થઇ શકે ? સર્વત્ર, સર્વદા, અંદરબહાર, ઉપર-નીચે, ડાબે-જમણે, હરઘડી-હરપળ અખંડ આનંદની પરમપ્રાપ્તિને સામાન્ય ભાષામાં વ્યક્ત કરાવી એ જેવી તેવી વાત નથી, જે એ જ રસમાં ડૂબેલા છે, તેઓ જ માત્ર સમજી શકે એવી અટપટી વાણીમાં એ અનુભવનું વર્ણન થઈ શકે છે. પરમતત્વરૂપી પરબ્રહ્મનાં જ્ઞાનની સ્થિતિ કેવી હોય છે, એ વાત કોઈ કલ્પના કે તર્ક ઉપર આધાર ન રાખતાં પોતાના સ્વયં અનુભવોને 'વાણી'માં મૂકવાનો પ્રયાસ કરતાં દાસી જીવણ પોતાના એક ભજનમાં એ ભાવ આ રીતે વ્યક્ત કરે છે :

'સબ ઘટ મેં એક સાયબ દેખ્યો,
નજર ભરમના નાંય,
હરખ શોક વ્યાપે નહીં તનમાં
એસી અદલ ચલાય.. સો જોગી-
જાવે ગગન મંડળ ઘરમાંય....'
      અનંતનો આ અનુભવ કેવા સહેલા શબ્દોમાં કવિ સમજાવે છે અહીં. જે યોગીપુરુષ, સાધક ગગન મંડળ ઘરમાં પ્રવેશ કરે છે, એને અટળ અભયપદની પ્રાપ્તિ થઈ જાય છે, દરેકે દરેક યોનિમાં એમને પરમાત્માનાં દર્શન થાય છે, નજરમાં ક્યાંયે ભ્રમણા નથી, ચિત્તમાં કદીયે હર્ષ-શોક-રાગ-દ્વેષ જેવા મનોભાવો જાગતા નથી, ને આઠે પહોરનો આનંદ સદૈવ એના હૃદયમાં રમી રહે છે...

      જેને પ્રત્યક્ષ અનુભવ નથી થયો એમને આ દિવ્ય અનુભૂતિનો અણસાર પણ ક્યાંથી આવી શકે ? જન્માંધ વ્યક્તિને જેમ આપણે વાણીથી જુદા જુદા રંગોને સમજાવવા પ્રયત્ન કરીએ તો પણ એ મહેનત એળે જાય છે, તે જ રીતે આ અનુભવની-સ્વાનુભૂતિની દશા સામાન્ય માનવીની આગળ કઈ રીતે વ્યક્ત કરાવી એ મૂંઝવણ આપણા વેદાન્તી સંતો સામે જરૂર ઊભી થઇ હશે- અને પ્રતીકાત્મક ગૂઢ ભાષાનો આશરો લઈને એમણે સંતોષ માન્યો છે પરંતુ લોક ભજનિક સંતો પોતાના અગમ્ય અનુભવોને સીધાસાદા સરળ શબ્દોમાં પોતાની મૌલિક પ્રતિભાથી ભજનોમાં ઉતારી શકવા સમર્થ બન્યા છે એ જ એમની આગવી વિશિષ્ટતા છે.
'કોટિક ચાંદ ઝગમગે, માંય કોટિક ઉગ્ય સૂર,
કોટિક દિપક દેખીયાને સતગુરુ પાયા હજૂર રે,
અનહદ વાજાં ઓ ઘર વાગે શોભા બની હે સારી
નૂરતે સુરતે ઓ ઘર ન્યાળો ત્રિવેણી એક તારી રે...
- જા સોહાગણ જા ગગન મેં
જ્યોત જલત હૈ જા....'
***
'ઝીણે ઝીણે સ્વર ત્યાં જલમય જ્યોતિ,
માંઈ તનનન વાગે છે ઝીણી તાલરી...
-ઝણણણ ઝણણણ વાગે છે ઝાલરી'
***
'અનહદ વાજાં ઓ ઘર વાગે, જાણે શબ્દની પ્યાસી,
અહીંયાં આવે અહીં સમાવે પ્રેમે જ્યોતિ પ્રકાશી.....
તમે જાગો કુંવર અવિનાશી....'


      વગેરે પંક્તિઓમાં દાસી જીવણની યોગસાધનાની રહસ્યાત્મક અનુભૂતિનું આલેખન પ્રતીકાત્મક શૈલીમાં થયેલું જોઈ શકાય છે. યોગમાર્ગના સાધક, સાહિત્યકાર કે સર્જકની કૃતિઓમાં આવું નિરૂપણ સહજ છે. ભજનસાહિત્યનાં 'મરમી' ગણાતા શ્રી મકરન્દભાઈ કહે છે : 'યોગી સર્જક આવું પ્રયત્નપૂર્વક લખવા નથી બેસતો પણ એના સમગ્ર વ્યક્તિત્વમાંથી આવું સર્જન ઘાટ પામે છે. એક જાતની આતમસૂઝ એના શબ્દને અજવાળતી જાય છે.' [મકરન્દ દવે અને સાહિત્ય - સં : યશવંત ત્રિવેદી, આ-૧, ૧૯૭૫, પૃ.૧૩૪]

      આ રીતે દાસી જીવણની યોગપરક ઉક્તિઓ કંઈ કવિતા કલાની દૃષ્ટિએ કશુંક ચમત્કૃતિપૂર્ણ સર્જન આપવાની અપેક્ષાએ નથી રચાણી પરંતુ તેની આતમ અનુભૂતિની સચ્ચાઈસભર કહાણીરૂપે અભિવ્યક્તિ પામીને ભજનોમાં સ્થાન પામી છે એમ જરૂર કહી શકાય.

      ક્યાંક ક્યાંક તો પરસ્પર વિરોધી કહી શકાય એવી વાતો કહીને દાસી જીવણ પરંપરિત સાધન શૈલીને અનુસર્યા છે, પરંતુ એમાં પણ એનું આલેખન તળપદી કાઠીયાવાડી બોલીના શબ્દોના ઉપયોગ અને સ્વતંત્ર મિજાજી મસ્ત કવિના અલગારી વ્યક્તિત્વની છાપથી અંકિત થયેલું હોઈ, પુરોગામીઓનું અનુસરણ માત્ર ન લાગતાં કંઈક વિશિષ્ટ ભાત પાડી જાય છે.

      જ્યારે એ અગમ-અગોચર તત્વનો અનુભવ કવિ કરે છે ત્યારે અનાયાસ શબ્દોની સરવાણી ફૂટે છે, એ અવ્યક્તને જાહેર કરવા માટે...

'તાંત તાંત વિણ તૂંબે
      વિના મુખે મોરલી રે બજાય,
વિના દાંડીયે નોબત વાગે,
      એસા હે કોઈ વા ઘર જાય....
સોઈ દુ કાને દડ દડ વાગે,
      કર વિન વાજાં અહોનિશ વાય,
વિના આરિસે આપાં સૂઝે,
      વિના દિપકે જ્યોત ઝલાય.....
દેખંદા કોઈ આ દિલમાંય
      ઝણણ ઝણણ ઝાલર વાગે....'

      તંતુ કે તાર અને તૂંબડા વિના આ સંગીતના ધ્વનિ સંભળાવા લાગે છે, મુખ વિના મોરલીના સૂર પ્રગટ થવા લાગે છે, દાંડી વિના નોબત વાગે છે, બંને કાંમાં અહર્નિશ ડંકાર સંભળાય છે અને અરિસા વિના પોતાનું મુખ સૌંદર્ય જોઈ શકાય છે, આ અનુભવ એવો અદભુત છે કે દીવા વિના આપોઆપ એકાએક અજવાળું થઇ જાય છે, ચારે તરફ પ્રકાશ ફેલાઈ જાય છે, અને મન મગ્ન બની મતવાલું બની ઝૂમી ઊઠે છે..

      જનસામાન્યની દૃષ્ટિમાં માત્ર વાગ્વિહાર લાગતી આ ભક્તિઓમાં વ્યક્ત થતો અનુભવ ખરેખર સંતોએ મેળવ્યો હશે ? એવો પ્રશ્ન સ્વભાવિક રીતે જ ઊભો થાય આપણા મનમાં....

      પરંતુ તેનો કોઈ પુરાવો આપણી પાસે નથી, હા, યોગસાધના અને તેની અદભુત સિદ્ધિઓ વિષે આપણા વિદ્વાનો પણ સમત થાય છે ખરા. ભારતીય સંસ્કૃતિના ઊંડા તત્વચિંતક અને મીમાંસક તરીકે ખ્યાતિ પામેલા ડૉ. રાધાકૃષ્ણન અગમ્યના આ અનુભવની તીવ્રતા વિષે કહે છે કે.... 'એ દર્શનની, એ સાક્ષાત્કારની સાથે નિરવધિ આનંદ આવે છે. જેને બુદ્ધિ પહોંચી ન શકે એવું જ્ઞાન આવે છે, ખુદ જીવનના કરતાંયે તીવ્રતર એવું સંવેદન થાય છે. એ શાશ્વત તેજના સ્મરણની અસર કાયમની રહી જાય છે, અને એવો અનુભવ ફરી ફરી મેળવવાને મન ઝંખે છે.' [ડૉ.રાધાકૃષ્ણન. ધર્મોનું મિલન, ભારતીય વિદ્યાભવન, પૃ.૨૬૭]


0 comments


Leave comment