44 - જળના છલોછલ છળ વિષે / હરિશ્ચન્દ્ર જોશી


શોધતાં દરિયો સતત ચૂક્યા વગર.
આંસુઓ આવી મળે પૂછ્યા વગર.

ચિત્રમાં ચીતરેલ કોઈ વાદળી,
ક્યાં જઈ વરસે કશે પૂગ્યા વગર ?

સ્વપ્નનો વરસાદ કેવો હોય છે ?
શું કહું એ વાતમાં ઊંઘ્યા વગર ?

યાદ ભીની ક્યાં સુધી હું સાચવું ?
સૂર્ય જ્યાં ઊગતો રહે ભૂલ્યા વગર;

આખરે જળના છલોછલ છળ વિષે,
મૌન રહેવું શબ્દને ચૂંથ્યા વગર.


0 comments


Leave comment