46 - અર્થને કાંઠે / હરિશ્ચન્દ્ર જોશી


ક્ષણ મહીંથી ક્ષણ વળી ક્ષણ કેટલું લંબાય છે ?
છે સમયનું સૂત્ર શું આ ક્યાં કશું સમજાય છે ?

હાથ ફાગણનો ફરે કે અંગને ટહુકો અડે,
પાનખર પ્હેરી છે મેં, અંદર કશું ક્યાં થાય છે ?

જા, બધાં વળગણ મૂકીને દૂર લઈ જા તું તને,
ઓરડાના પાંચ ખૂણે કેમ તું અટવાય છે ?

ઓરડો, પરસાળ, બારી, બારણું, ઊંબર અને,
મોભ પર નળિયાં મૂક્યાં, ઘર તો ય ક્યાં બંધાય છે ?

અંધ શબ્દોને ગઝલ-કાવડ મહીં લૈ ને હરીશ,
અર્થને કાંઠે ગયો ને તીક્ષ્ણ કૈં ભોંકાય છે.


0 comments


Leave comment