49 - ડેલી રમેશની / હરિશ્ચન્દ્ર જોશી


વાણીના રમ્ય કાંઠે વસેલી હમેશની.
અમરેલી ઓળખાય છે ડેલી રમેશની.

રણમાંથી એક ઊપજી શીળી લહર અને,
મીરાં થઈ નસેનસમાં ફેલી રમેશની;

પરપોટો, ગુલમહોર, સોનલ, ખાચર, કાગડો..,
સંદર્ભોથી ભરેલ છે ઠેલી રમેશની;

ગોરંભ્યું આભ હોય છે ગીતોનું કાયમી,
ઇચ્છું ને વરસી જાય છે હેલી રમેશની;

ઝૂલે છે સ્વપ્નબાગ એ ચશ્માંની પછીતે,
લીલીછમ ગઝલવેલી લચેલી રમેશની;

અઘરો છે ભૈ, ઉકેલવો ક્યારેક ર.પા. ને,
લિપિ છે અનિલ, આમ તો સ્હેલી રમેશની;

ઉપનિષદ મિત્રતાનું પ્રગતું રહે સદા,
છે ઉષ્માભીની દોસ્ત, હથેલી રમેશની;

કીડીની જેમ કોતરું, ઊંચકું ને સંઘરું,
ખૂટે ના એમ શબ્દની ભેલી રમેશની;

પૂર્યા છે શબ્દ સાથિયા, અર્થોની લ્પના,
રંગોળી સારા શ્હેરની ડેલી રમેશની;

પુસ્તકમાં, વાતમાં અને વિચારમાં હરીશ,
નીકળે છે ઠાઠમાઠથી રેલી રમેશની;

(વનપ્રવેશ : અનિલ ખંભાયતા, અનિલ જોશીના સ્મરણ સાથે.)


0 comments


Leave comment