50 - દ્રશ્ય / હરિશ્ચન્દ્ર જોશી


ઊંચકી શકે ન પાંપણો એ ભાર દ્રશ્યનો.
ખડકાય ઢેર એવો લગાતાર દ્રશ્યનો.

હિબકાય જીવ છાતીએ વળગી રહી રહી,
જોવાય ગયું શું ય છે ઓથાર દ્રશ્યનો;

અચરજની અલ્પના કરે છે કોણ સ્હેજમાં ?
શોધું સવાર–સાંજ કલાકાર દ્રશ્યનો;

ઓળખ મળી છે કોઈ કોઈને જરી કશી,
મૂળમાં તો છે અસાર આ સંસાર દ્રશ્યનો;

કીકીનો અંધકાર પ્રસરતો ક્ષિતિજ સુધી,
ઓઝલ હવામાં થાય છે આકાર દ્રશ્યનો.


0 comments


Leave comment