5.9 - મેરે બાપ(પ્પા), પહેલે આપ! / સંવાદ / જ્વલંત છાયા


      થોડાં વર્ષો પહેલાં ટીવીમાં પાઉડરની એક એડવર્ટાઇઝમેન્ટ આવતી, ‘પહેલા પ્યાર, લાયે જીવનમેં બહાર.’ પ્રેમનું તો એવું છે કે પહેલો પ્રેમ નહીં જેટલી વાર પ્રેમ થાય તેમાં જીવનમાં બહાર જ હોય! અંદર ગયા પછી ખબર પડે કે આ તો વન-વે છે અને યુટર્ન અઘરો છે!! પરંતુ ફક્ત પ્રેમ જ નહીં, જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે કે જે પહેલીવાર બને ત્યારે સ્વાભાવિક જ રોમાંચક હોય.પ્રથમ, પહેલું, ફર્સ્ટ. એટલે શરૂઆત, આરંભ અને આરંભ પછી જીવનનો હોય, સફરનો હોય, કોઇ કાર્યને હોય ત્યારે એવી ઇચ્છા થાય જ કે તે નિર્વિધ્ને પાર પડે. શરૂઆતનો મહિમા ઝાઝો છે, શિખર પર પહોંચીએ તો પણ પ્રથ પગથિયું યાદ રહે, પ્રથમ શબ્દ, પ્રથમ વિભાવના એ એવી બાબત છે જે આખર સુધી યાદ રહે. અને જ્યારે જ્યારે પ્રથમ શબ્દ આવે ત્યારે આપણને યાદ આવે ગણપતિ- યાદ તો રોજ આવે, આજથી આંગણે પણ આવ્યા છે, જીવનમાં દરેક બાબતે પહેલાંનું જે મહત્વ છે, તે શાસ્ત્રમાં ગણપતિનું છે. ગણેશના સ્થાપન વગર કોઇ પણ કાર્ય આગળ ન વધે, ગણેશ કોઇપણ ક્રિયાકાંડનું ગ્રીનસિગ્નલ છે.

      ગણેશનું ધાર્મિક મહાત્મય તો બધાં જાણે છે.તેમના શિરચ્છેદ પછી પિતા મહાદેવે જ તેમને વરદાન આપ્યું હતું કે કોઇપણ ધાર્મકાર્યમાં તમારી પૂજા પછી જ બીજા દેવ-દેવીઓ પૂજાશે. અને તેથી ગણપતિ પ્રથમ છે- પ્રથમ તમારી થાય પૂજા, મહાદેવ પણ આવે દૂજા, લંબોદર હાથમાં મોદક મૂષક પર પધારો પધારો પ્રથમ નમું ગિરિજા સૂત ગણપતિ એવું પણ ભજન છે. ગણેશની સાથે ઇડા-પિંગળા, મૂષકનું તેમનું વાહન અને એવી અનેક કથાઓ છે. મિત્ર શિરીષ કાશિકરે વર્ષો પહેલાં પહેલી અને છેલ્લી(?) વાર ખવરાવ્યા હતા એવા ઘરે બનતાં મોદક પણ છે. શુભ કામ કરને સે પહલે કુછ મીઠા હો જાય!! એમ આપણે શુભકામ કરને સે પહલે ગણેશ હો જાયે. દેવતા તો આપણા 33 કરોડ છે તેથી તેમાં પ્રથણ, દ્વિતીય ન હોય તો પણ આપણા માટે સૌ કોઇ સમાન આદરણીય. પરંતુ ફક્ત ગણેશ નહીં પહેલું કંઇ પણ હોય તેનું સ્થાન ઘણું અગત્યનું છે.

      સૂર્યનું પહેલું કિરણ, બગીચામાં છોડ વાવ્યા પછી તેના પર ફૂટે તે પહેલી કળી, અને તે કળી ફૂલ બને તે પહેલું ફૂલ- તે ફૂલ પહેલીવાર કોઇને આપીએ તે ક્ષણ- ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે સોનલ તમને ફૂલ દીધાનું યાદ- કે પછી ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ, તું મને આજ ગજરો ન મોકલાવ એવી રમેશ પારેખની કવિતાઓ સાવ અનાયાસ સ્મૃતિના સંપુટમાંથી બહાર આવીને હાઉકલી કરી જાય, રૂમની એક બારીમાંથી આવીને ચકલી બીજી બારીમાંથી સડસડાટ જતી રહે એવી જ રીતે ચકલી, આપણે તો તેને ઊડાઊડ કરીન વિસ્મય અનુભવીએ અને ફિલ્મનું ગીત લખનારને વળી થાય કે પંખ હોતી તો ઊડ આતી રે...પરંતુ કોઇપણ પક્ષી માટે પ્રથમ ઉડ્ડયન, માળાની હાથે પહેલી જ વાર પાંખ ફફડાવવાની એ ક્ષણ, એ પળ એ ઘટના કેટલી મહત્વની હશે? ક્યારેય વિચાર કર્યો છે? આવડી વિરાટ સૃષ્ટિ- દરેક જીવનો હિસાબ કોઇ રાખતું હશે? આજે આ પક્ષીએ પ્રથણ વાર ઊડવાનું છે તેવું કોઇએ નક્કી કર્યુ હશે?વિશ્વનિર્મિતિ ડિક્સનેરીનો શબ્દ છે કે એવું કંઇક છે પણ ખરું? તેનો જવાબ કોઇ પક્ષીનું ઉડ્ડયન કે કલરવ જ આપી શકે! પક્ષીઓ ડાયરી લખતાં હોત તો લખતને કે આજ અમારા ચકીબેન પહેલી વાર આકાશમાં ગયાં.

      પહેલું ઉડ્ડયન ચકલીનું કે માણસનું- પહેલી વાર વિમાનમાં બેસવાનો રોમાંચ પણ એવો જ હોય, બારીમાંથી નાનું થતું જગત વગેરે... વગેરે... પહેલું પગલું. એવું કહેવાય છે ને કે કોઇપણ મોટી યાત્રાની શરૂઆત એક નાના પગલાંથી થાય છે. એ પહેલું પગલું કાયમ માટે યાદ રહી જાય છે. પહેલું ધોરણ, સ્કુલમાં પહેલો દિવસ, પહેલો પિરિયડ, પહેલું હોમવર્ક, પહેલું પનિશમેન્ટ...(એડિટિંગ- જેમ માસ્ટર મયૂરમાંથી અમિતાભ બની જાય તેમ) પહેલો પગાર, પ્રથમ મિલન-ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઇ બાત હૈ પહેલી મુલાકાત હૈ યે પહેલી મુલાકાત હૈ. સામાજિક જીવનમાં લગ્નની પ્રથમ રાત્રીનું પણ મહત્વ છે, જેને બોલિવુડ ડિકશનેરીમાં સુહાગરાત કહે છે.

      પ્રથમ સંતાન, પ્રથમ જન્મદિવસ, તેનું પ્રથમ બેસવું, ઊઠવું, ચાલવું... આ ચક્ર છે માનવજીવનનું. કોઇ વળી કહે, ભાઇ પહેલો પ્રસંગ છે તમારે ત્યાં! ફિલ્મસ્ટાર માટે પહેલી ફિલ્મ અને ક્રિકેટર માટે પહેલી સદી, પહેલો કેચ, પહેલી જીત.. જો સ્વભાવમાં પલળવાનું હોય તો પ્રથમ વરસાદ.. જીવન અવિરત પ્રવાહ જેવું છે અને આપણે આગળ વધીએ કે ન વધીએ જિંદગી આગળ ચાલે અને ચાલતી રહે. પરંતુ પહેલું પગથિયું મહત્વનું છે. તેથી પહેલે પગથિયે જ આપણે એવું વિચારીએ કે બધું સમું સૂતરું પાર પડે એટલે બસ- વિઘ્ન ન આવે. અને એટલે જ રાંદલ તેડીએ કે સત્યનારાયણની કથા હોય, લઘુરુદ્ર હોય કે ગાયત્રીયજ્ઞ, જાગ તેડ્યાં હોય કે વૃદ્ધિશ્રાધ્ધ હોય- ગણેશ પહેલાં લગ્નગીતમાં પણ ફર્સ્ટ નંબર ગણેશનો- પરથમ ગણેશ બેસાડો રે, ગણેશનું પૌરાણિક તો મહત્વ છે જ પરંતુ તેના અનેક પાસાંઓમાંથી સૌથી મહત્વનો અને આજે પણ અનુસરણીય તથા પુત્રોની ટીકા કરવા માટે જો કોઇ ફોકસ કરવા જેવો ગુણ હોય તો તે છે પુત્રત્વ અને માતા-પિતા પ્રત્યેની ભક્તિ. ગણેશ જેવા પુત્ર વિશ્વના ઇતિહાસ કે પુરાણોમાં મળે? દીકરી વહાલનો દરિયો તેમ માનનારા મહાનુભાવો માટે કે આ ગણેશ હતા, ગણેશી નહીં!! આપણે જે જે ડેઝ ઊજવીએ તે પશ્ચિમની ભેટ છે. આપણે ગણેશ ચતુર્થીને વિશ્વપુત્ર દિવસ- વર્લ્ડ સન-ડે તરીકે ન ઊજવવો જોઇએ?

      ગણેશનું મહત્વ એટલે છે કે તે પ્રથમ છે, જીવનમાં જેમ તમામ પ્રથમનું અલગ સ્થાન છે તેમ આ 33 કરોડ દેવો પૈકી પણ ગણેશ પ્રથમ છે. જેમ શિવ, વિષ્ણુના આયુધો, પ્રતીકો છે તેમ ગણપતિના મુખની પ્રચલિત કથા ઉપરાંત કેટલીક મહત્વની વાતો તેમની સાથે જોડાયેલી છે. ગણેશની સૂંઢને સુખમણા કહેવાય છે, તેનો ગૂઢાર્થ છે. હાથીનું બધું બળ તેની સૂંઢમાં છે. તેમ મનુષ્યની પ્રાણશક્તિ પણ સુષુમણા દ્વારા પ્રગટ થાય છે. પ્રાણ જ્યારે ઉદ્વેલિત હોય ત્યારે મન અશાંત હોય ત્યારે આ શક્તિ પ્રગટ થતી નથી. ક્યારેક સૂર્યનો પ્રભાવ હોય છે, ક્યારેક ચંદ્રનો. ક્યારેક ઉષ્ણતા વધારે હોય છે, ક્યારેક શીતળતા હોય છે. બુદ્ધિ અને લાગણી વચ્ચે શીતયુદ્ધ તો ક્યારેક ખુલ્લી લડાઇ ચાલે. જીવનની ગતિ અસ્ત-વ્યસ્ત અને વિષમ હોય છે. પ્રાણ અને મનની ગતિ સમ અને સંવાદી રહે, તે સહજ અને સુક્ષ્મગતિ છે. જેના દ્વારા આપણી આ સુષુમણાનો સંચય થાય છે તે ગણેશ રિદ્ધિ-સિદ્ધિનાં ભંડારને ખોલી આપે છે. મૂળાધારમાંથી સુષુમણા માર્ગે પ્રાણશક્તિ ઊંચે ચડે છે અને સહસ્ત્રાધારમાં જાય છે. ગોરખનાથનું સિદ્ધ પૈકીનું એક વચન છે, લંકા સે પરલંકા જાયેગા! એનો અર્થ ચિરંતના પુસ્તકમાં મકરંદ દવે એવો ઘટાવે છે કે જ્યાં પ્રાણશક્તિનો અખૂટ ભંડાર છે તેવા સહસ્ત્રાધારને સિંહલદ્વીપ એટલે કે લંકા કહેવાય છે. ગણેશ સ્વયં ઓમકાર છે, ગણેશના જન્મોની, તેમના અવતારોની, તેમની પૂજ-પ્રાર્થનાનાં ફળોની કથાઓ અનેરી છે. બુધ્ધિના તેઓ દેવ છે અને કલેશ હરે છે, અડચણો દૂર કરે છે. લાલબાગ કા રાજા તરીકે પ્રખ્યાત ગણેશ ભક્તોના હ્રદયના રાજા છે.


0 comments


Leave comment