15 - અંતરાલ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      વસંતરાય અચાનક પથારીમાં બેઠા થઇ ગયા. ઊંઘ ભરેલી આંખો ટ્યુબલાઈટનું અજવાળું ઝીલી શકતી ન હતી. તેમણે થોડી વાર આંખોને ઉઘાડ-બંધ કર્યે રાખી. પછી પલંગ પર બેઠે બેઠે રસોડામાં જોયું. રસોડાના પ્લેટફોર્મ પર ચાની તપેલી અને કપ-રકાબી પડેલાં જોઈ એમને થોડી નવાઈ લાગી. એમને થયું - સવિતા આટલી વહેલી કેમ ઊઠી ગઈ ? આજે પણ ? કે પછી સૂતી જ નથી ?

      ધીમેથી પલંગ પરથી ઊતરી રાત્રે ટી.વી. પર જ મૂકી દીધેલું ખમીસ પહેર્યું. ખમીસના બટન બંધ કરતાં કરતાં જ તેમણે બેડરૂમમાં ડોકિયું કર્યું. બેડરૂમની સેટીને પીઠ ટેકવી સવિતાબહેન કશુંક સીવતાં હતાં. વસંતરાય કશુંય બોલ્યા વગર હાથ પાછળ બાંધી ચુપચાપ જોઈ રહ્યા. નીચે સરી આવેલાં ચશ્માં સરખાં કરી સવિતાબહેને વસંતરાય સામે જરાક જોઈ લીધું અને ફરી એ જ ગતિથી કાપડમાંથી સોય પસાર કરતાં રહ્યાં.

      પ્રશ્નો પૂછવાની આદત તો વસંતરાયને હતી નહીં, છતાં એકસામટા કેટલાય પ્રશ્નો ઊભરી આવ્યા. જાણે ટેકો લેતા હોય તેમ બારસાખને પકડી બેડરૂમમાં આમતેમ જોયા કર્યું. એ દિવસથી ઘરમાં ઘટ્ટ થઈ ગયેલી ખામોશી હજી ઓગળતી ન હતી. એક હળવા નિ:શ્વાસ નાખી તેઓ બહાર આવ્યા.

      બાઉન્ડ્રી ગેઈટ પર છવાયેલી ફૂલોથી લચી પડેલી મધુમાલતીની સુગંધથી આંગણું મહેકતું હતું. આડેધડ વધી ગયેલી મધુમાલતીના સફેદ ફૂલો થોડે દૂર પ્રકાશ વેરતી સ્ટ્રીટ લાઈટના સફેદ અજવાળામાં વધારે ચમકતાં હતાં. વસંતરાયને થયું - સાંજે તો બધા ફૂલ લાલ દેખાતાં હોય છે. સવાર પડતાં જ કેમ સફેદ થઈ જતાં હશે ?

      તેઓ ગેઈટ પકડી સૂમસામ રસ્તાને જોઈ રહ્યા. આખી સોસાયટી પાછલી રાતના ઘેનમાં ડૂબેલી હતી. બે-ત્રણ કૂતરાં ટૂંટિયું વાળી રસ્તાની વચ્ચોવચ્ચ સૂતાં હતાં. સામેના ઘરની ભીંત પાસે એક ગાય સૂનમૂન ઊભી હતી. વસંતરાયે ટેવવશ કાંડું ઘુમાવ્યું, પણ એમને યાદ આવ્યું કે ઘડિયાળ રાત્રે પલંગ પર જ મૂકી દીધી હતી. તેમને થયું, કેટલા વાગ્યા હશે ? અને કશુંક બહાનું મળ્યું હોય તેમ તેઓ ધીમા પગલે ઘરમાં આવી ભીંતે ટીંગાતા ઘડિયાળ સામું જોઈ મનોમન નિરાશાથી જ બોલ્યા :
- ઓહ ! હજી તો સાડા ચાર જ થયા છે !
      વસંતરાયને તરત સવિતાબહેન યાદ આવી ગયા. તે ફરી ધીમે પગલે બેડરૂમ પાસે આવી જરા અંદર ઝૂકીને પૂછ્યું :
- આટલા વહેલાં વહેલાં શું સાંધવામાં પડ્યાં છો ?
- જે ફાટ્યું હશે તે સાંધવું તો પડશે ને ?
      સવિતાબહેનના અવાજની ઠંડકથી વસંતરાય જરા હલબલી ગયા. સવિતાબહેનના ચહેરા સામે જોતાં એમને થયું, બે દિવસમાં સવિતા જાણે દસેક વર્ષ મોટી થઈ ગઈ હોય એવું લાગે છે. વળી આટલી નંખાયેલી તો ક્યારેય મેં જોઈ નથી.

      વસંતરાયને કશુંક બોલવાની ઈચ્છા થઈ, પણ શબ્દો મળતાં ન હતા. શું બોલવું ? ક્યાંથી શરૂઆત કરાવી ? વગેરેની અવઢવમાં ઊભા રહ્યા. ઓરડામાં અજવાળાંની સાથે ભારેખમ્મ મૌન રેલાતું હતું.

      સવિતાબહેને ઉપાડેલું ખમીસ જોઈ વસંતરાયને અચાનક યાદ આવ્યું કે આજે અનિલ આવવાનો છે. એનો ટ્રેકિંગ કેમ્પ પૂરો થવાની તારીખ કેમ ભુલાઈ ગઈ ?

      સવિતાબહેન ચુપચાપ સીવે જતાં હતાં. વસંતરાયની ભીતરી અકળામણ વધવા માંડી. સવિતા હમણાં જ કાંઈક બોલશે એવું વિચારતાં તે ઊભા રહ્યા, પણ નિરાશા જ સાંપડી. તેઓ કોગળા કરી છત પર ચડી ગયા. હંમેશની જેમ જ પણ કંઈક ધીમેથી.

      આંગણામાં વાવેલી બદામ ત્રણ વરસમાં તો મકાનને આંબી ગઈ હતી. બદામની લાંબી લાંબી ડાળીઓ છતની પાળીને અડવા લાગેલી હતી. વસંતરાયે ઊભા ઊભા બદામનું એક પાંદડું પકડ્યું. પાકી ગયેલું લાલ પાંદડું તૂટીને હાથમાં આવી ગયું. સહેજ નજીક આવેલી ડાળી છટકીને દૂર જતી રહી.

      એક પ્રલંબ નિશ્વાસ તેમની છાતીમાંથી નીકળી ગયો.
      પાંદડાંને રમાડતાં વસંતરાયે પાળી પર બેઠે બેઠે આસપાસ જોયું. ચારે બાજુ રાત છવાયેલી હતી. આકાશમાં ક્યાંક ક્યાંક તારા ટમટમતા હતાં. કંડલા બંદરની બત્તીઓના ઉજાશથી દક્ષિણ-પૂર્વ ક્ષિતિજમાં નારંગી ઝાંય ઊપસતી હતી. દૂર હાઈવે પરથી પસાર થતી ટ્રકોનાં પૈડાનો અવાજ વહી આવતો ત્યારે વાતાવરણમાં સહેજ બદલાવ આવતો, પણ ફરી પૂર્વવત્ શાંતિ પથરાઈ જતી.

      વસંતરાય ધીમે ધીમે છત પર ટહેલવા લાગ્યા.
      આ એમનો રોજનો ક્રમ હતો છતાં આજે એમની બેચેન આંખો વારંવાર દાદરા સુધી જઈ અને પાછી વળતી હતી. તેમણે વિચાર્યું :
- શું સવિતા ઉપર નહીં આવે ?
      નહીંતર તો ....
      રિંકુને તેડીને એ વહેલી વહેલી હજી અડધી સોસાયટી ઊંઘતી હોય ત્યારે જ છત પર આવી જતી. રિંકુ પણ એની થપથપાટથી તરત ઊંઘી જતી. ક્યારેક તો બેઠે બેઠે મીઠો છણકોય કરતી - હવે ઊભા જ રહેશો કે પાસે બેસશો ?

      પણ હવે ?
      વસંતરાય આગળ પ્રશ્નો ઊભા રહી ગયા. ડહોળાયેલું મન આશ્વાસન શોધવા માંડ્યું.
- જોકે હજી ક્યાં બધું બગડી ગયું છે ? કદાચ એ લોકોને ત્યાં ન પણ ફાવે અને એમને એમ પણ લાગે કે કોઈ ભૂલ કરી નાખી છે. હજી પણ બધું પૂર્વવત્ ક્યાં અશક્ય છે ?
      વસંતરાયને કશી આશા બંધાઈ ન બંધાઈ ત્યાં જ એમની આસપાસ કેટલાક તાજા સંવાદો પડઘાઈ ઊઠ્યા. એમણે બધું નવેસરથી મૂલવી જોયું અને તરત મનમાં નકાર ઊઠ્યો. તેમના મનની આસપાસ નિરાશાનાં ઝાળાં બંધાઈ ગયાં.

      તેઓ નિરાશ આંખે દૂર દૂર ક્ષિતિજમાં જોઈ રહ્યા. એકધારું જોઈ રહ્યા. ક્ષિતિજમાં દેખાતી નારંગી ઝાંય જાણે બદલવા માંડી હતી. એમનો ગમતો લીલો રંગ પથરાવા માંડ્યો હતો. વસંતરાય જોઈ જ રહ્યા... દૂર દૂર.... ખૂબ દૂર.....

      એમને દેખાયું એક હરિયાળું નગર. નગરની બહાર એક નાનીશી વસાહત. એક જ ઢબનાં મકાનો, નાનાં પણ વૃક્ષોથી ઘેરાયેલા. એ વસાહતના 'રાઈટ એન્ગલ'માં વળતા રસ્તા પરથી ટાઈ બાંધેલો એક પુરુષ રોજ શાનથી સ્કૂટર ચલાવતો ફેક્ટરીએથી પાછો વળે છે. એના યુનિફોર્મ પર પ્રતિષ્ઠિત કંપનીનો લોગો છે. સ્કૂટર વસાહતના કોમન ગ્રાઉન્ડ પાસે પહોંચે છે. ગ્રાઉન્ડ પર કેટલાક યુવાનો વોલીબોલ રમે છે. સ્કૂટર ઊભું રાખી એ વોલીબોલ રમતા યુવાનોને રસપૂર્વક જોયા કરે છે. એક તરવરિયો યુવાન સહેજ પણ ચૂકતો નથી. પેલા પુરુષની છાતી સહેજ ટટ્ટાર થાય છે અને હોઠ પર મંદ હાસ્ય પ્રગટે છે. થોડી વારે એ પેલા યુવાનને ઈશારાથી બોલાવે છે. પરસેવો લૂછતો એ યુવાન સ્કૂટર પાસે આવે છે. પુરુષ પાછલી સીટ પર બેસી જાય છે. સ્કૂટર ચલાવતા યુવાનની ગરદન અને પીઠ પરસેવાથી તરબતર છે. સ્કૂટર એક નાનકડા ફ્લેટ પાસે ઊભું રહે છે. ફ્લેટની બાઉન્ડ્રી પર જાંબલી રંગનાં ફૂલોથી લચી પડેલી લીલીછમ્મ વેલ પથરાયેલી છે. આંગણાંમાં નાનકડો હિંચકો છે. હિંચકા પર આધેડાવસ્થામાં પણ નમણી લાગતી સ્ત્રી બેઠી છે. તેના પડખે એક કિશોર સ્કૂલનું હોમવર્ક કરે છે. પેલી સ્ત્રી મીઠાં સ્મિત સાથે ગેઈટ ખોલે છે. તે સાથે પેલા યુવાનના પરસેવે રેબઝેબ ટી-શર્ટ પર હળવો ધબ્બો મારી કશોક આનંદ મેળવી લે છે. પુરુષ હિંચકા પર બેસી ટાઈની ગાંઠ ઢીલી કરે છે. યુવાન હિંચકાની બાજુમાં બનાવેલા નાનકડા ઓટલા પર બેસી જાય છે. થોડી વારે ચા આવે છે. બંને જણ ચાની ચૂસકીઓ લગાવતાં વાતો કરે છે. ધીમે ધીમે સાંજ ઢળે છે. આવું રોજ બને છે. રોજ આ રીતે ચા પીવી એક મહત્વની ઘટના હોય છે.
- ચા પીવી હોય તો ગરમ કરી નાખી છે.
      વસંતરાય ઝબકી ગયા. તેમણે જોયું કે સવિતાબહેને અડધે દાદરે આવી જવાબની રાહ જોયાં વગર પગથિયાં ઊતરી રહ્યાં હતાં. વસંતરાયની નિરાશા બેવડાઈ ગઈ. તેમણે અંધારામાં જ પેલા પાંદડાં સામે જોયું. પછી નિરાશ પગલે દાદર ઊતરી વોશબેઝીન પર જઈ બ્રશ કર્યું. નેપકીનથી ચહેરો લૂછતાં એમની નજર ઘડિયાળ પર ગઈ. એમને થયું - બસ પોણો કલાક જ પસાર થયો ?

      તેઓ ચુપચાપ સોફા પર બેસી આમતેમ જોવા લાગ્યા. બેડરૂમની ડબલબેડની સેટીની ચાદરમાં એક પણ સળ ન હતો. કબાટમાં ગોઠવેલી ઢીંગલીની ભૂરી આંખોને કોઈએ જાણે 'સ્ટેચ્યુ' કહી દીધું હતું. ઢીંગલીની આંખો સામે જોઈ વસંતરાયે સહેજ વાર આંખો મીંચી દીધી.

      સવિતાબહેને ટિપોય પર ચાનો કપ મૂક્યો. વસંતરાયથી હવે ન રહેવાયું.
-તારી ચા ક્યાં ?
      સવિતાબહેનની આંખો ક્ષણાર્ધ ચમકી, પણ એ નીચું જોઈ સોફાની પડખે બેસી ધીમેથી બોલ્યાં :
- મેં પી લીધી, તમે પીઓ.
      વસંતરાયના ગળામાં થોડાક શબ્દો અટવાઈ ગયા. એ થોડી વાર કશુંક વિચારી રહ્યા પછી માંડ માંડ બોલ્યા :
- આમ એકલા મેં ક્યારે ચા પીધી છે ? મારાથી આવું નહીં બને સવિતા અને તેય હવે ? અને તું મારા પર ખીજ શા માટે ઉતારી રહી છો ? મારો ગુનો શો ?
      સવિતાબહેન ટાઈલ્સની ડિઝાઈન સામે જોઈ રહ્યાં. વસંતરાયે હજી કપ ઉપાડ્યો ન હતો.
- અત્યારે ચા પી લ્યો. બાકીની વાતો પછી. ઘણો સમય પડ્યો છે આપણી પાસે ને હવે આપણે બીજું કરવાનુંય છે શું ?
      વસંતરાયે આંગળીથી કપમાં તરતી તર એક પડખે કરી અને કડવી દવા પીતા હોય તેમ કપ હોઠે માંડ્યો. બે-ત્રણ ઘૂંટ ભરીને તે બોલ્યા :
   - સવિતા, દુઃખ તો મનેય થાય છે. પણ કોઈની ઈચ્છા વિરુદ્ધ કેટલોક સમય જઈ શકાય ? અને એ લોકો થોડા પરદેશ ગયા છે ? આવતા-જતા રહેશે.
   - આવવા-જવામાં અને સાથે રહેવામાં ઘણો જ ફેર છે. હું તો કલ્પના પણ ન કરી શકું કે આપણામાંથી કોઈ અલગ છાપરાં નીચે રહેતું હોય અને તમે કબૂલ ન કરો તોય આ બધું લગભગ તમારા કારણે જ થયું એ હકીકત છે. તમે જ ઉષાને વધારે પડતું મહત્વ આપી દીધું. તમે તો ગર્વ લેતા હતા દીકરા અને વહુ ઉપર. આદર્શ વહુ-દીકરો ગણતા હતા બેઉને ! એનું જ આ પરિણામ. એ લોકોની ઈચ્છાને કારણે તમે નોકરી છોડી આઠસો કિલોમીટર દૂર અહીં આવ્યા. વતનમાં રહેવાનું તો એક બહાનું હતું, પણ બાકી તો ઉષાની પોતાના માવતર નજીક રહેવાની ઈચ્છાને કારણે......
   - હોય સવિતા. એવું તો થયા કરે. એમાં આટલું મન પર ન લઈ લેવાય. દીકરા છે એ તો ફળિયા બનાવે.
   - એ ફળિયાંય બીજા ને એ દીકરાય બીજા. મારે મન મારું ઘર જ મારું ફળિયું. હું તો આવું વિચારી પણ ન શકું. મને નવાઈ એ વાતની લાગે છે કે એમણે ધરાર પોતાનું ધાર્યું કર્યું અને તમે કાંઈ ન બોલ્યાં. હું પાધરી થઇ ગુનેગાર બની. આજે અનિલ આવશે, શું જવાબ આપીશું ?
      સવિતાબહેનની આંખો ટપકી પડી. એ ભીની આંખે દીવાલ પર ટીંગાતા બે ફોટા સામે તાકી રહ્યા. એક ફોટામાં હરિયાળા બગીચામાં ચાર જણનું ઝૂમખું સ્મિત કરતુ હતું. બીજા ફોટામાં બે ચહેરા સામસામે મરકતા હતા. સવિતાબહેન બેય ફોટાની વચ્ચેના અંતરને આંખોથી માપતાં રહ્યાં. એમને લાગ્યું, જાણે એ બેય ફોટા એકબીજાથી દૂર દૂર ખસી રહ્યા છે અને વચ્ચે વર્ષોનાં વર્ષો ખડકાતાં જાય છે.

      વસંતરાયે ખાલી કપ ટિપોય પર મૂક્યો. હાથ વડે હોઠ લૂછી એ ચુપચાપ બેસી રહ્યા. ઘરમાં ભારેખમ્મ ચુપકીદી છવાઈ રહી. સવિતાબહેન બેઠે બેઠે બેડરૂમના ખાલીપણાને જોતાં રહ્યાં. તેમણે મનોમન ગણતરી કરી.
   - થોડુંઝાઝું કામ હતું એય પ[પતી ગયું. હવે ? આ પ્રશ્ન સવિતાબહેનને જરા આકારો લાગ્યો. નહીંતર રોજ તો....
   - આ બાકી છે, પેલું બાકી છે. પેલું હજી ત્યાં જ પડ્યું છે. રિંકુ ઊઠી છે, રિંકુ સૂઈ ગઈ છે. એ હજી છત પર જ બેઠા છે. અનિલ બગીચેથી આવ્યો કે નહીં ? દિનેશના ટિફિનને કેટલી વાર છે ? કેટકેટલું ? કેટકેટલું ? પણ....
      આમાંનું આજે કશું જ નહીં. વાસણ, કપડાં, નળ-બાલદી, સાવરણી-સૂપડો. સઘળું ચૂપ ! બધુંય મૂંગુંમંતર !

      સવિતાબેહેને બેઠે બેઠે બહાર જોયું. હંમેશાં નાનાં નાનાં ઝભલાં, મોજાં, ચડ્ડીઓથી ભરચક્ક રહેતી વળગણી પર સુકાતા હતાં માત્ર બે લેંઘા. કોઈ બેડોળ માણસ જેવા. તેમણે સાડીના છેડાથી ચશ્માં સાફ કર્યા. વસંતરાય કશુંક અનુસંધાન શોધતા હોય તેમ સ્થિર બેઠા રહ્યા.

      ક્ષણ... ક્ષણ... ખરતી રહી. બહાર હવે અજવાશ ફૂટવા લાગ્યો હતો. દૂર ક્યાંક ટેપરેકોર્ડર પર વાગતા ભજનનો મીઠો સ્વર વહી આવતો હતો.

      આવડા મોટાં ઘરમાં સવિતાબહેન અને વસંતરાય બેય જણ ક્યારેક એકબીજાં સામે જોઈ લઇ ચુપચાપ પોતાની રીતે વિચારતાં બેઠાં હતાં અને અચાનક ટ્રેનની વ્હીસલનો સહેજ ઘોઘરો અવાજ ઘરમાં પથરાયેલાં મૌનની દીવાલ તોડતો ધસી આવ્યો. કશીક સ્તબ્ધતા ઓછી થઈ હોય તેમ બંનેએ એકબીજાં સામે જોયું. બંનેની આંખમાં એકસાથે કશુંક ચમક્યું.
- હું છત પર છું. કહી વસંતરાય ઊઠીને ચાલ્યા ગયા. સવિતાબહેને એમની સામે જોયું. ભીતર થોડી ઊથલપાથલ થઇ. વસંતરાયને સવિતાબહેનની આંખો જોઈ કશીક રાહત થઈ. હૈયે ટાઢો શેરડોય પડ્યો.
      સવિતાબહેન ઊઠીને બારણા પાસે ઊભાં રહ્યાં. થોડી વાર આમતેમ જોયાં કર્યું. અચાનક એમની નજર ગેઈટ પાસે ખરેલાં વાસી ફૂલો અને પાંદડાં પર ગઈ. એમને યાદ આવ્યું કે આંગણું વાળવાનું તો બાકી છે.

      તેમણે સાવરણી ઉપાડી. હળવે હાથે વાળતાં વાળતાં તેમણે ફૂલોને જોયાં કર્યું. સૂપડોએક ફૂલો ખરી પડ્યાં હતાં. તેમણે સહેજ જેવી નિરાશાથી ફૂલોને સૂપડામાં ભરી કચરાની કૂંડીમાં ઠાલવી આવ્યાં. વળતી વખતે તેમણે મધુમાલતીની વેલને આખેઆખી ધારીને જોઈ. કળીઓના ઝૂમખેઝૂમખાંથી ડાળીઓ નમી પડી હતી. સવિતાબહેનને થયું, ઓહ ! હજી તો કેટલાંય ફૂલો ખીલવાના બાકી છે ! તેમણે હળવે હૈયે બાઉન્ડ્રીની ભીંત પર સાવરણીનો છેડો ઠપકારી સળીઓ સરખી કરી અને પછી સહેજ નમીને રસ્તા પર જોઈ લીધું. ઘરમાં આવી વોશબેઝીન પર જઈ ચહેરો બરાબર ધોયો. વાળ સરખાં કર્યા. ચશ્માં સાફ કરી પહેર્યા. આંખો પર ચશ્માં બરાબર ગોઠવાયા છે કે નહીં તે અરીસામાં જોયું અને બેડરૂમમાં જઈ બારીની ધાર પર મૂકેલી, બે દિવસથી બંધ પડેલી એલાર્મ ઘડિયાળને ચાવી ભરવા માંડી.
- મમ્મી.... કહેતો અનિલ ઘરમાં પ્રવેશ્યો.
      સવિતાબહેને ઘડિયાળને ઝાટકો આપ્યો. બંધ પડેલી ઘડિયાળ ટક... ટક... ટક... ટક.... કરતી ચાલુ થઇ ગઈ.

[મુંબઈ સમાચાર - વસંત અંક - ૧૯૯૭]


0 comments


Leave comment