51 - મારા મન ! / હરિશ્ચન્દ્ર જોશી


ચોરસ ન ઊતરે ચાકડા પર માન મારા મન !
હર વાતનું તું રાખ અનુસંધાન મારા મન !

ગંડો પ્રથમ બંધાવ બુલબુલ, કીર-કોયલનો,
સૂરને સજી છેડો ગભીરાં ગાન મારા મન !

આળેખતું ત્યાં કોણ નભ મલ્હારના રંગો ?
અહીં કોઈ ઝરમર ભીંજવે છે ભાન મારા મન !

ઉલ્હાસની અરધીય પળ ના પાલવે ખોવી,
દેજે અધૂકડાં સ્મિતને સન્માન મારા મન !

પોતે જ પોતાના વિષે રચતું રહી તરકટ,
ખુદને જ રાખે છે પછી તું બાન મારા મન !


0 comments


Leave comment