52 - હજી બેઠો છે તું / હરિશ્ચન્દ્ર જોશી


ધરી અંધારના વાઘા હજી બેઠો છે તું અહીંયાં.
સૂરજ સામે કરી ત્રાગાં હજી બેઠો છે તું અહીંયાં.

હલાવે હાથ તો ઓ’પાર જાવું કંઈ નથી અઘરું,
વિકલ્પો લઈ ને ઝાઝા હજી બેઠો છે તું અહીંયાં;

વસંતે કહેણ સૌરભ પર લખી ને મોકલ્યું’તું પણ,
જવાબે કંઈ લખી વાંધા હજી બેઠો છે તું અહીંયાં;

ન પ્યાદાં છે ન ખેલંદા, ન બાજી છે ન દેખંદા ,
હથેળીમાં લઈ પાસા હજી બેઠો છે તું અહીંયાં;

ન ખૂલ્યું મૌનઘરનું દ્વાર કારણમાં કરીશ, એ કે,
લઈને હોઠને સાજા હજી બેઠો છે તું અહીંયાં.


0 comments


Leave comment