53 - મહેતાજીની મૂઠી / હરિશ્ચન્દ્ર જોશી


હૂંડી તરતી મૂકી છે,
શ્રદ્ધા કાંઠે પૂગી છે.

ખરચ કર્યે ના ખૂટી છે,
કેદારની મૂડી છે.

છંદ ઝૂલણે ઝૂલીને,
ગિરિ તળેટી સૂતી છે.

પસલી રસ ઊતર્યો કંઠે,
ભીની ભાષા ફૂટી છે.

જાણ્યું તે બોલી કરતાલ,
લખતાં લેખણ તૂટી છે.

હાથ બળી અજવાળું દે,
મશાલ સાવ અનૂઠી છે.

પડ્યું હતું તે પ્રગટયું છે,
શ્યામનામ ગળથૂથી છે.

ભક્તિ પદાર્થે ભરી ભરી,
મહેતાજીની મૂઠી છે.

દામાકુંડે હજી તરે...
દીવો એક કપૂરી છે.


0 comments


Leave comment