54 - મન / હરિશ્ચન્દ્ર જોશી
સાંજની અલ્લડ હવા ચૂમે છે મન.
મોગરાના ફૂલશું ખૂલે છે મન.
એકલું ક્યાં હોય છે એ કોઈએ દિ’
યાદના મેળા મહીં મ્હાલે છે મન;
પોપચાં નીચે સપનના શહેરમાં,
રોજના રસ્તા, ગલી ભૂલે છે મન;
એક પળ ખુલ્લાં મૂકી દે બારણાં,
ને તરત બીજી પળે વાસે છે મન;
પાંખ કે ચરણો વિના ચાલે સફર,
ક્યાંય ના જઈને બધે પહોંચે છે મન;
પત્ર પૂરો એમ ક્યાં થાશે હરીશ ?
જો ફરી ખોલી ફરી વાંચે છે મન.
0 comments
Leave comment