16 - સેઈફ ડીસ્ટન્સ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      રવજીભાઇ પેન્ટનાં ખિસ્સાંમાં હાથ નાખી ઊભા ઊભા જોઈ રહ્યા હતા. શરીરમાં ઘણા દિવસનો ભેગો થયેલો થાક તો હતો જ છતાં મન આનંદમાં હતું. આમ તો એક મહિના અગાઉ બધી તૈયારીઓ આદરી લીધી હતી. કપડાં, રાશન, ઘરેણાં વગેરેની ખરીદી પણ પતાવી દીધી હતી. બાકી રહેતું બધું હળવે હળવે દોરાની ગૂંચ ઉકેલાય તેમ ઉકેલાતું જતું હતું. બસ, હવે ચિંતાના થોડા કલાકો બાકી હતા. તેમણે જે ધાર્યું હતું તેના કરતાં વિશેષ સારી રીતે પાર પડતું જતું હતું. જોકે મહિના અગાઉ જે પ્રકારની ચિંતા કોરી ખાતી હતી તે વિશે અત્યારે સાવ હળવાફૂલ હતાં. આમ તો એ ચિંતા પણ એવી હતી કે કોઈને કહીને સમજાવી શકાય એમ તો હતું નહીં, છતાં દસ વરસના અનુભવ પછી એમનું મન અંદરથી તો આશ્વાસન દેતું જ હતું કે બધું બરાબર પાર ઊતરશે જ અને બધું બરાબર પાર ઊતર્યું.

      થોડા કલાક પછી ભારતીને વળાવી દીધા પછી કશો જ ભાર રવજીભાઈ પર રહેવાનો ન હતો. આમ તો હવે જમણવાર સિવાય બધું પતી ગયું હતું.

      રવજીભાઈનું મન ખરેખર આનંદમાં હતું. તેઓ ઊભા ઊભા પોતાના પર જ વિચારી રહ્યા.

      દસ વરસ પહેલાં અહીં રહેવા આવવાનું થયું ત્યારે કેટલી બધી મથામણ કરાવી પડેલી અંદર ને અંદર. એક તો આ પોતાનું વતન ન હતું. ન કોઈ નાતભાઈ. સાવ અજાણી સોસાયટીમાં રહેવું, તેય પોતાનું મકાન ખરીદીને. બહુ મોટો પ્રશ્ન હતો. મકાન લઇ લીધા પછી કોઈ મુશ્કેલી ઊભી થાય તો ક્યાં જવું ! કાંતાને વાત કરી ત્યારે તેણે પણ ઢચુંપચું થતાં કહેલું :
- ના, ના. આપણે ત્યાં નથી રહેવું. મને ત્યાં ન ફાવે. હું ગામડાની, વળી અભણ. ત્યાંની સુધરેલી સ્ત્રીઓ જોડે ભળી ન શકાય.
      પણ થોડી સમજાવટને અંતે મકાન લઈ લીધું. જોકે ચિંતા તો મનેય થતી હતી. નવું ઘર, નવી જગ્યા, નવા માણસો. બધાને તો પહોંચી વળાય, પણ પેલી વાત ! બસ, આ વિચાર આવતાં જ ઠંડાગાર થઇ જવાતું. મારે તો રોજ સવારે જવાનું ને સાંજે આવવું. નોકરી પણ દસ કિલોમીટર દૂર. પાછળ કાંતા કેમ રહી શકશે ? એ વિચારે સોસવાઇ જવાતું. આમ તો કોઈ શું કરી શકે ? પણ એવું બને કે માણસો વચ્ચે રહેતાં હોઈએ ને એમ લાગ્યા કરે જાણે જંગલમાં એકલા રહીએ છીએ. આ પીડા પછી કોને કહેવી ? મકાન લેતી વખતે તપાસ તો કરી જ હતી, પણ નિરાશા જ સાંપડેલી. એક જ ઘર એવું હતું જેની સાથે છૂટથી ભળી શકાય, છતાં મકાન લઈ લીધું. રહેવાય આવી ગયા. શરૂઆતમાં અતડું અતડું લાગતું હતું. મનમાં છુપાવેલી વાત સપાટી પર આવી જતી હતી. કોઈ અમસ્તું જોતું હોય ત્યારે એમ જ લાગ્યાં કરે કે એ અમારા વિશે જ વિચારતો હશે. પણ સમય જતાં બધી જ કલ્પનાઓ પોકળ જ સાબિત થઈ. આશ્ચર્ય પણ થયેલું, થાય જ ને ! કંઈ ઓછું વીત્યું ન હતું છેક નાનપણથી, છતાં ન કલ્પેલું જોઈ એમ લાગવા માંડ્યું કે, ના, ના. આ તો મારું મન જ સાબૂત ન હતું. આખી દુનિયા કંઈ ખરાબ થોડી હોય ? જોતજોતામાં દસ વરસ વીતી ગયાં. કશી ખબરેય ન પડી. આજે સાસરે જતી ભારતી તે વખતે છઠ્ઠામાં ભણતી હતી. કોઈએ એને ક્યારેય એમ પણ પૂછ્યું નથી કે તું કોણ છે ? છૂટથી બધાંનાં ઘેર આવે-જાય છે અને હું ! મકાન લેતી વખતે કેવી કેવી કલ્પનાઓ કરી બેઠો હતો.
- કાકા, આ ટેબલ સામેની લાઈનમાં ગોઠવવાનાં છે ને ? રવજીભાઈની વિચારધારામાં ભંગ પડ્યો. એમના પાડોશીનો તરવરિયો યુવાન પુત્ર ઝડપભેર બધું ગોઠવતો હતો. જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય તેવી ચીવટથી. રવજીભાઈ પોતાના પાડોશી વ્યાસભાઈના ચિંતનને કંઈક સંતોષથી જોઈ રહ્યા.
      આજુબાજુથી અનેક જાતના અવાજ આવી રહ્યા હતા. ટેબલ-ખુરશી ગોઠવાતાં હતાં. સ્પીકર પર વાગતાં ફિલ્મી ગીતો પર નાનાં ટાબરિયાં કમ્મર ડોલાવી ગીત સાથે ટાલ મિલાવી રહ્યાં હતાં. ઘરેણાં અને ભારેખમ્મ વસ્ત્રોમાં સજ્જ સ્ત્રીઓ અને યુવતીઓ આમતેમ ઘૂમતી હતી. થાળીવાડકાનો કર્કશ અવાજ બધાથી અલગ પડી જતો હતો. વ્યાસભાઈનો ચિંતન બીજા યુવાનોને જુદી જુદી સૂચનાઓ આપી કામ કરતો હતો. રવજીભાઈના મનમાં અનોખો આનંદ રમી રહ્યો હતો. એમનો બધો રંજ અત્યારે દૂર થઈ ગયો હતો. એ ફરી વિચારે ચડ્યા.

      અહીં આવ્યા ત્યારે પહેલો પરિચય જ વ્યાસભાઈનો થયો. વ્યાસભાઈ જાતે ચુસ્ત બ્રાહ્મણ. પૂજાપાઠ બધુંય કરે છતાં જરાયે એમ ન લાગવા દે કે બાજુમાં કોઈ જુદી કોમનો માણસ વસે છે. એમના મનમાં નાતજાતના તાણાવાણા જરાયે નહીં. એમના પરિવારના સભ્યો પણ સાલસ અને મળતાવડા. કંઈક અંશે વ્યાસભાઈએ જ મનમાં ભરાયેલી પેલી લઘુતાગ્રંથિ દૂર કરી હતી. ભારતી અને વિનોદ તો એમનાં બાળકો સાથે એટલાં ભળી ગયાં હતાં કે મકાન લેતી વખતે જ ચિંતાઓ થતી હતી તેના પર શરમ આવવા માંડી હતી છતાં ભારતીનો પ્રસંગ આવ્યો ત્યારે ન જાણે પેલો ભય છાનોમાનો મનની અંદર ઘૂસી આવ્યો. લગ્ન નક્કી કર્યા ત્યારે કાંતા સાથે આ અંગે ચર્ચા તો કરી જ હતી. કાંતાએ તો કહેલું જ.
 
      જરાયે ચિંતા કરવાની જરૂર નથી. આ બધા આપણી નાતના નથી તેથી શું થયું ? આપણને આજ સુધી ક્યારેય જુદા ગણ્યા નથી. જોજો ને આપણો બધો ભાર એ ઉપાડી લેશે. તમે તો આખો દિવસ નોકરી પર ચાલ્યા જાવ છો. હું તો અહીં જ હોઉં છું ને ! મને બધી ખબર છે. કોઈ કશું રાખે એમ નથી. ભારતી તો એ બધાંની વચ્ચે જ મોટી થઈ છે. તમે જોજો ને, એ લોકો આપણાં નાતીલાની ખોટ પાડવા નહીં દે.

      છતાં ચાલું રહી રહીને થતું હતું કે આમ બધા સાથે હોય તે અલગ બાબત છે અને આવા પ્રસંગ તો માણસોથી જ શોભે. નાતજાતના સંબંધોનું માપ આવા પ્રસંગે જ નીકળે અને આવા ટાણે એકલે ઘર થઈ જઈએ તો કેવું લાગે ? આમ તો આખો સોસાયટીમાં માત્ર બે જ ઘર ને ! શહેર પણ પરાયું. આવી આવીને કેટલા આવે ? કેટલા બધા પ્રશ્નો મૂંઝવતા હતા. વ્યાસભાઈને ન જાણે આ વાતની ક્યાંથી ખબર પડી ગઈ. એ તો વરસી જ પડેલા.
- તમેય યાર ગજબ માણસ છો. વરસોથી બાજુમાં રહો છો તે અમે કશું નહીં સમજતા હોઈએ ! જોકે તમારી વાત સાચી છે. માણસ નાતે તરે ને નાતે મરે. છતાંય બીજાનું કામ આવા પ્રસંગે જ પડે. તમારી નાતના આ સોસાયટીમાં કોઈ નથી તો શું તમે એકલે ઘેર રહી જાશો એમ? તમે દીકરી પરણાવશો અને અમે તમને પરનાતના ગણીને દૂર બેઠા જોઈ તો નહીં જ રહીએ ને ? હું તમારા મનની વાત સમજી શકું છું. નાતીલા ખરે ટાણે કામ આવે છતાં આપણી આ બે લાઈનમાં સોળેસોળ ઘરમાંથી કોઈનોય પ્રસંગ એ આપણાં સહુનો પ્રસંગ છે. તમે ચિંતા અમારા પર મેલો. બધુંય થઈ રહેશે.
      અને થઇ જ રહ્યું.
      રવજીભાઈએ ચિંતા રાખ્યા વગર લગન આદરી લીધાં.વ્યાસભાઈની મોઢામોઢની હૈયાધારણથી પેલી ચિંતા ધરમૂળથી નીકળી ગઈ. વ્યાસભાઈ રાશનથી માંડી કપડાં-ઘરેણાં સુધીની તમામ ખરીદીમાં રવજીભાઈની સાથે રહ્યા. જાણે ઘરનો પ્રસંગ હોય એમ સમજીને આજુબાજુવાળાએ પણ સમયસર સાથ આપ્યો. લગ્નની આગલી રાતે રાખેલા ડાંડિયારાસમાં વ્યાસભાઈએ ઢોલી ઉપર રૂપિયાનો વરસાદ વરસાવી દીધો. એ જોઈ રવજીભાઈને પોતાનો ભાઈ ન હોવાનો વસવસો નીકળી ગયો. તે વખતે તેમને થોડાં વર્ષો પૂર્વેનો પ્રસંગ યાદ આવી ગયો.

      સોસાયટીની ગટરલાઈન બાબતે વ્યાસભાઈએ બેય ઘરનું બધું કામ જાતે પતાવી આવેલા. ડિપોઝીટ વગેરે પણ તેમણે જ ભરી દીધેલી. રવજીભાઈને ખબરેય ન હતી. રાત્રે જમતી વખતે એમનાં પત્નીએ વાત કરી ત્યારે ખબર પડી. વ્યાસભાઈનાં આટલા સદભાવ છતાં વિનોદે કહી નાખેલું :
- પપ્પા, તમે ભલે વ્યાસકાકાનાં વખાણ કરો, પણ તે આપણાથી થોડું છેટું તો રાખે જ છે.
      રવજીભાઈને જમતાં જમતાં કોળિયામાં જાણે કાંકરી આવી ગઈ.
- વગર વિચારે ગમે તેમ બોલતો ન જા. તને શું ખબર પડે ? અને તને એવું ક્યારે લાગ્યું ?
- પપ્પા, અમને બધી જ ખબર પડે. આજે સાંજે કાકા ગટરના કાગળિયા દેવા આવેલા ત્યારે મેં પાણી આપેલું તે ન પીધું. તેમણે તરત કહેલું :
- ના બેટા, મેં હમણાં જ પીધું છે.
- એ તો કોઈ પી આવ્યું હોય તો એમ જ કહે ને !
- પણ પપ્પા....
- ચૂપ કર. સમજી વિચારીને વાત કરવી જોઈએ સમજ્યો ?
      વિનોદ તો ચૂપ થઇ ગયેલો, પણ રહી રહીને પેલું બહાર આવી ગયેલું. સાલું એવું હોય પણ....

      છતાં સગ્ગી દીકરી પરણતી હોય તેમ વ્યાસભાઈ રૂપિયા ઉડાડતા હતા. આ જોઈ રવજીભાઈને થયું.
      વિનોદીયો શું સમજે આમાં ?

      જાન આવી ત્યારે પણ વ્યાસભાઈ હાજર જ. નોકરીમાંથી ખાસ રજા લઈ લીધી હતી. જાન આવી ત્યારે બધી જ દોડધામ એમણે જ કરેલી. જાનને ઉતારો આપ્યો હતો તે રૂમ મેળવવા પણ તેમણે જ મકાનમાલિકને કહ્યું હતું. જાનને ઉતારે લઈ જવાની, પાથરવાની, ચાપાણીની વ્યવસ્થા પણ વ્યાસભાઈએ જ સંભાળી હતી. વ્યસભાઈએ રવજીભાઈને ભાઈની ખોટ સાલવા દીધી ન હતી.

      અને એટલે જ રવજીભાઈ અત્યારે હરખાતા હતા.
      ટેબલ-ખુરશીઓ ગોઠવાતી હતી. વરઘોડિયાં પરણી ઊતર્યા હતાં. જાનૈયા આનંદિત ચહેરે આમતેમ ઘૂમતા હતા. આમંત્રિતો આસપાસ જોતાં બબ્બે-ચાર ચારનાં જૂથમાં ઊભા રહીને ટેબલ-ખુરશી ગોઠવાઈ જવાની રાહ જોતા હતા. રવજીભાઈને થયું, બસ હવે જમણવાર પતી જાય પછી નિરાંત છે. એમણે આસપાસ નજર દોડાવી. આસપાસ ફરતા માણસોમાં તેમની આંખો વ્યાસભાઈને શોધી રહી. રવજીભાઈએ ચિંતનને કહી વ્યાસભાઈને બોલાવ્યા. ચશ્માંની દાંડી ઠીક કરતા વ્યાસભાઈ દોડી આવ્યા.
- બોલો, હવે શું શું કામ છે ?
- વ્યાસભાઈ, હવે બધાંને જમાડવાની જવાબદારી તમારે માથે. રસોયા પર ધ્યાન આપજો. કોઈ રહી ન જાય તે ખાસ જોજો. હું જરા વેવાઈ પાસે છું.

- તે તમે નહીં રહો અહીંયા ?
- અરે ભાઈ ! હું હોઉં કે તમે શો ફેર પડે છે ? આમ તો આખો પ્રસંગ જ તમે ઉપાડ્યો છે. હવે આ છેલ્લી તકલીફ આપું છું. મારે નાતના રિવાજ મુજબ કેટલીક ચર્ચા કરવા વેવાઈ પાસે બેસવું પડે તેમ છે. અત્યારે થોડો સમય મળશે પછી નિરાંતે બેસાશે નહીં.

- ભલે ભલે તમે જાઓ.
- તો હું જાઉં છું. વિનોદ અહીં છે. અમારા બીજા થોડાક છોકરા પણ પીરસવામાં મદદ કરશે. બાકી તમે સંભાળી લેજો.

- તમે તમારે જાઓ. હું બેઠો છું. સંભાળી લઈશ.
      વ્યાસભાઈએ બરાબર સંભાળ્યું. જમણવાર પતી ગયો. બધા વ્યાસભાઈને અહોભાવથી જોઈ રહ્યા હતા. જોનારાને થતું હતું કે રવજીભાઈ કેટલાં નસીબવાળા છે કે જેમને વ્યાસભાઈ જેવા પાડોશી મળ્યા છે. નહીંતર આ સમયમાં કોણ કોને આટલું કામ આવે છે ?

      વ્યાસભાઈએ છેલ્લે સુધી બધું સાચવ્યું. રવજીભાઈના હરખનો પાર ન હતો. દીકરી વળાવવાનું દુઃખ હતું, પણ પરનાત વચ્ચે બધું સુપેરે પાર પાડ્યાનો આનંદ થતો હતો. કેટલાય દિવસોથી ધમાલનો થાક નિતારતા હોય તેમ રાત્રે સોફા પર બેસી કાગળ પર બધું સરાવૈયું કાઢતાં તેમણે અચાનક વિનોદને પૂછ્યું :
- વિનોદ, જમવામાં કોઈ બાકી તો નહોતું રહ્યું ને ?
- પપ્પા, બધા તો આવ્યા હતા, પણ તમારા પ્રિયભાઈ વ્યાસકાકાનું કુટુંબ નહોતું જમ્યું.
- હેં ! કહેતા રાવજીભાઈ સોફામાં અડધા ઊભા થઇ ગયા.

- શું કહે છે તું ? તે તમે એમને બેસાડ્યા નહીં કે શું ?
- પપ્પા, જવા દો ને એ વાત. ગુસ્સો આવે છે. તમે જાણો છો એ બધી રીતે ભળે, પણ ખાવાપીવામાં એ લોકો... વિનોદે ચીડથી વાક્ય અધૂરું મૂકી દીધું.
      રવજીભાઈનો બધો આનંદ ઓસરી ગયો. વ્યાસભાઈના ઘર સામે જોયે રાખ્યું. બે ઘરની હદને જુદી પાડતી બાઉન્ડરી તાજા દીધેલા કળીચૂનાને કારણે ચમકતી હતી. રવજીભાઈ બાઉન્ડરીને જોઈ રહ્યા. કશાક આઘાતથી, કશાક આશ્ચર્યથી.

[સમાજમિત્ર વાર્તા વિશેષાંક, એપ્રિલ ૧૯૯૭]


0 comments


Leave comment