67 - પૂમડું ભીની શ્રુતિનું / હરિશ્ચન્દ્ર જોશી


વૃક્ષ શોધું છું તૂટેલાં પર્ણમાં.
એક જંગલને મૂકી સંદર્ભમાં.

વેલ પણ વયમાં પ્રવેશ લાગતી,
પાંદડી ઢાળી ઊભી છે શર્મમાં;

યોગનિદ્રાથી કોઈ જાગ્યું હશે,
મંત્ર શું ધબકે હજીયે દર્ભમાં;

છે હૃદય, સ્વપ્નો, કણસ એક જ છતાં,
કેમ વહેંચાતાં વલણ સહુ વર્ણમાં ?

મ્હેકતું કોલાહલો વચ્ચે હજી,
પૂમડું ભીની શ્રુતિનું કર્ણમાં.


0 comments


Leave comment