68 - મજીઠી ગઝલ / હરિશ્ચન્દ્ર જોશી
અનાગત–વિગત પરહરી જોઈએ.
ફરી વ્યક્તમધ્યે રહી જોઈએ.
ખૂલી જોઈએ કોઈ છત્રી સમું,
વરસતી પીડાથી બચી જોઈએ;
તર્યાં સાત સાગર, સરોવર, નદી,
ટીપું એક આંસુ તરી જોઈએ;
સતત ભીડમાં સાવ ખોવાઈને,
કદી ક્યાંક નિજને મળી જોઈએ;
વસંતલ ક્ષણો મ્હેકતી શ્વાસમાં,
અમસ્તું જ ખીલી, ખરી જોઈએ;
ખમાજી હવા મધ્યલયમાં વહે,
મજીઠી ગઝલ ગણગણી જોઈએ;
તકાજો સમયનો થશે આખરે,
જીવેલી ક્ષણોને ગણી જોઈએ;
પડે થાપ, ખનકી ઊઠે ઘૂંઘરું,
મહારાસમાં જઈ ભળી જોઈએ;
મીરાંના સગડ શોધતાં શોધતાં,
ગલી સાંકડીમાં ભળી જોઈએ;
કબીરા કને લઈને અખ્ખર અઢી,
ચદર આપણે પણ વણી જોઈએ;
પરસતું રહે કંઈ ભીતરને હરીશ,
વીણાની ગતે રણઝણી જોઈએ.
0 comments
Leave comment