17 - ઓળખ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      લીમડા પરથી ખરેલી લીંબોળી સીધી કેશવજીના કપાળ પર પડી. સડાક કરતો એ બેઠો થઈ ગયો. કોઈ મીઠું સ્વપ્ન અધવચ્ચે બટક્યા જેવું એના ચહેરા પર દેખાયું. તેણે બેય હાથના પોંચાથી આંખો ચોળી અને ખાટલા પર જ પલાંઠી વાળી આસપાસ જોયું. વાડી હજી પાછલી રાતે ચડેલી નીંદરના ઘેનમાં ડૂબેલી હતી. વૈશાખની સવારનો પવન હજી થોડી ઊંઘ ખેંચી લઉં એવું લલચાવતો હતો. 'હે માતાજી' કહી કેશવજીએ પગ જમીન પર મૂક્યો. પૂર્વમાં સહેજ લાલાશ વળવા માંડી હતી. તેણે ખાટલા પરથી ઊતરી દાતણ મોઢામાં મૂકી રેડિયો ચાલુ કર્યો. રાજકોટ કેન્દ્ર પરથી વહેતો કોઈ ભજનિકનો મધુર કંઠ રેલાઈ રહ્યો. લીમડાના થડમાં બાંધેલી બકરી કેશવજીને જોઈ બેં બેં કરવા લાગી. કેશવજીએ બકરીને રજકો નીરી દાતણ કરતાં કરતાં જ દોહી. કળશિયા પર સફેદ ફિંણોટો ઊભરી આવ્યો. તેણે દાતણ કાઢી અગરબત્તી પેટાવી. આશાપુરાની છબી સામે માથું નમાવ્યું અને હંમેશનું વાક્ય બોલ્યો, 'બધાયનું ભલું કરજે માડી.'

      હવે અજવાળું ખાસ્સું પથરાઈ ગયું હતું. કેશવજી પાણીની કૂંડી પર બેસી ચાની ચૂસકીઓ લઈ રહ્યો હતો. તેના ચહેરા પર પરમ સંતોષ પથરાયેલો હતો. ઊભડક પગે બેસી ચાની ચૂસકીઓ લેતાં તે એવી રીતે આસપાસ જોતો હતો જાણે કોઈ નિર્મોહી ફકીર નાના બાળકનાં ઝૂલફાંમાં આંગળીઓ ફેરવી વહાલ કરતાં પિતાની જેમ રજકાને રમાડી જતો પવન, વૃક્ષોમાં ટહુકતાં પક્ષીઓ, રેડિયો પરથી વહેતો મધુર કંઠ, વાડીનું શાંત વાતાવરણ, તાજી ચા - શહેરીજીવનથી ત્રાસી ગયેલાને લલચાવે એવું વાતાવરણ હતું.

      વાડીના દખણાદા શેઢાને અડીને આવેલી સડક પરથી માંડવી-માંડવી શટલ પસાર થઈ. કેશવજીએ ઘડીભર એ તરફ જોયું. કેળાંના બગીચા તરફ ધ્યાન જતાં જ એને યાદ આવ્યું કે આજે જેઠુભા વહેલો આવવાનો હતો, પણ હજી આવ્યો ન હતો. એને થયું - હમણાં હમણાં જેઠુભા પણ મોડો આવે છે. આજે આ ઓતરાદા ક્યારાઓ ખોડાઈ જાય તો તેમાં પાણી વળાઈ જાય, પણ આ જેઠુભા હજી....
- એય જે માતાજી કેશવજી.
- જે માતાજી. જેઠુભા હું તારા જ વિચારોમાં હતો. મને થયું કે વળી આજે તું મોડો આવીશ.
- કાલે સાંજે નલિયાવાળી દીકરી અને છોકરાં આવ્યાં હતાં. રાત્રે જરા મોડું સુવાણું એમાં મોડું થ્યું.
- હવે તારા આ ઝંડાઝોળી નીચે મૂક અને તપેલીમાં ચાય છે તે ગરમ કરીને પી.
      જેઠુભાએ ખભે મૂકેલા ત્રિકમમાં ટીંગાતી ભાતાંની થેલી નીચે મૂકી. બીજા હાથમાં રહેલી છાશની બરણી લીમડામાં ખોડેલા ખીલામાં ટીંગાળી નીચે બેસી ગયો.
- તારે બે જ દીકરીને જેઠુભા ?
- હેં... હા, છે તો બે જ પણ હું તો બેમાંય લાંબો થઈ ગ્યો છું કેશવજી. જેઠુભા કેશવજી સામે જોતાં હી.... હી.... કરી હસવા લાગ્યો.
- તને છે કાંઈ વ્યાધિ ? કેશવજી, તું પરણ્યો નહીં તે બહુ સારું કર્યું. નહીં તો આખો જન્મારો ધૂળમાં.
- બધું માલિકના હાથમાં છે ભાઈ...
      કેશવજીએ માંડ પરખાય તેવો એક નિશ્વાસ મૂક્યો અને ક્ષિતિજમાં તાકી રહ્યો.
-કેશવજી, તેં સમૂળગા લગન જ નથી કર્યા કે પછી.....
- ના, ના. લગન જ નથી કર્યા.
-બઉ મોટી વાત કે'વાય. તેં લગન ન કર્યા ઈ. બાકી તમે તો તે વખતે ઝાલ્યા નો'તા ઝલાતા. ને હવે જો સવારના પો'રમાં ઘર છોડી સીમની વાટ પકડવી પડે છે. સંસારમાં તો પડ્યા જેવું જ નથી. થોડા દિવસ બધું સારું સારું લાગે, પછી ઈ બાયડી જ ઉપાધિનું ગાડું ઠાલવે. બધી કરમની વાતું છે ભાઈ !
      જેઠુભા જોરથી હસી પડ્યો.
      થોડી વાર પછી મોટર ચાલુ કરવા ગયેલો કેશવજી તરત જ હાંફળો-ફાંફળો ઓરડીમાંથી બહાર દોડી આવ્યો. કાંઈક ગભરાઈને બેય હાથે ખમીસની ચાળ પકડી તેણે ખંખેરવા માંડ્યું. એક ગરોળી ધબ્બ કરતી નીચે પડી.
- સાલ્લીએ ડરાવી દીધો. કેશવજીને જાણે હાશ થઇ. આ સઘળું જોઈ રહેલો જેઠુભા અચાનક આશ્ચર્યથી બોલી ઊઠ્યો.
- ક્યાં છાતી માથે પડી ?
- હાસ્તો.
- તો જરૂર કોઈ લાભ થાશે, કેશવજી.
      કેશવજી મોઢું પહોળું કરી ઊભેલા જેઠુભા સામે જોઈ હસવા લાગ્યો. જેઠુભાના ચહેરા પર કુતૂહલની બેત્રણ રેખાઓ ઊભરી આવી.
- હસવાની વાત નથી, કેશવજી. આ હું નથી કે'તો સાશતર કે છે. માતાજીના બસ.
      કેશવજીએ ફરી ઓરડીમાં જઈ મોટર ચાલુ કરી. થોડી વારે પાઈપલાઈનમાંથી જોસભેર પાણી કૂંડીમાં પડવા માંડ્યું. વાતાવરણમાં એક ચોક્કસ લયકારી છવાઈ ગઈ.

      કેશવજીએ ચીકુના ઝાડ તરફ પાણી વાળી દીધું અને નીકમાં પગ બોળી થોડે દૂર કેળના ઝાડના આજુબાજુ કોશથી ખોદતા જેઠુભાને જોઈ રહ્યો. એને જેઠુભાનું વાક્ય યાદ આવ્યું.
- આજે જરૂર કોઈ લાભ થાશે.
      કેશવજી મનમાં અસહેજ હસ્યો. લાભ ? હવે? બધાય લાભ ક્યારનાય વહી ગયા. ક્યાંયના ક્યાંય. એ નીચું જોઈ નીકમાં વહેતા પાણીને જોઈ રહ્યો.
- સરી ગયું સઘળું સરી ગયું. આ પાણીની જેમ. કેટલાંય વર્ષો નીકળી ગયાં આમ ને આમ. કેશવજીએ આંખો બંધ કરી. આંખો બંધ કરતાં જ એને દેખાઈ એક ઘટાટોપ લીલીકુંજાર વાડી !
      પોતે સંભાળે છે શેઠ હંસરાજ શિવજીની બે કોસી વાડી. શેઠ હંસરાજ શિવજી એટલે ! હાક વાગે હાક ! ગામમાં જ નહીં, પાંચાળામાંય ખરી. બજારમાંથી હાલ્યો આવે જાણે સિંહ આવે. જાતે વાણિયો, પણ જાડેજાને આંટી ડે એવો. પાછો વટ્ટનો કટકો. લીધી વાત ન મૂકે. પણ પોતા પર શેઠને ખૂબ જ ભરોસો. વાડીમાં આમ તો બધું કામ મજૂરો કરે, પણ ગામમાંથી મજૂર રાખી આવવા, તેમણે મજૂરી ચૂકવવી, શેઠને ઘેર આવતા મહેમાનોને વાડીએ તેડી જવા-મૂકી જવા વગેરે.. મહેનત-મજૂરી તો જરાય નહીં. કામ વાડીનું પણ કપડાં સદા ઊજળાં ને ઊજળાં. જોકે કપડાં ઊજળાં રાખવાનો ચસ્કો પણ ઓછો ન હતો.

      શેઠનો પરિવાર સાવ ટૂંકો. એક જ દીકરી. આખેઆખી એની મા જેવી અને શેઠનાં પત્ની જાણે સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર. શેઠને ભગવાને બેય લક્ષ્મીઓ દેવામાં ક્યાંય કચાશ રાખી નહોતી. તેમાં વળી શેઠની દીકરી એથીય સવાઈ. માનું રૂપ અને બાપનો વટ્ટ ! રૂપ પણ કેવું ? વાડીએ આવતી મજૂરણો કહેતી :
- છોરીનો કાંઈ રંગ છે ! હાથ અડીએ તો ડાઘ પડી જાય.
      આ સાંભળીને ત્યારે હસવું આવી જતું. મનમાં થતું કે - તો તો ધ્યાન રાખવું પડશે. રોજ કેટલાય ડાઘ પડતા હશે.

      વાડીમાં બે મોટાં રાયણના ઝાડ તો જાણે એના માટે જ હતાં. રાયણ પર ફાલ આવે ત્યારે રોજ સાંજે એને રાયણ ઉતારી આપવી પડતી. પેલી વિમળા તો કાયમ એની સાથે જ રહેતી. વિમલા બિચારી ભલી છોકરી હતી. ક્યારેક કહેતીય ખરી - તમે બેય કો'ક દી' મને મરાવશો. રાયણ ખાવાથી ચીકણા થઈ જતાં હોઠ ધોવાની જરૂર જણાતી નહીં. ન જાણે કેમ કેટલીય ચોપડીઓ વાંચી નાખેલી. વિમળા બહુ સમજદાર હતી, છતાંય એક દિવસ શેઠની ધાક ખમી શકી નહીં કે જે હોય તે. શેઠ આગળ સાચું બોલી ગઈ. બધું જ સાચું.

      તે રાત્રે મોટાભાઈનો ગુસ્સો અને વેદના વરસીને ઢગલો થઈ ગયાં. મોટાભાઈનાં ગુસ્સામાં વ્યક્ત થતી શિક્ષકની પવિત્રતા સામે કશું બોલી શકાયું નહીં. સળંગ આઠ દિવસનો ઢગલો ઘરમાં કોકડું વાળી પડ્યો રહ્યો. વાડીની તો વાટેય બંધ થઈ ગઈ. પછી તો માંડ આઠ-દસ મહિના નીકળ્યા હશે ને ગામમાં જાણે ઓચ્છવ આવ્યો. આખું ગામ બે દિવસ ધુમાડાબંધ જમ્યું. શા માટે ન જમે ભાઈ ? શેઠ હંસરાજ શિવજીની એકની એક દીકરી પરણતી હતી ત્યારે....
      પણ !
      ગામ બે દિવસ જમ્યું. તેના પંદર દિવસ અગાઉ જ ગામની નિશાળની પાળી પર બેઠા બેઠા આથમતો ઉદાસ સૂર્ય જોવામાં વિમળાએ ભંગ પાડ્યો. બિચ્ચારી ! હાંફળીફાંફળી એકીશ્વાસે બધું બોલી ગઈ. ઉતાવળી ઉતાવળી પાછી જતી વિમળામાંથી કશુંક નવું પ્રગટતું દેખાતું હતું. મનમાં થયુંય ખરું કે આખરે તો શેઠનું જ લોહી ને ! વટ્ટ એટલે વટ્ટ !

      વાડીમાં તો આમેય બપોરે સૂનકાર જ રહેતો. તેમાં વળી વૈશાખ માસ. મજૂરો તો તે દિવસે હતાં નહીં. કોક દી' માલિકની જેમ વાડીમાં ફરતા પગને શેઢેથી ચોરની જેમ પેસતા ડર તો લાગ્યો જ હતો. છતાંય....

      ઓતરાદા શેઢાને અડીને આવેલી અડધા એકરની પટ્ટીમાં ચીકુના ઘટાટોપ ઝાડ ! વિમળાને વાડીને ઝાંપે જ બધું સમજાવી દીધેલું. બિચારી એ તો તે વખતેય પારેવડીની જેમ ફડફડતી હતી. આંખોમાં ભય પેસી ગયો હતો કે, નહીં ને કોઈ અચાનક આવે તો...

      અને એ બળબળતા બપોરે ચીકુના ઝાડ નીચે દસ મહિના એકી સાથે ધધક્યા ! ક્યાં ? શું ? કેમ? એવું કશું હતું જ નહીં. જાણે બધુંય વિચારીને જ આવેલી. ચીકુનાં ગીચ વૃક્ષો નીચે જરાતરા અજવાળું શ્વાસોચ્છવાસનાં એક થતાં લય સાથે હાંફતું રહ્યું.

      ભયની મારી અકળાયેલી વિમળાના જીવમાં જીવ આવ્યો. તેણે વાડીના ઝાંપે જ એવી લાંબી કેશરાશીમાં અટવાયેલાં સુક્કાં પાંદડાં ખંખેરી આપ્યાં. છેલ્લે બેય જણીએ એક સાથે પાછળ જોયું હતું. બસ -
- અંકલ, આ વાડી તમારી છે ?
      કેશવજી હબક ખાઈ ગયો. એને થયું આજે સવારથી જ કેમ આવું બને છે ? સામે ઊભેલી છોકરી સામે અનિમેષ આંખે તાકી રહ્યો. સામે ઊભેલી જુવારના કુમળાં છોડ જેવી તરુણીની આંખોમાં પ્રત્યુત્તરની અપેક્ષા તરવરતી હતી. કેશવજીને કશીય ગડ બેસતી ન હતી. એનાથી બોલી જવાયું :
- હા બેટા, મારી જ સમજો. તમે કોની પૂછા કરવા આવ્યાં છો ?
      કેશવજીને છોકરીનો ચહેરો જોઈ શુંનું શું થઈ જતું હતું.
- હું આનંદપરથી આવું છું. રસ્તામાં ટેક્સીને પંક્ચર નડ્યું.  ડ્રાઈવર વ્હીલ બદલાવે છે. આવી સરસ વાડી જોઈ તો થયું કે, જરા જાઉં. કાંઈ વાંધો નથી ને અંકલ ?
       કેશવજીને આ મીઠડી, વિવેકી છોકરી એટલી તો ગમી ગઈ કે બસ ! એની નજર છોકરીનાં ચહેરા પરથી હટતી ન હતી. એ છલકાઈ ગયો.
- ના ના બેટા. કાંઈ જ વાંધો નથી. આનંદપર કોને ત્યાં ગ્યાં'તાં ?
- અંકલ, ત્યાં મારું મોસાળ છે.
      કેશવજી બાઘાની જેમ છોકરીને જોઈ રહ્યો. આનંદપરનું નામ સાંભળી તેની અંદર ઘણીબધી વાતો ઉછાળા મારી રહી હતી. તેમાંય છોકરીનો ચહેરો તો જાણે....

      કેશવજીએ છોકરીને વાડીમાં ફેરવી. આગ્રહ કરી કરીને ખવડાવ્યું. છોકરીએ ઘણી બધી વાતો કરી. કેશવજી તો સાંભળતો જ રહ્યો, સાંભળતો જ રહ્યો.

      ટેક્સીવાળો છોકરીને બોલાવવા છેક વાડીમાં આવ્યો. કેશવજી આગળ મોટો પ્રશ્નાર્થ મૂકાઈ ગયો.
      જતી વખતે પાણીની કૂંડીમાં છોકરીએ હાથ ધોયા અને વાળ ઊંચા કરી ભીના હાથ ધોયા અને વાળ ઊંચા કરી ભીના હાથ ગરદન પર ફેરવ્યા. કાન પાસેનો કાળો ડાઘ ગોરી ચામડી પર સ્પષ્ટ દેખાઈ જતો હતો.

      કેશવજીની નજર હવે છોકરીની આરપાર નીકળી જતી હતી. એની અંદર કોઈ નવતર ઊથલપાથલ થઇ રહી. આનંદ અને મૂંઝારો બેય એકીસાથે ઊમટી આવ્યા.

      ટેક્સીવાળો ઉતાવળ કરી રહ્યો હતો.
- અંકલ, હું જાઉં હોં !
      છેક સડક સુધી સાથે ગયેલા કેશવજીએ ટેક્સીમાં બેસી ગયેલી છોકરીને એક પડીકું આપ્યું.
- આ શું છે, અંકલ ?
- બેટા, આમાં રાયણ છે. ઘેર જઈ સાથે બેસીને ખાજો. કચ્છની રાયણ બહુ મીઠી હોય છે.
      કેશવજીનો સ્વર જરા ભીનો થઈ ગયો.
      ટેક્સી દેખાતી બંધ થઈ ત્યાં સુધી કેશવજી સડક પર ઊભો રહ્યો.
- જેઠુભા એય ! જેઠુભા.... તારું સાશતર સાચું ભાઈ ! સોળ આના સાચું.
      જેઠુભાએ જોયું તો કેશવજી સાઈકલનાં અરીસામાં પોતાના કાં પાછળ કાંઈક જોઈ રહ્યો હતો.

[કચ્છમિત્ર દીપો. ૧૯૯૩]


0 comments


Leave comment