71 - તારી ગલી સુધી / હરિશ્ચન્દ્ર જોશી
નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં.
રસ્તા તો એના એ જ છે ચરણો નવાં નવાં.
આ રેતના નગરમાં છે વિહવળ તમામ આંખ,
મૃગજળ તો એના એ જ છે હરણો નવાં નવાં;
જીવનને જરી જાણ્યું, ન જાણ્યું પૂરું થતું,
ડાઘુ તો એના એ જ છે મરણો નવાં નવાં;
વાસંતી વસ્ત્રો પહેરે કે ઓઢે નરી હવા,
વૃક્ષો તો એના એ જ છે પરણો નવાં નવાં;
શ્રદ્ધાને સાચવી રહ્યું આંગણ યુગો પછીય,
મંત્રો તો એના એ જ છે શ્રમણો નવાં નવાં;
ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં,
સિક્કા તો એના એ જ છે ચલણો નવાં નવાં;
નીકળ્યો હરીશ, પહોંચવા તારી ગલી સુધી,
નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં.
0 comments
Leave comment