74 - કંઈ નથી / હરિશ્ચન્દ્ર જોશી


આ પાર – સામે પાર જેવું કંઈ નથી.
કાંઠો ને મઝધાર જેવું કંઈ નથી.

છે તું જ સઘળે જો જરા અંદર તો જો,
ભળતા – અલગ આકાર જેવું કંઈ નથી;

તું હોય છે કેવળ તું જયારે હોય છે,
અસ્તિત્વને શણગાર જેવું કંઈ નથી;

આગળ ન પાછળ એક ડગ, સૌ ત્યાં જ છે,
ચાલી જતી વણઝાર જેવું કંઈ નથી;

વ્હેરાય છે કણ કણ થઈને તું સ્વયં,
કાશીની કરવતધાર જેવું કંઈ નથી;

ટપકે ક્ષણો આકાશથી, સૂરજ દ્રવે,
નક્કર, અચલ આધાર જેવું કંઈ નથી;

સુગંધથી જુદી પડે સૌ જાત પણ,
ફૂલો મહીં તકરાર જેવું કંઈ નથી;

વીંધાય નાજુક મર્મ એ અડકી જતાં,
છે શબ્દ એ હથિયાર જેવું કંઈ નથી;


0 comments


Leave comment