79 - રણમાં મલ્હાર / હરિશ્ચન્દ્ર જોશી
કોણ ભીનો આપે આધાર ?
છેડીને રણમાં મલ્હાર ?
કોણ હુલાવે શબ્દકટાર,
બન્ને બાજુ કાઢી ધાર ?
ડોળીમાં શ્ર્લથ સૂરજ લઈ,
સાંજ નીકળે બની કહાર;
આખી રાત રડ્યું કોઈ,
ઝાકળ ઝાકળ ઊગી સવાર;
લોહી સોંસરું ધિરકટ ધિર,
લયનું લશ્કર થયું પસાર;
બિનવારસી આંખ પડી,
સપનાં ફરતાં અંદર-બ્હાર.
0 comments
Leave comment