82 - એવું નથી કે / હરિશ્ચન્દ્ર જોશી


એવું નથી કે દુઃખ મળે છે સતત મને.
શોધ્યા કરું છું હું જ કંઈ સુખમાંય દુઃખને.

મનને તો શું ? કર્યા કરે નકશા પ્રવાસના,
ચડતો રહે છે થાક અકરમી આ ચરણને;

અટવાઊં, જાઉં, પાછો ફરું કંઈ સૂઝે નહીં,
ચશ્માં ય ક્યાં પહેરાવી શકું મારી સમજને ?

મારા વિષેની ગેરસમજ વ્યાપતી રહી,
કારણમાં મિત્ર, તું જ હો તો શું કહું તને ?

હોંકાર કોઈ બીજું ઊલટભેર ભણે છે,
અમથી ય કરે વાત હરીશ જ્યાં હરીશને !  


0 comments


Leave comment