85 - ઊભો / હરિશ્ચન્દ્ર જોશી
પ્રતીક્ષા પિંડ મૂકીને સમયના ચાક પર ઊભો.
ઊભો, હાથે કરીને સાવ ભીની આગ પર ઊભો.
સમેટાઈ ક્ષણો તો બીજ થઈ હું યે લપેટાયો,
ક્ષણો જો વિસ્તરી તો આભ જેવા આભ પર ઊભો;
સપનના માર્ગની પાસે ઊતરતી કોઈ કેડી પર,
મને શોધી શકો તો આંસુઓના ડાઘ પર ઊભો;
અચાનક અસ્ત સૂરજનું થવું ષડયંત્ર કોનું છે ?
ડૂકેલા ઊંટની આંખે, સકળ વણઝાર પર ઊભો;
ત્રણે સપ્તકને સાંકળતી નવી ગત કેમ ઊપજશે ?
સૂરોની મૂર્છના વચ્ચે, તૂટેલા તાર પર ઊભો;
હરીશે, હામ ભીડી છે સ્વયંની પાર જાવાની,
જડે તિરાડ તો નીકળી જવાના લાગ પર ઊભો.
0 comments
Leave comment