87 - સાંજના ખૂણે / હરિશ્ચન્દ્ર જોશી
જીવને ઘેરી વળે છે થાકડો.
સાંજના ખૂણે ઢળે છે બાંકડો.
કેટલાં દ્રશ્યોનો સરવાળો થયો ?
આંખ પાસે ક્યાં મળે છે આંકડો ?
હાથ વચ્ચે પિંડ બદલાયા કરે,
એક નિરંતર ફરે છે ચાકડો;
પહોંચતું જ્યાં એક મન ટોચે હજી,
પાડવા બીજું રચે છે તાકડો;
જાત સંકોર્યા વિના અઘરું જવું,
પ્રેમનો મારગ વળે છે સાંકડો;
કાષ્ટમૌને જઈ વસ્યું હો ચિત્ત જ્યાં,
શબ્દનો છત પર પડે છે કાકડો;
દર્દ જૂનું ભૂલવા મથતો હરીશ,
લૈ નવી પીડા ભરે છે ફાકડો.
0 comments
Leave comment