88 - એમ ખાળ્યું છે / હરિશ્ચન્દ્ર જોશી


મેઘ ઉશ્કેરે છે એના તોરને.
સાત ટહુકામાં વાસેલા મોરને.

છેડતાં સરગમ પ્રભાતે પંખી,
બંદિશો કહેવી પડે કલશોરને;

બેય બાજુથી બજે છે માણસો,
સ્હેજ પણ અડકી જશો જો કોરને;

છેક અંદરના ખૂણેથી આવતો,
ને નીકળતો જોઉં મનના ચોરને;

જોતજોતામાં લીલું, સૂકું થયું,
પાનખર લૂછે છે એના ન્હોરને;

આભની સામે ભીની આંખો ધરી,
એમ ખાળ્યું છે અષાઢી જોરને


0 comments


Leave comment