89 - સાંજ બીજે ફાળવો / હરિશ્ચન્દ્ર જોશી
પત્ર પોતાને લખી જીવ વાળવો.
એ રીતે વસમા સમયને ખાળવો.
પાંસળીનું પીંજરું ખાલી ઝૂલે,
કોઈ લીલો શ્વાસ અમથો પાળવો;
વારતા કહેશે સમયની પૂતળી,
પ્રશ્ન અધવચ્ચે ઊઠે તો ટાળવો;
તાપણું સંબંધનું ફૂંકી જુઓ,
જીવ જો થાયે ફરી હૂંફાળવો !
ઉત્સવો બદલે ભલેને આંગણું,
આપણે બારીપણાને જાળવો;
બારણે આવી કોઈ ચાલ્યું ગયું,
લ્યો, હવે તો સાંજ બીજે ફાળવો !
0 comments
Leave comment