90 - પ્રથમ એને ચહવો / હરિશ્ચન્દ્ર જોશી


અહીં ફક્ત માણસને માણસ સમજવો.
પારખવું ત્યજીને પ્રથમ એને ચહવો.

અનાગત પ્રવાસે ભરી તેજ ઝોળી,
જરૂરત પ્રમાણે જ સૂરજ ખરચવો;

સમયપત્રકે બદ્ધ છે સર્વ ફૂલો,
અડાબીડ મહેકે અહર્નિશ મરવો;

નથી બાદબાકી, નથી ખોટ કાયમ,
સંબંધોનો ક્યારેક સરવાળો કરવો;

બધાં સત્ય મૂઠીક લો નીકળે ને,
જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો;

તરસ તીવ્ર હો તો નદી દ્વાર આવે,
અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;

પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
કરે ભીતરે શબ્દ સાચે જ બળવો.


0 comments


Leave comment