91 - હતું / હરિશ્ચન્દ્ર જોશી


આમ તો નખ જેટલું ના કોઈ પણ સગપણ હતું.
તે છતાં આ જગ વિષે કોનું મને વળગણ હતું ?

નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી,
એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું !

જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને,
એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું;

રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં,
ને ઘડ્યું ષડયંત્ર જેમાં સૂર્યનું વડપણ હતું;

હું થીજેલી યાદ જેવી ભીંતની બારી બન્યો,
ખૂલવું ને બંધ થાવું એટલું સ્મરણ હતું;

નિષ્પલક તાક્યા કરે છે પંથને આંખો હવે,
શુષ્કતાની પ્રક્રિયામાં એ પ્રથમ પગરણ હતું.


0 comments


Leave comment