92 - ભિન્ન ષડ્જ / હરિશ્ચન્દ્ર જોશી


જો ફરી સાંધી શકું એ છિન્ન તરજ.
એક પળ આલાપવો છે ભિન્ન ષડ્જ.

એ જ ધૂસર સાંજ એ મધ્યમ હવા,
એ જ આદિમ દર્દ ને એ ભિન્ન ષડ્જ;

સૂરની પીંછી ફરે ધીરે ધીરે,
ઊપસે છે યાદ થઈને ભિન્ન ષડ્જ;

જર્જરિત સૂની હવેલી શ્વાસની,
એક ખૂણે ટમટમે ભિન્ન ષડ્જ;

મૂર્છના વચ્ચે મૂકીને અંતરાલ,
દ્રુત લયે ચાલી ગયો છે ભિન્ન ષડ્જ;

હે સમય ! ઋણ કેટલાં બાકી હવે ?
હું અકિંચન થઉં, લઈ લે, ભિન્ન ષડ્જ.


0 comments


Leave comment