2 - વહાલ વાવી જોઈએ / ગૌરાંગ ઠાકર


ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વહાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલા હરાવી જોઈએ.


0 comments


Leave comment