7 - થયો / ગૌરાંગ ઠાકર


જે ઘડી બે હાથનો ખોબો થયો,
ત્યારથી આ જીવનો સોદો થયો.

ત્યાં હવાની હેસિયત બિલકુલ નથી,
જો ગઈ જળમાં તો પરપોટો થયો.

મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.

બાગ પરણાવે પવનથી મ્હેકને,
જાણે કન્યાદાનનો મોકો થયો.

કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.


0 comments


Leave comment