8 - બારી સુધી જવાશે ? / ગૌરાંગ ઠાકર
પડઘાની વાત છોડો, પણ બૂમ તો પડાશે,
ખુદને મળી જવાનું, વાતાવરણ રચાશે.
ઘરડાં થયેલા વૃક્ષે, ફૂટપાથને કહ્યું કે,
મારાથી છાંયડો નહિ, બસ બાંકડો થવાશે.
અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?
દીવાનગીનો ફાળો ઓછો નથી પ્રણયમાં,
હારી ગયાં કે જીતી, બન્ને ભૂલી શકાશે.
મિત્રો, તમે જવા દો, આ ભાગ્યની છે પીડા,
પાણીમાં માછલીનાં આંસુ નહીં લુછાશે.
0 comments
Leave comment