9 - કરી દે / ગૌરાંગ ઠાકર
મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.
ઝાકળ ન ઊડે સૂર્ય અહીં તેમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.
તું પાસ રહે એ જ ગનીમત છે અહીં, દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.
એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.
0 comments
Leave comment