18 - એંધાણી / અદૃશ્ય દિવાલો / માવજી મહેશ્વરી


      બે દિવસથી વરસતા વરસાદથી બધુંય ભેજલ થઈ ગયું હતું. જોકે વરસાદ ઝરમર ઝરમર પડતો હતો. ઓશરીમાં બેઠો બેઠો રાયશી વિચારી રહ્યો હતો – રાખે આઠેક દી’ની ઝડી ન થાય !

      આંગણામાં વહેતાં ડહોળાં પાણી પર ક્યાંક ક્યાંક પરપોટા થતાં હતા ને ફૂટી જતા હતા. ચોમેર ફેલાઈ ગઈ હતી વરસાદી ગંધ. આખા ફળિયાનું પાણી રાયશીના ઘર તરફ વહી આવતું હતું. ફળિયું કાદવ કાદવ થઈ ગયું હતું. ફળિયામાં ચાલવા માટે ગોઠવાયેલા ઘાટઘૂટ વગરનાં પથ્થર પરથી માથે ગુણિયું ઓઢીને જતાં છોકરાનો પગ લપસ્યો. પાણી થોડી વાર હલબલ્યું. કાચાં મકાનોની ભીંતો પરથી ખડી માટીનો સફેદ રંગ ધોવાઈ રહ્યો હતો. ઓટલાની ધારો ફસકી રહી હતી. રાયશીના ઘરને પડખે ઊભેલું ગુંદાનું ઝાડ ઘેટાની માફક ધૂણતું હતું. જખ્ખનાં મંદિરવાળા લીમડા પર જીર્ણશીર્ણ થઈ ગયેલી ધજા પવન સામે જાણે શરણાગતિ સ્વીકારતી હોય તેમ ફરકી રહી હતી. કોરાધાકોર દુષ્કાળ પછીનો પહેલો વરસાદ હોવાથી હજી કોઈ કચવાટ નહોતું કરતુ. સામેના ઘરની ઓશરીમાં બેસી વાછંટનો આનંદ લેતી અંધ જાનબાઈ તો –
- વસ મોલા વસ. ધિલ ભરે ને વસ.
      કહી જાણે વરસાદને પોરસાવતી હતી. એક નાગુંપૂગું છોકરું ફળિયામાં પલળવા નીકળ્યું. તે સાથે જ પાછળ સ્ત્રીનો બાવળની શૂળ જેવો ગાળમિશ્રિત ઘાંટો વેરાયો. આ સાંભળી ઊભડક પગે છત્રી ઓઢી ગાયને રાંધેલી જુવાર ખવડાવતો વેલજી એ ઘટ તરફ જોઈ રહ્યો. રાંધેલી ગરમ જુવારમાંથી નીકળતી વરાળ અને વેલજીની બીડીનો ધુમાડો થોડી વાર એક થતા ને વિખરાઈ જતા હતા.
- હવે ખાઈ લેશો કે હજી કાંય જોવાનું બાકી છે ? આભમાંથી પાણી પડે છે કાંય બીજું નથી. જોયો જ ન હોય જાણે કોઈ દી’ વરસાદ....
      રાયશીને લાગ્યું જાણે એના ખુલ્લા બરડામાં કોઈએ સળગતી બીડી અડાડી દીધી. એણે બોલ્યા વગર નિર્લેપ આંખો રસોડા તરફ જોયું અને ફરી વાદળાંની દોડ જોવા લાગ્યો.
- હું આ થાંભલીને નથી કે’તી. તમને કઉં છું ખાઈ લ્યો. ટાણાસર એટલે મારી જાન છૂટે.
- મને ભૂખ નથી. તું ખાઈ લે.
- કાં ભૂખ નથી ? તો પે’લેથી કે’વું’તું ને. રાંધત જ નંઈ. હવે ખાઈ લ્યો છાનામાના.

- તને કીધું ને કે ભૂખ નથી. તું ખાઈ લે ખાવું હોય તો.
- મને શું ? ખાવું હોય તો ખાવ ને નંઈતર જાવ પેલી મા’દેવની દેરીએ. ત્યાંથી જોયા કરજો પેલી તલાવડીને. ન જાણે શું બળ્યું છે ઈ તલાવડીમાં. વરસાદ પડ્યો નથી કે, ‘મને ભૂખ નથી.’ ચાલું થ્યું નથી. ન જાણે વરસાદ પડતાંની સાથે કઈ પીડા ચાલુ થઇ જાય છે...
      ઘરની અંદર મણિનો બડબડાટ અને વાસણ પછાડવાનો અવાજ ચાલુ રહ્યા. રાયશી ચુપચાપ બીડી ફૂંકતો ખાટલા પર બેસી રહ્યો. જાણે વરસાદની ધાર ગણવા બેઠો હોય !

      બે દિવસથી વરસતા ઝરમરિયા વરસાદનું જોર આજે કાંઈક વધ્યું હતું. રાયશીની ઓશરી અડધીપડધી તો પલળી જ ગઈ હતી. ક્યારેક તો ઓશરીના છેડે ખાટલા સુધી વાછંટ આવી જતી હતી. એક કૂતરું ખાટલા પાસે આવી ઊભું રહ્યું. ખાટલાની આસપાસ વિચિત્ર વાસ ફેલાઈ ગઈ. રાયશીએ કૂતરાને લાત મારી. કૂતરું ધીમી ચાલે ઓશરી છોડી ગયું.

      મણિએ રસોડાનું કમાડ જોરથી બંધ કર્યું અને અંદરના ઓરડામાં જઈ સૂઈ ગઈ. રાયશીએ બીજી બીડી સળગાવી, છેક દોરા સુધી ચૂસ્યા કરી. તેણે કંઈક કંટાળાથી ઠૂંઠું વહેતા પાણીમાં ઘા કર્યું. ઓરડાની અંદર જોયું. ઓરડો અંધકાર ઓઢીને બેઠો હતો. મણિ વચ્ચોવચ્ચ સૂતી હતી. રાયશી મણિને જોઈ રહ્યો. તેને થયું :
ક્યાં નજર ઠેરવવી ? તનમન બેય સુક્કાં, સાવ સુક્કાં !
      એક પ્રલંબ નિશ્વાસ મૂકી આકાશમાં જોયું. અચાનક વીજળી ચમકી. તે સાથે રાયશીની આંખો પણ. મણિએ પડખું બદલાવ્યું.

      ઘણી વાર એમ ને એમ બેઠા રહ્યા પછી તે ઓરડામાં ગયો. અંદરના ઓરડાનું ભેજલ અંધારું આંખ-નાકમાં અથડાયું. તેણે આથમણી ભીંતમાં આવેલો આરિયો ધીમેથી ખોલ્યો. આરિયામાં મૂકેલી લાલ પૂંઠાવાળી ખેતરની ચોપડીઓ ઊંચી કરી. કશીક ઝણઝણાટી ટેરવાંમાંથી થઈને આખા શરીરમાં ફરી વળી. તેણે નાના રૂમાલની પોટલી બહાર કાઢી ફરી ખાટલા પર બેસી ગયો. પોટલી રજોટાઈ ગઈ હતી. તેણે ફૂંક મારી. ભેજવાળી રજ માંડ માંડ ખરી.

      તેણે હળવે હાથે રૂમાલની ગાંઠ છોડી.
      પોટલી ખૂલતાં જ કેટલાય ચોમાસાનો જાણે ઢગલો થઈ ગયો. કૂણો તડકો પીતી જુવારની મીઠી સુગંધ ફેલાઈ ગઈ. રાત્રે નદીના પટમાંથી પસાર થઈ રહેલાં ગાડાંના પૈડાં નીચે કચડાતી રેતીનો મીઠો રવ કાનમાં ગુંજવા લાગ્યો. આકાશમાં વીજળીનો જોરદાર કડાકો થયો. રાયશીનું હૈયું જાણે એક ધબકાર ચૂકી ગયું. તેના હાથમાં પોટલી જાણે સળવળતી હતી.

      વરસાદ રંગ બદલી રહ્યો હતો. બે દિવસથી પલળી રહેલી ગારમાટીની ભીંતોના જૂના થર પાધરા થતા હતા. રાયશીએ ભીંતને પીઠ ટેકવી. જરા ઠંડુ ઠંડુ લાગ્યું.

      વરસાદનું જોર વધતું જતું હતું. રાયશીએ આંખો બંધ કરી. બંધ આંખો પાછળ એક પછી એક ચોમાસાં પસાર થવા લાગ્યાં.

      હજી તો પાંચ જ વરસ થયાં જ્યારે ચોમાસું કેવળ વરસાદ નહીં બીજું ઘણુંબધું હતું. કૂણાં કૂણાં ઘાસ જેવું. ચોમાસું તો ઠીક શિયાળો ઉનાળોય માણવાની મોસમ લાગતી. દિવસ ઊગતો કે જાણે ઉત્સવ શરુ થતો અને રાત જાણે રંગત. ચોમેર મેઘધનુષી રંગો હતા. દરેક કામનું નામ જ આનંદ હતું. કામ કરીને શરીર થકવી નાખવાનોય આનંદ હતો.

      ક્ષણ ક્ષણ ઉપર એક જ નામ હતું હંસા.
      હંસાના આવ્યા પછી જ ખબર પડી હતી કે અત્યાર સુધી બધુંય ખાલી હતું. ઊંડા કૂવા જેવું ખાલી અને નકામું. હંસાએ આવીને બધું ચસોચસ ભરી દીધું.

      જે ચોમાસું માત્ર ઢસરડો જ લાગતું તે હંસાના આવ્યા પછી જ રણઝણતી મોસમ બન્યું હતું.

      ચોમાસે ખેતરમાં ખેડ ચાલતી હોય ને આંખો વારંવાર સડક પર જઈને ઊભી રહેતી. દૂરથી હંસાને આવતી જોઈ બળદને ડચકારો દેવાઈ જતો. બળદો પણ એના આનંદને પારખી જતા હતા અને ચાલ વધારી નાખતા. માના હાથનું ખાવાનું તો નસીબમાં નહોતું. બાપા હતા ત્યાં સુધી થીગડથાગડ ચાલતું હતું પણ પછી તો બળદિયા ભેગો જાણે બળદ ! પણ બપોરે ખેતરના શેઢે ખીજડા નીચે અલક-મલકની વાતો કરતી કરતી હંસા ખવડાવતી ત્યારે લાગતું કે માણસો સરગ સરગ કરે છે તે બીજું કાંઈ નંઈ પણ આ જ. જમી લીધા પછી આડે પડખે થવાનું ગમતું જ ક્યાં ?

      રાત્રે ઓરડામાં ખાટલા પર પડ્યા પડ્યા ઢાંકો-ઢૂબો કરતી હંસાને જોયા કરતો. હંસા પણ એના પરણ્યા પહેલાના ખાલી જીવનનું વળતર ચૂકવતી હોય તેમ માણવા જેવી એકેય તક છોડતી નહીં - હમણાં જ આવું હોં ને ! રણકો કરી બહાર જતી ત્યારે એના ઝાંઝરની ઘૂઘરીના રણકારથી આખો ઓરડો ભરાઈ જતો. આંખો એ જ જોયા કરતી કે ક્યારે કમાડને આગળો દેવાય.

      ખાટલાની ઈસ પર પગ ઝુલાવી બેઠેલી હંસાના ખોળામાં માથું મૂકી ઊંધા સૂઈ રહેવું એ જ પરમસુખ. ખુલ્લી પીઠ પર ફરતી સુંવાળી હથેળીઓ અને અસ્ફુટ સંવાદો સાંભળતી ચીમનીની જ્યોત સ્થિર થઈ જોયા કરતી ખૂણામાં ચુપચાપ ! માનું સુખ તો યાદ જ રહ્યું ન હતું, એટલે જ કદાચ હંસા આગળ બાળક બની જવાનું ગમતું. હંસા પણ આ સમજતી હતી - એટલે જ એક વખત તેને કહેવાઈ ગયું હતું - હંસા સાચું કઉં ? તું મને મા જેવી કેમ લાગશ ?

      હંસાની આંખો ભીની થઈ ગઈ હતી અને એના શબ્દોનું તેણે પૂરેપૂરું મૂલ ચૂકવી દીધું હતું !

      અને એક ધોધમાર ચોમાસું ખાબક્યું. અનરાધાર વરસેલા વરસાદે તળાવ-તળાવડીઓ એક જ રાતમાં છલકાવી દીધી. વરાપ નીકળતાં જ એ વાવણીનાં સાધનો સરખાં કરવા લાગ્યો.
- હું હમણાં આવું હોં આ કપડાં ધોઈ આવું.
- કાલે જજે ને. તલ સાફ કરી નાખ. ને તું અંઈ નંઈ હો તો મને કામેય નંઈ ઊકલે.
      હંસા એકીટશે જોઈ રહેલી. પછી મલકતાં બોલેલી :
- કોઈની નજર લાગશે ને તો હેરાન હેરાન થઈ જાશો.
      તેણે ઝડપથી કામ પતાવી દીધું. પાણી પીવા અંદર ગયો ત્યાં પાણિયારે રૂમાલની નાની પોટલી પડી હતી. તે પોટલી ઉપાડી. જુએ તો પહેલાં તો ફળિયામાં ચીસ પડી.

      તેણે જોયું તો દોડતી આવતી હીરુની છાતી ધમણની જેમ ફૂલતી જતી હતી. એણે હીરુની આંખોનો રંગ પારખ્યો અને દોટ મૂકી તળાવડી બાજુ...
      બસ,
      તે રાત્રે હંસાના શરીર પર માટી વળાઈ ગઈ. સાથે એના હૈયા પર પણ.

      તે પછી ફળિયાવાળા અને કુટુંબીઓની લાખ સમજાવટ પછી મણિને ઘરમાં લાવ્યો તો ખરો, પણ હૈયા પર પડેલા પેલા માટીના ઢગલામાંથી મણિ એક કણ પણ ખેસવી શકી નહીં.

      આભને ફાડી નાખતો વીજળીનો કડાકો થયો. મકાનની વંઝીઓ ધ્રૂજી ઊઠી. રાયશીએ ચોંકીને આમતેમ જોયું. સામે મણિ ઊભી હતી. ચહેરો તપાવેલા તાંબા જેવો લાલઘૂમ થઈ ગયો હતો. મોઢામાંથી જાણે તણખા ઝર્યા.
- હવે સમજાણું કે ખાવાનું કેમ નથી ભાવતું. સવારથી જ ધતૂરાના ડેડા જેવું ડાચું શીદ થઈ ગ્યું છે તે હવે સમજાય છે.
- શું બક્યા કરશ ?
- હું બકુ છું એમ ? ત્યારે આ શું છે ?
      રાયશીને હવે ખ્યાલ આવ્યો કે પેલી વસ્તુઓ રૂમાલ સહિત મણિના હાથમાં છે.
- લાવ ઈ મને આપી દે.
- પે'લા ઈ કયો કે આ કઈ સગલી હારું સાચવી બેઠા છો ?
- ભલી થઈ એલફેલ બોલ મા. આ ઘરની ચીજો જ છે !
- તો ખોળામાં મેલીને શીદ નિસાકા નાખો છો ?

- તું મોઢું બંધ કર. આ હંસાની ચીજો છે ને એટલે જ મેં સાચવી રાખી છે.
- ઈમ કાં ? તો તો હવે આપે મારી બલારાત ! આને તો હું ઈ જ તળાવડીમાં ઘા કરી આવીશ.
      પગ પછાડતી મણિ ઘરમાં જતી રહી. રાયશીએ ઝડપથી પાછળ જઈ લગભગ ત્રાડ જ નાખી.
- લાવ, આપી દે ઈ વસ્તુઓ.
      મણિ રાયશીની આંખો જોઈ ગભરાઈ ગઈ અને રૂમાલ સહિત વસ્તુઓ ઓશરીમાં ઘા કરતાં બોલી :
- આટલું હેત હતું તો ડૂબી જાવું'તું ઈ જ તળાવડીમાં. થઈ જાવું'તું ઈની પાછળ સતા.
      ઉંબરના ચાંપણા સાથે અથડાઈને બધી વસ્તુઓ આમતેમ વિખેરાઈ ગઈ. ઝાંઝરની એકાદ-બે ઘૂઘરી તૂટીને આંગણામાં વહેતા ડહોળા પાણીમાં પડી ગઈ. રાયશી દુઃખી હૈયે મણિ સામે થોડી વાર જોતો રહ્યો. પછી કાંઈ જ બોલ્યા વગર નીચા નમી બધી વસ્તુઓ હળવે હળવે ભેગી કરી રૂમાલને ગાંઠ મારી એક પ્રલંબ નિશ્વાસ સાથે ઘરની બહાર નીકળી ગયો.

      વરસાદ હવે એકધારો પડી રહ્યો હતો. રાયશી પલળતો જતો હતો. એના ગળે ડચૂરો બાઝ્યો. તેણે જેમતેમ કરી ગળે થૂંક ઉતારી ઉપર જોવાનો પ્રયત્ન કર્યો. વરસાદની તડાપીટમાં આંખ ખૂલતી ન હતી. તે પાણી ખૂંદતો ખૂંદતો ચાલ્યો જતો હતો. વીજળીનો જોરદાર ચમકારો થયો. બારેમેઘ જાણે ખાંગા થઇ ગયા હતાં. બધું એકાકાર થતું જતું હતું. રાયશી કશું વિચાર્યા વગર ચાલ્યે જતો હતો.

      તે રાત્રે આખી રાત વરસાદ વરસ્યો. સવારે વાદળાં વિખેરાઈ જવા આવ્યા. ચોમેરથી નુકશાનીનાં સમાચાર મળતા હતા. મા'દેવની તળાવડીના કિનારે ઊભેલા બાવળ આગળ ભેગા થયેલા કચરામાં એક ચિરાયેલો રૂમાલ પાણીની લહેરો સાથે હાલકડોલક થતો હતો.

      આ વરસાદનાં પંદર દી' પછી મણિના અડવાણા કાંડાં પસવારી રહેલી અંધ જાનબાઈ કહી રહી હતી.
- મણિ રાયશી ખૂબ ભલો માણસ હતો. ... બાઈ ખૂબ ભલો માણસ....
- હા, ફૂઈ, હું જ અભાંગણી કે...
      મણિની આંખો દૂર ખેતરોમાં વવાઈ ચૂકેલા બીજના ફૂટતા અંકુરોને જાણે જોઈ રહી હતી. એનો હાથ અનાયાસે પેટ પર કર્યો.
      અંધ જાનબાઈને કશી ખબર ન હતી.
[જલારામ દીપોત્સવી - એપ્રિલ ૧૯૯૪]


0 comments


Leave comment